એવું ગામ જેનું 50 વર્ષ પહેલા અસ્તિત્વ મટી ગયું હતું, તો પણ આજે કેવી રીતે જીવે છે લોકો?

  • દિપ્તી આસ્થાના
  • બીબીસી ટ્રાવેલ

ભારતના સૌથી સુંદર કાંઠાળ વિસ્તારોમાંથી એક છે ધનુષકોડી કે જે ભારત અને શ્રીલંકા વચ્ચેની માત્ર સ્થાનિક સીમા છે.

ધનુષકોડી તમિલનાડુના પંબન દ્વીપ પર વસેલું ગામ છે કે જે રામેશ્વરમથી માત્ર 20 કિલોમીટના અંતરે આવેલું છે. અહીંથી શ્રીલંકાની સીમા પણ માત્ર 33 કિલોમીટર દૂર છે.

વીસમી સદી દરમિયાન જ્યારે ભારત પર બ્રિટીશરો રાજ કરતા હતા ત્યારે ધનુષકોડી એક સમૃદ્ધ ગામ હતું.

અહીં પોલીસ સ્ટેશન હતું, ચર્ચ હતા, રેલવે સ્ટેશન હતું, શાળા તેમજ 600 ઘરો હતાં.

આ ગામ એવી જગ્યાએ વસેલું છે કે તેનાથી ભારત અને સિલોન (જે હવે શ્રીલંકા છે) વચ્ચે સામાનની હેરફેર કરવામાં મદદ મળતી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ધનુષકોડી તેમજ થલઇમન્નાર વચ્ચે ફેરી સર્વિસ ચાલતી હતી, અને તેનાથી લોકો તેમજ સામાનની અવરજવર થઈ શકતી હતી.

જોકે, કુદરતી સૌંદર્ય ધરાવતી આ જગ્યા એક ભયાનક ભૂતકાળ પણ ધરાવે છે. 50 કરતાં વધારે વર્ષો પહેલાં, ધનુષકોડીનું ભારતના નક્શા પરથી નામોનિશાન હટી ગયું હતું.

પરિસ્થિતિ સામે લાચાર

સમુદ્રના કિનારે વસેલા ગામની જીવાદોરી સમુદ્ર જ હોય છે. ધનુષકોડીને સદનસીબે એક નહીં પણ બે સમુદ્રોનો લાભ મળેલો છે. એક બાજુ બંગાળની ખાડી છે તો બીજી તરફ હિંદ મહાસાગર.

સ્થાનિક માછીમારો ઉનાળા દરમિયાન બંગાળની ખાડીમાં માછીમારી કરે છે. કેમ કે તેઓ માને છે કે હિંદ મહાસાગરની સરખામણીએ બંગાળની ખાડી શાંત છે.

જ્યારે હવામાન ખરાબ થાય છે ત્યારે તેઓ પોતાનો રસ્તો હિંદ મહાસાગર તરફ બનાવે છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે ગ્રામજનો મોટાભાગે પોતાની આજીવિકા માટે સમુદ્ર પર નિર્ભર છે. પણ જ્યારે તોફાન આવે છે ત્યારે તેઓ લાચાર બની જાય છે.

ડિસેમ્બર 1964માં આવેલા એક તોફાને અહીં વસતા લોકોની જિંદગી જ બદલી નાખી.

સાથે જ આ ગામનું ભવિષ્ય પણ બદલાઈ ગયું. તોફાનમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.

66 વર્ષીય મુનિયાસ્વામી કહે છે, "અમે ઉપરના વિસ્તારમાં હતા એટલે અમે બચી ગયા."

"મેં અને મારા પરિવારે આખી રાત પગપાળા ચાલી રામેશ્વરમ સુધીનો રસ્તો કાપ્યો હતો. તે સમયે પાણી એટલું હતું કે મારી છાતી સુધી પાણી આવી ગયું હતું.

મુસીબતોથી ભરપૂર જીવન

તોફાનમાં ધનુષકોડીના ઘર, રસ્તાઓ, મંદિરોએ દરિયાની નીચે સમાધિ લઈ લીધી હતી.

તેના પરિણામ સ્વરૂપે સરકારે આ ગામને મનુષ્યોના રહેવા માટેની અયોગ્ય જગ્યા ઘોષિત કર્યું હતું.

જે લોકો બચી ગયા હતા તેમનું રામેશ્વરમ સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું.

પરંતુ માછીમારોને તેમના દરિયાથી દૂર રાખી શકવા ખૂબ મુશ્કેલ છે. સરકારે ના પાડી હોવા છતાં તેઓ ફરી અહીં આવીને વસ્યા.

ઘણાં લોકોએ ફરી એ જ જગ્યાએ રહેવાનું શરૂ કર્યું જ્યાં એક સમયે તેમનું પોતાનું ઘર હતું કે જે દરિયાના પાણીથી ધોવાઈ ગયું હતું.

આ ગામમાં આજે ન તો વીજળી છે, ન પાણીની સગવડ, ત્યાં મેડિકલ કે બીજી કોઈ જ જરૂરી સુવિધા નથી.

આ ગામમાં આજે 400 જેટલા લોકો વસે છે, તેમાંથી કેટલાક લોકો 50 વર્ષ પહેલાં તોફાનમાં બચી હતા.

તેમની પાસે આજે માત્ર રસોડાનો થોડો સામાન છે અને માછીમારી માટે જરૂરી વસ્તુઓ.

આ લોકો માટે અહીં જીવન સહેલું નથી. પીવાના પાણી માટે તેઓ ખુલ્લા પગે કુવાની શોધમાં ચાલે છે.

દૃઢ હિંમત

આ ગામમાં વસતા દરેક ગ્રામજન માછીમારી સાથે જોડાયેલા છે.

ઘરના પુરુષ જ્યારે માછીમારી કરીને માછલી લઇને આવે છે, ત્યારે ઘરની મહિલા માછલીને અલગ અલગ ભાગમાં વહેંચી તેને વેચવા માટે રામેશ્વરમ જાય છે.

કેટલીક મહિલાઓ તો પુરુષો સાથે માછીમારી પણ કરે છે. અમુધા અને સેલ્વી માત્ર બે અને પાંચ વર્ષની જ હતી, જ્યારે તેમના પિતા બન્ને દીકરીઓ અને તેમની માને 25 વર્ષ પહેલાં છોડીને જતા રહ્યા.

સેલ્વીએ આઠ વર્ષની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે અમુધાએ બાર વર્ષની ઉંમર સુધી પોતાનું ભણતર ચાલું રાખ્યું હતું. અત્યારે હવે તેઓ એક દિવસમાં આશરે 65 રૂપિયા કમાય છે.

કમાણી માટે તેઓ માછીમારી માટે નેટ ખેંચે છે અને માછલીઓ વેચે છે.

ખતરનાક કામ

માછીમારો દરરોજ જીવનું જોખમ ખેડી દરિયામાં માછીમારી કરવા જાય છે.

આ દરિયામાં શ્રીલંકન નેવીની સતત નજર રહે છે. તેનાથી ધનુષકોડીના માછીમારોને સતત એ ડર રહે છે કે ક્યાંક ભારતીય સમુદ્રી વિસ્તારને પાર કરી દેશે અને શ્રીલંકન નેવી તેમને પકડી લેશે તો?

ઘણી વખત તો માછીમારોને શ્રીલંકન નેવીથી બચવા માટે પોતાની બોટના એન્જિન બંધ કરી દેવા પડે છે.

જુલાઈ 2017માં રામેશ્વરમથી ધનુષકોડી વચ્ચે રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના પરિવારજનોની અંતિમ વિધિ પૂર્ણ કરે છે. લોકો પોતાના પરિવારજનોનાં અસ્થિઓ અહીં વિસર્જિત કરે છે.

અહીં લોકોએ પોતાનું જીવન વસાવી લીધું છે પણ તેમ છતાં અહીં રહેતા લોકો સતત એ ડર સાથે જીવે છે કે ક્યાંક બીજી કોઈ કુદરતી આપત્તિ આવીને તેમનું જીવન બરબાદ ન કરી નાખે.

ગત વર્ષે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો કે સ્થાનિક સરકાર ધનુષકોડીને પ્રવાસન માટે વિકસાવવાની યોજના બનાવી રહી છે.

પરંતુ એ તો સમય જ બતાવશે કે આ ફેરફાર માછીમાર સમાજ માટે નવી તક લાવશે કે પછી તેની તેમની આજીવિકા પર અસર પડશે.

નવી પેઢી

સરકાર ગ્રામજનોને કોઈ પ્રકારનું પ્રોત્સાહન આપતી નથી. જ્યારે શક્ય બને ત્યારે માત્ર થોડી મદદ આપે છે.

વર્ષ 2006માં રાજ્ય સરકારે ધનુષકોડીમાં એક પબ્લિક સ્કૂલ ઊભી કરી હતી.

આ સ્કૂલમાં 50 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે કે જેમની આંખોમાં એન્જિનિયર, ડૉક્ટર અને સરકારી અધિકારી બનવાનાં સપનાં છે.

ધનુષકોડીના બાળકો પણ સમુદ્ર માટે પ્રેમ ધરાવે છે. પણ તેની સાથે સાથે તેમને એક એવા ભવિષ્યની આશા પણ છે કે જેના વિશે તેમના માતા પિતાએ વિચાર્યું પણ નહીં હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો