ચંદ્રકાન્ત બક્ષીએ લીધેલો ફિલ્ડ માર્શલ માણેકશાનો એ દુર્લભ ઇન્ટરવ્યૂ

સામ માણેકશા

(અભિનેતા વિક્કી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડમાર્શલ સામ માણેકશાની ભૂમિકા ફિલ્મી પડદા પર નિભાવવા જઈ રહ્યા છે. 2008માં આજના દિવસે જ માણેકશાનું અવસાન થયું હતું. ગુજરાતના લેખક ચંદ્રકાન્ત બક્ષીએ માણેકશાનો 26-05-75એ ઇન્ટરવ્યૂ કર્યો હતો. જે 'ચિત્રલેખા' માં પ્રકાશિત કરાયો હતો. તે ઇન્ટરવ્યૂ 'ચિત્રલેખા'ના સૌજન્ય સાથે અહીં મૂળ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે.)

હોટેલ ઑબેરોય શેરટનની બહાર એક લીલી ઍમ્બૅસૅડર ગાડી ઊભી છે. જેના નંબરની નીચે એક પ્લેટ લટકાવેલી છે. એ પ્લેટ પર પાંચ સ્ટાર ઊભરેલા છે. હિંદુસ્તાનમાં આ ગાડી એક જ માણસ વાપરે છે, ફૌજમાં જેને ફાઇવ સ્ટાર હોય એ એટલે કે ફિલ્ડ માર્શલ દરજ્જાની વ્યક્તિ.

હિંદુસ્તાનમાં એક ફિલ્ડ-માર્શલ છે, સામ માણેકશા, 1971ના ભારત-પાક યુદ્ધના વિજેતા.

તમે હોટલમાં પ્રવેશો છો. લાઉન્જમાં કાંચની દીવાલો, પિત્તળનાં ઝુમ્મરો, બ્રાસના પગવાળા સોફા, લીલા કોટ પહેરેલા રિસેપ્શનિસ્ટ પુરુષો, પ્લાસ્કિટમાંથી બનાવી હોય અથવા ઇમ્પૉર્ટ કરી હોય એવી છોકરીઓ અને પછી લિફ્ટોની કતાર આવે છે.

આધુનિક માણસો એલિવેટર શબ્દ વાપરે છે. ઉપર રૂમ નંબર 1902માં ફિલ્ડ માર્શલ ઊતર્યા છે, ઓગણીસમે માળે. લિફ્ટ બત્રીસમાં માળ સુધી જઈ શકે છે.

બટન દબાતા પલકારામાં દસમો માળ ઇલેક્ટ્રિકલી ઝબકે છે, પછી એક-એક માળ.

તમારા લક્ષ્ય પર તમે બહાર નીકળો છો, જમણી તરફ, ખૂણાનો સ્વીટ, મખમલી કાર્પેટ, દસ્તક, અપેક્ષા, જરા વારે દરવાજાનું ખૂલવું - 'ગુડ મોર્નિંગ, સર!'

અને સામ માણેકશા સસ્મિત, સાફ, સ્વચ્છ, સુર્ખ, શાલીન, 'ગુડ મોર્નિંગ!' કહે છે.

માણેકશા ફૌજી લંબાઈ-ચૌડાઈના લિહાજથી બહુ ઊંચા ન કહેવાય - કરીઅપ્પા કે ચૌધરી કે હરબખ્શસિંહની જેમ તોતિંગ નથી, પણ એમનું એક અજીબ, અપનાયતથી ભરેલું વ્યક્તિત્વ છે.

મોઢું લાલ, નાક ગરુડની ચાંચ જેવું, ફરફરી રહી હોય એવી લાગ્યા કરતી ભરેલી મૂછો, આંખો કાંચ જેવી અને ઊંડા દરિયાઈ રંગવાળી, હાસ્ય ખુલ્લું, ખડખડાટ અને ઈમાનદાર માણસો જ હસી શકે એવું, અવાજમાં તંદુરસ્તી અને સંતોષ.

આ બધા ઉપરાંત એક ખાનદાની સાદગી-માણેકશાને ખાનદાની શબ્દ વાપરવો ગમે છે. ખાનદાનીમાં માને છે. સમયના બડા પાબંદ છે.

ચાલવામાં ચુસ્તી છે, પેટ અંદર છે, વિચારોમાં ઉલઝનો નથી. જે માને છે એ નિર્ભીકતાથી કરી શકે છે. પછી ક્યારેક હસીને કહે છે: ધિસ ઇઝ ઑફ દ રેકર્ડ!

Image copyright SAM MANEKSHAW FAMILY

'1962માં મારી પત્ની સિલુએ કુનુર(દક્ષિણ ભારત)માં મોટી જગ્યા લઈ રાખી હતી. ત્યાં એક સરસમજાનું કૉટેજ બાંધ્યું છે. ગાર્ડન બનાવ્યો છે.

'આયમ ઍન આઉટડોર મેન! આખી જિંદગી હું બહાર રહ્યો છું. મેં પણ કુનુર પસંદ કર્યું...'

ઇંગ્લૅન્ડમાં સ્થાયી થવાની વાત કરતા માણેકશાએ કહ્યું, કુનુરમાં મેં જગ્યા લઈ લીધી હતી, હું શા માટે ઇંગ્લૅન્ડમાં સેટલ થઉં?

મને પત્રકારોએ પૂછ્યું કે હિંદુસ્તાન સિવાય જો તમારે સેટલ થવું હોય તો તમે ક્યાં સેટલ થવું પસંદ કરશો? મેં કહ્યું, ઇંગ્લૅન્ડમાં અને પછી આખી ચર્ચા શરૂ થઈ...

આવી જ એક સ્પષ્ટતા એમણે એમની ટેપ્સ બાબત કરી. વર્તમાનપત્રોમાં આવ્યું હતું કે માણેકશાએ કહ્યું હતું કે જો મારી ટેપ્સ બહાર આવશે, નિકસનની જેમ, તો કેટલાયને તકલીફ ઊભી થશે.

'આઈ લાઇક હાઈ-હાઈ ઇક્વિપમેન્ટ! મને આ બધાનો શોખ છે- જાતજાતની ટેપો, સંગીત...મારી પાસે રેકોર્ડોનું બહુ સારું કલેક્શન છે. જોકે હું સંગીત વિશે બહુ સમજતો નથી પણ સાંભળવાનું ગમે છે અને...'

સામ માણેકશા જે કહે છે એ તરત જ વિરુદ્ધ પ્રકાશમાં લેવાઈ જાય છે. કંઈક એમની રમૂજ લોકો સમજી શકતા નથી. ક્યારેક એ એટલા સ્પષ્ટભાષી બની જાય છે કે આશ્ચર્ય થાય છે.

કારણ સ્પષ્ટ છે- પ્રથમ એ સાચા સૈનિક છે, હાથ પીઠ પાછળ રાખીને એ દાવ ગોઠવતા નથી, એ એમના ખાનદાની સ્વભાવમાં નથી.

ઘણા બધા વિષયો પર બે કલાક સુધી આત્મીય વાતો થઈ. માણેકશામાં આત્મીય થઈ જવાની, તરત જ વિશ્વાસ પ્રકટાવવાની જન્માજાત શક્તિ છે. ફૌજમાં ગોરખા સૈનિકો એમને સામ બહાદુર કહેતા હતા.


Image copyright TWITTER@ADGP

દહેરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં એક રૂમ રખાયો છે, જે સામ બહાદુર રૂમ કહેવાય છે:

'મને જે કંઈ મેડલો ઇત્યાદિ મળ્યું છે એ બધું મેં મારી જૂની રેજિમેન્ટને આપી દીધું છે અને એમણે એ બધું ત્યાં સજાવીને રાખ્યું છે.

'ફક્ત મારી ફિલ્ડ માર્શલની બેટન મેં હજી આપી નથી! ફિલ્ડ માર્શલની તલવાર અને બેટન બે જ મેં રાખ્યા છે.'

અમે પારસી એક બહુ નાની જાતિ છીએ-નેવું હજાર જેટલા હોઈશું. ટકાનો હિસાબ ગણવામાં પણ ફાવે નહીં એટલા. પણ કેવા કેવા માણસો પેદા થયા છે.

ડૉક્ટર ભાભા... ડૉક્ટર શેઠના... ઝૂબીન મહેતા... હિંદુસ્તાન એક મહાન દેશ છે.

કોઈ દેશે આટલી નાની લઘુમતીના સભ્યને પ્રથમ સૈનિક બનાવ્યો ન હોત. આ દેશ હિંદુ દેશ છે. એમા અચકાવાનું શું છે? હિંદુસ્તાન કહીએ તો ખોટું શું છે?

લડાઈમાં મરેલા સૈનિકોમાં નેવું-પંચાણું કે વધારે ટકા હિંદુઓ મર્યા છે, પણ બધી જ જાતિઓને અહીં સ્થાન મળ્યું છે.

ક્યારેક માત્ર લઘુમતી હોવાને લીધે સ્થાન આપીએ છીએ એ વિશે મારો વિરોધ છે. યોગ્યતા હોય તો સ્થાન આપો. જાતિ નહીં જુઓ. યોગ્યતા જરૂરી છે...

દુનિયાના દરેક દેશમાં નદી કિનારા પ્રદેશો અને સાગરતટ પરના વિસ્તારો વધારે પ્રગતિશીલ હોય છે. હિંદુસ્તાનમાં પણ એમ જ છે.

પહાડી પ્રદેશોમાં પ્રગતિને આવતાં વાર લાગે એ સ્વાભાવિક છે. હિંદુસ્તાનના કિનારાના વિસ્તારો આગળ હોય તો એ મને સકારણ લાગે છે.

હંમેશાં જે પ્રજા બહારથી આવે છે અને એને શરણ મળે છે, ત્યારે એ પ્રજા વિશેષ વફાદાર હોય છે. અમેરિકામાં ઇંગ્લ‍ૅન્ડથી પ્યોરિટન્સ ગયા અને સારામાં સારા નાગરિકો તરીકે ત્યાં રહ્યા.

નિવૃત્તિ વિશે પ્રશ્નો પૂછાયા ત્યારે ફિલ્ડ માર્શલના ચહેરા પર પલટો આવી ગયો.

આખી જિંદગી દુર્ગમ વિસ્તારોમાં, યુદ્ધક્ષેત્રોમાં, મિલિટરી કૅન્ટોન્મેન્ટોમાં ગુજારનાર સામ બહાદુરે ધીરે ધીરે વિસ્તારથી કહેવા માંડ્યું, 'એ ફિલ્ડ માર્શલ નેવર રિટાયર્સ!' પછી એક ગમગીન સ્મિત.

'મને ખબર છે કે હું મરીશ ત્યારે ફૌજી દબદબાથી મારી અંતિમ વિધિ થશે.

લશ્કરમાં જનરલ 58 વર્ષે રિયાટર થાય છે. લેફટેનન્ટ જનરલ 56 વર્ષે, મેજર જનરલ 54 વર્ષે. બ્રિગેડિયર બાવન વર્ષે નિવૃત થાય છે, કર્નલ 50 વર્ષે અને ફિલ્ડ માર્શલ... એ રિટાયર થતો નથી!

હું પણ 58 મે વર્ષે રિટાયર થવાનો હતો ત્યારે પ્રધાનમંત્રી (માણેકશા શ્રીમતી ગાંધીનો ઉલ્લેખ હંમેશાં પ્રાઈમ મિનિસ્ટરથી કરે છે.) એ કહ્યું કે કામ હજી અધૂરું છે. તમે છોડી ન શકો, સામ!(શ્રીમતી ગાંધી એમને સામ કહેતાં અને કહે છે.)

લિન્ચિંગ વિરુદ્ધ ભારતનાં 50થી વધુ શહેરોમાં પ્રદર્શન


Image copyright TWITTER@ADGPI

અને રાષ્ટ્રપતિએ ખાસ આદેશ જારી કર્યો, સામ માણેકશાને નિવૃત થવા દેવામાં આવ્યા નહીં. અંતે એમને રાષ્ટ્રે શ્રેષ્ઠતમ બહુમાન આપીને નવાજ્યા એ હજી ગઈકાલનો જ ઇતિહાસ છે.

તમને ગવર્નરશિપ કે વિદેશમાં દૂત બનવાની ઑફર આપવામાં આવી હતી કે નહીં એ પ્રશ્નના ઉત્તરમાં ફિલ્ડ માર્શલે કહ્યું, મારા હોદ્દાની એ એક તકલીફ છે.

ફિલ્ડ માર્શલ થયા પછી નીચે ઉતરાતું નથી. કરીઅપ્પા ઑસ્ટ્રેલિયા ગયા હતા, ચૌધરી કેનેડામાં હતા.

ભૂતપૂર્વ સેનાપતિ શ્રીનગેશ આસામના ગવર્નર બન્યા હતા.

'મારી ઇચ્છા કોઈ લાટસાહબ કે ઍમ્બૅસૅડર બનવાની ન હતી. આફટર ઑલ, આ દેશમાં 21 લાટસાહેબો બેઠા છે અને 120 એલચીઓ વિદેશમાં ફરે છે, પણ ફિલ્ડ માર્શલ એક જ છે!'

રિટાયર થવું બહુ જરૂરી પણ હોય છે અને સાથે સાથે એનો ભય પણ હોય છે. અમારી પાસે બહુ પૈસા ભેગા થતા નથી.

4500 રૂપિયા મળતા હોય અને એકાએક 1200નું પેશન્ટ આવે એટલે બધું ફરીથી ઍડજસ્ટ કરવું પડે.


પેટમાં વાગી હતી નવ ગોળીઓ

જૂની સત્તા, સગવડો ચાલી જાય. જે સુવિધાઓ પહેલાં પ્રાપ્ત થતી હોય અને ન મળે.

આવક ઓછી થઈ જાય એને ખર્ચ વિશે સંચિત થઈ જવું પડે. મેં કોઈ દિવસ સત્તા માટે ખોટી ખેવના રાખી નથી.

હું સૈનિક હતો અને મેં મારી ફરજ બજાવી છે એનો એક સંપૂર્ણ સંતોષ મારી પાસે છે.

સુખી પ્રેમાળ પરિવાર છે, અને કદાચ ભવિષ્યમાં પૈસાની જરૂર પડી જાય એ માટે મારા કરતાં પૈસાદાર છોકરીને પરણ્યો હતો!

માણેકશાની રમૂજ ગંભીરમાં ક્ષણોને માનવીય બનાવી શકે છે... મારે પણ મારી નિષ્ફળતા-નિરાશાઓ હતી, સફળતાઓ હતી. કોને નથી હોતી?

ગદ્ધા પચીસીમાં હતો ત્યારે બર્મામાં સીટાંગ નદીના પુલના રક્ષણ વખતે એક જપાનીઝે...'એમ્ટીડ ઑલ હીઝ નાઇન બુલેટ્સ ઇન માય સ્ટમક!'

પછી ટી શર્ટ ઊંચું કરીને માણેકશાએ એમનું પેટ બતાવ્યું-ઑપરેશનો કરીને કાઢેલી નવ ગોળીઓના લાઇનસર ઊંડા ડાઘ જોઈને અમારાથી સ્તબ્ધ થઈ જવાયું.

Image copyright BHARATRAKSHAK.COM

જો એકાદ બુલેટ પણ કરોડરજ્જુના મહત્ત્વના હિસ્સા પર વાગી હોત તો પેરેલિસિસ થઈ જાત...અને 'ધેટ વૉઝ, આઈ ટેલ યુ, ફેબ્રુઆરી નાઇન્ટીન-ફોર્ટી-ટુ!' પછી હસવું-વેલ, જીવતા રહેવાનું કોઈ કારણ ન હતું પણ...

માણેકશાએ તદ્દન અનૌપચારિકતાથી ટી-શર્ટ નીચું કરી દીધું, અને એ જખ્મો માટે ફૌજનો મિલિટરી ક્રોસ એનાયત થયો હતો એ જખમો ઢાંકી દીધા.

જો અમે રિટાયર નહીં થઈએ તો જવાન માણસોને ચાન્સ કેવી રીતે મળશે? 'ધે આર જસ્ટ ઍઝ ગુડ ઇફ નૉટ બેટર!'

અને નિવૃતિની વાત પરથી પરિવારની વાત આવી. હું પંજાબનો છું, મારી પત્ની 'શી ઈઝ અ બોમ્બે ગર્લ.' અમે ચાર ભાઈઓ અને બે બહેનો છીએ. મુંબઈમાં મારાં સગાં રહે છે.

મારી બન્ને પુત્રીઓ શેરી અને માયા પરણેલી છે. સુખી છે. શેરી નામ તો વાઈનના નામ પરથી જ પડ્યું છેને? ત્યારે માણેકશાએ ઉત્તર આપ્યો: હા, પણ શેરીની બેબીનું નામ 'બ્રાન્ડી' છે!

ખુશખુશાલ હસવું...શેરીનો પતિ મદ્રાસમાં મોટો ઑફિસર છે, સિવિલિયન જોબ છે, શેરીને પણ સારી નોકરી છે. માયાના બે પુત્રોનાં નામ છે 'સેમ' અને 'જોહાન-સેમ'!

બન્ને બહેનોના પતિ પારસી છે. માયાના પુત્રો પણ લશ્કરમાં જાય એમ તમે ઇચ્છશો? ફિલ્ડ-માર્શલનું મુક્ત હાસ્ય. એમની ઇચ્છાની વાત છે.


પછી ગંભીર પ્રશ્નો શરૂ થયા

હિંદુસ્તાન શક્તિશાળી બને એ અમુક રાષ્ટ્રોને ન ગમે એવી વાત છે અને હિંદુસ્તાન તાકતવર બની રહ્યું છે. આ દેશમાં આપણે શસ્ત્રો બનાવીએ છીએ...સૉફિસ્ટેકેટેડ?...યેસ, સૉફિસ્ટેકેટેડ! અને 56 કરોડ લોકો.

તમે વિચાર કરો આ શક્તિનો... ચીન એક જ એવો દેશ છે જે આપણા કરતા વસતીમાં મોટો છે.

ચાઈનામૅન(માણેકશાએ હંમેશાં ચાઇનામેન શબ્દ જ વાપર્યો હતો.) તો ખભા પર કાપડનું બંડલ લઈને આવતો હતો, ત્રીસ વર્ષ પહેલાં.

આજે એ ફાઇટર બની ગયો છે, 'ઑર્ગેનાઇઝેશન, મોટિવેશન, લીડરશિપ-ધેટ હેઝ મેઇડ ધ ચેન્જ!' 'આપણા દેશમાં બ્રેઈન્સ છે, 'ધ હિંદુ હેઝ ફાઇનેસ્ટ બ્રેઈન...એટોમેટિક ડિવાઇસ, સ્પેસ...' સૈનિકોમાં પણ કોઈ જ ફર્ક નથી.

Image copyright RAVEENDRAN/AFP/GETTY IMAGES

ત્રીસ વર્ષ પહેલા તો આ બન્ને સેનાઓ હિંદુસ્તાન અને પાકિસ્તાનની એક જ હતીને? જાટ, ડોગરા, શીખ, મરાઠા, મદ્રાસી, ગોરખા... આપણો સૈનિક બહુ વફાદાર છે.

એ અમેરિકન જેવો 'હેફ્ટી' નથી, કારણ કે એને ત્રણ પેઢીથી રોજ સવારે માંસ ખાધું નથી, કદાચ અડધો ગ્લાસ રસમ જ પીધું છે, પણ આપણા હવામાન માટે એનું શરીર બરાબર છે.

વિયેટનામ પછી આ બધુ અસંગત બની જાય છે. એશિયામાં યુદ્ધ એ જુદી વસ્તુ છે. બાંગ્લાદેશમાં એટલી વિરાટ નદીઓ હતી કે ક્ષિતિજ સુધી બીજો છેડો ન દેખાય.

અમેરિકન સાતમો કાફલો આવ્યો (1971ના યુદ્ધ સમયે) ત્યારે ક્યાંય એવું પણ લખાયું કે અમેરિકન મેરિન્સ હિંદુસ્તાનની ધરતી પર ઊતરશે...જો એમણે સૈનિકો ઉતાર્યા હોત તો મને દુનિયાના મહાન સેનાપતિ થવાની એક તક મળી જાત!

વિયેતનામનું યુદ્ધ એક વિચિત્ર ઘટના હતી. ત્યાં મોકલવામાં આવેલો અમેરિકન સૈનિક વાસ્તવમાં પ્રોફેશનલ આર્મીનો સૈનિક ન હતો પણ એક ડ્રાફ્ટી આર્મીનો સૈનિક હતો.

એને માટે એનો દોઢ વર્ષનો સમય પસાર કરવો અને જીવતા રહી જવું એ જ આશયો હતા.

દેશ પર આફત કે સિદ્ધાંતો કે એવું તો કોઈ કારણ જ હતું નહીં. એનો ડ્રાફ્ટનો સમય ગુજરાતી નાખવાની એને ચિંતા હતી.

પરિણામ આપણે બધાએ જોયું છે. અને અમેરિકનનો વૈભવ, એની લક્ઝરી, એનું સુખી જીવન એ બધું-

હાં... પાકિસ્તાન. પાકિસ્તાનને શસ્ત્રો અપાય છે એ વિશે. જુઓ, આજે શસ્ત્રોનો વેપાર એ બિલિયન ડૉલરની ઇન્ડસ્ટ્રી છે, અને અમેરિકા પણ ગુજરાતી વાણિયાની જેમ પૈસા કમાવા માગે છે.

ઘણા બધા દેશો આ હરીફાઈમાં છે. શસ્ત્રો આપવાથી એક લૉબી, એક નિર્ભરતા બની જતી હોય છે. એક વિચાર કરો:

1955માં જે પાકિસ્તાની અફસર મેજર હતો અને અમેરિકામાં તાલીમ લેવા મોકલાયો હતો એને અમેરિકામાં અમેરિકન મેજરથી દોસ્તી થઈ હતી. એ અમેરિકન પાકિસ્તાનીને શીખવતો હતો.

કદાચ સાથે સાથે જ 'ધે મસ્ત ચેઝિંગ ધ સેઇમ ગર્લ્સ, ધે મસ્ટ બી હેવિંગ ધેર આઉટિંગ્ઝ ટુગેધર, ઍન્ડ...' વીસ વર્ષમાં કદાચ બન્ને પોતપોતાની સેનાઓમાં મેજર-જનરલ બની ગયા છે. હવે એ જૂની મિત્રતાનો સંબંધ વઘુ ઘનિષ્ટ બને છે.

આ દોસ્તીઓ ક્યારેક લૉબીઝ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. 1955થી 1965 સુધી સતત આ પારસ્પરિક પ્રવાહ ચાલ્યો. એની શું અસર થઈ શકે એ તમે સમજી શકો છો.

Image copyright PHOTODIVISION

બ્રિટિશરો હિંદુસ્તાનમાં આવ્યા પણ એ કોઈ મહાન ફાઇટર પ્રજા નહોતી. એમને માટે હિંદુસ્તાન તો હિંદુસ્તાનીઓએ જ જીતી આપ્યું. સૈનિકો તો હિંદુસ્તાનીઓ જ હતા.

એ લોકો કાબેલ જરૂર હતા. આ લડાયક શબ્દ વિચિત્ર છે. તમે યહુદીઓ અને આરબો વિશે પૂછો છો. યહુદીઓનું ઑર્ગેનાઇઝેશન... 'ઇવન વન ઑફ ધી બેસ્ટ ઇન ધ વર્લ્ડ!' અને એમને માટે ભાગવાની જગ્યા નથી.

ઉંદર પણ ઘેરાઈ જાય છે તો કેવો મરણિયો થઈને લડે છે? યહુદીઓ માટે તો આખો સવાલ જ અસ્તિત્વનો રહ્યો છે.

1962માં ચીની આક્રમણ સમયે મને પૂર્વમાં મોકલવામાં આવ્યો. આપણી મિલિટરી ઇન્ટેલિજન્સ બહુ કમજોર હતી એ વખતે. એ પહેલાં આઈ વૉઝ ડિસ્ગ્રેસ્ડ.

કૃષ્ણમેનને મારી પ્રગતિ અટકાવી દીધી હતી. કૃષ્ણમેનન અને ટીમય્યા(થીમય્યા)ની પણ ડિસ્પ્યુટ થઈ હતી.

ઘણું બધું લખાઈ ચૂક્યું છે એ યુદ્ધ વિશે... કૌલ(ચીની આક્રમણ સમયના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સેનાપતિ) 'હેડ અ ગ્રેટ ડ્રાઇવ. હી વુડ હેવ બની ગ્રેટ ક્વોર્ટર માસ્ટર જનરલ,' પણ લશ્કરી સ્થિતિ માટે એ યોગ્ય ન હતા.

1971ના યુદ્ધ વિશે પુસ્તક લખવા વિદેશી પ્રકાશકોએ પણ ઓફરો આપી છે, પણ ફિલ્ડ માર્શલ એ વિશે અત્યારે ઉદાસીન છે. આત્મકથા? જવાબમાં ફરીથી સ્મિત.

1971માં હું મારી પત્નીને કહેતો કે પૂના જવાનું છે અને હું કલક્તા ગયો હોઉં અને મુંબઈના સમાચારપત્રમાં મારો ફોટો છપાયો હોય... યુદ્ધમાં એવું જ બનતું હોય છે.

શ્રીમતી ગાંધી તમારો અભિપ્રાય? અત્યંત હિમ્મતવાળી સ્ત્રી. 1971ના યુદ્ધમાં રોજ સવારે મારે એમને મળવા જવાનું રહેતું હતું. કૉફી અને બ્રિફિંગ સાથે થતાં.

પ્રાઇમ મિનિસ્ટરને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને મને મારા નેતામાં... 'એ કમ્પ્લિટ ટીમ.'


યાદગાર પ્રસંગ

મારી જિંદગીમાં સૌથી યાદગાર પ્રસંગ? 'વેલ, આઈ ડૉન્ટ રિમેમ્બર વ્હેન આઈ ફર્સ્ટ મેટ માય વાઇફ!' ઉંમર થતી ગઈ એમ એમ પ્રસંગો યાદગાર બનતા ગયા. સેકન્ડ લેફ્ટેનન્ટ થયો ત્યારે એ યાદગાર પ્રસંગ હતો.

ઘાયલ થયો ત્યારે મિલિટરી ક્રોસ મળ્યો એ યાદગાર હતું. પછી ડાયરેક્ટર ઑફ મિલિટરી હેડક્વાર્ટર્સ બન્યો. પછી પૂર્વક્ષેત્રનો કમાન્ડર બન્યો એ યાદગાર લાગ્યું. પછી ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ થયો.

આપણે યુદ્ધ જીતી ગયા. ભયંકર આનંદ થયો. ફિલ્ડ માર્શલ બન્યો-એ પણ યાદગાર પ્રસંગ હતો. બહુ અઘરું છે એ કહેવું કે કયો ખાસ પ્રસંગ યાદગાર હતો.

બીજા વિશ્વયુદ્ધના સેનાપતિઓ વિશે પ્રશ્નો અને પ્રતિપ્રશ્નોના ઉત્તરમાં ફિલ્ડ માર્શલે કહેવા માંડ્યું: 'જર્મન કમાન્ડર્સ...ધે વેર સિમ્પલી ગ્રેટ, ઇન સ્પાઇટ ઑફ હિટલર!'

એ લોકોને હિટલરને બદલે બીજો કોઈ નેતા મળ્યો હોત તો ઘણું બધું બદલાઈ ગયું હોત. કેસલરિંગ, રોમેલ, રૂન્ડન્સ્ટેટ... બધા જ સુપર્બ હતા. કેસલરિંગ સામે તો ઇટલીમાં હિંદુસ્તાની સેનાઓ લડી હતી.

ઓછા સૈનિકો સાથે જે રીતે રોકતાં રોકતાં એણે પીછેહઠ કરી છે, એ એક મહાન સેનાપતિ જ કરી શકે. એમની સામેના મુકદમામાં પણ કમાન્ડર તરીકે એની તારીફ કરવામાં આવી હતી.

અંગ્રેજોમાં વેલવ, ઓકિનલેક ખરેખર સારા હતા પણ એ લોકો જે દિવસોમાં સેનાપતિ હતા એ દિવસોમાં બ્રિટન હારી રહ્યું હતું...

મોન્ટગોમરી વિશે? 'વેલ મોન્ટી'... માણેકશાહે કહ્યું એ એટલે મહાન ન હતો પણ બ્રિટનને હીરોની જરૂર હતી.

રશિયામાં ઝુકોવ, કોનિએવ? ઝુકોવ વિશે ફિલ્ડ માર્શલનો અભિપ્રાય ઊંચો ન હતો... તમારી પાસે ત્રીસ હાજર ટૅન્કો હોય અને દસ હજાર તૂટી જાય તો પણ તમે બાકીની વીસ હજાર લઈને આગળ જઈ શકો.

ઝુકોવે એ કર્યું... અમેરિકન સેનાપતિ મેક આર્થરના નામ પર... માણેકશાહનો ચહેરો ઝલકી ઉઠ્યો. 'ઈન અ સ્મોલ વે, હી વૉઝ માય હીરો.'

મેક આર્થર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકારનો સેનાપતિ હતો. એણે વેસ્ટ પોઇન્ટ પર કેડેટોનને એક પ્રવચન આપ્યું હતું. એ વાંચવા જેવું છે. મેક આર્થર ખરેખર મહાન હતો.


ટીકાખાન વિશે

પછીના પ્રશ્નોમાં ફરી પાકિસ્તાન આવી ગયું. ભુટ્ટો લશ્કરને ખુશ રાખે છે. તમને લાગે છે કે લશ્કરી જન્ટા પાકિસ્તાનમાં ફરીથી આવી શકે? વેલ, અનુમાન કરવું મુશ્કેલ છે... ટીકાખાન?

ફિલ્ડ માર્શલે જરા વિસ્તારથી કહ્યું, ટીકા(આજ શબ્દ સતત વપરાતો હતો) મારાથી સાત-આઠ વર્ષ નાનો છે. એ જેહાદી માણસ છે. હું એને લડાઈ પછી પાકિસ્તાનમાં મળ્યો હતો.

ઉંમર નાની છે પણ જરા બુઢ્ઢો લાગે છે. 'ધેર આર ડિસન્સીઝ ઇનગ્રેઈન્ડ ઇન અ મૅન...' પણ ટીકામાં એ નથી. બાંગ્લાદેશમાં એણે કતલ કરાવી. હું ન કરાવું.

અશક્ત, નિરાધાર માણસોને કતલ કરવા એ મારા ખૂનમાં નથી. એમની દ્રષ્ટીએ 'આયમ અ ગુડ મેન બટ એ બેડ સોલ્જર! ટીકા ઈઝ અ બેડ મૅન, બટ અ ગુડ સોલ્જર! લેટ્સ પુટ ઇટ ધેટ વે...'

આજે હિંદુસ્તાનની આ શક્તિ પછી પાકિસ્તાન આક્રમણ કરે એવી કોઈ શક્યતા તમને લાગે છે?

કોઈ પણ સ્ટુપિડ માણસ એ કરી શકે. તમને ખબર છે, શીલરે એક વાત કહી છે : 'અગેન્સ્ટ સ્ટુપીડીટી, ઈવન ગોડ્સ ક્રાય આઉટ!'

અપાયેલો સમય બરાબર પૂરો થવા આવ્યો હતો. ફૌજી રસમની અદબ નિભાવીને વિદાય લીધી. દરવાજા સુધી આવીને વિદાય આપવાની ફિલ્ડ માર્શલની ખાનદાની. ફરીથી નીચે.

ચકમકી કપડાંમાં પેટ ફુલાવીને પરતા થોડા કાળ બજારીયાઓ. કાચનો દરવાજો. બહાર પડેલી પાંચ તારકવાળી ગાડી, પાંચ તારકોવાળી હોટેલની નીચે.

અને અંદર ઓગણીસમાં માળ પર ફાઇવ સ્ટાર ખાનદાની...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા