શું અનામત સવર્ણો સાથે અન્યાય કરે છે?

અનામતનો વિરોધ કરી રહેલી યુવતી Image copyright Getty Images

ભારતમાં અનામતનો હંમેશાંથી ચર્ચામાં રહ્યો છે. થોડા સમય પહેલાં SC/ST એટ્રૉસિટી ઍક્ટના દૂરુપયોગની વાત કરીને સુપ્રીમ કોર્ટે કાયદામાં ફેરબદલ કર્યો હતો.

આ પરિવર્તન બાદ દેશભરના દલિતો ગુસ્સે ભરાયા અને ભારત બંધનું એલાન આપ્યું હતું,

અનામતના વિરોધમાં એવી દલીલ કરાઈ રહી છે કે અનામતને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે.

અનેક લોકોએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળતાં એડમિશનમાં અનામતને કારણે સવર્ણોને ગેર લાભ થતો હોવાની વાત કહી.

અનેક લોકો એ અનામતના કારણે એડમિશન ન મળ્યા હોવાની વાતો સોશિયલ મીડિયા પર કહી.

પરંતુ આ વાતમાં હકીકત શું છે અને ખરેખર સવર્ણોને અનામતને કારણે અન્યાય થાય છે? થોડા આંકડાઓ દ્વારા આ તપાસીએ.


અનામતથી અન્યાયનું સત્ય શું છે?

Image copyright Getty Images

વર્ષ 2017-18ના અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મિકૅનિકલ એન્જિનિયરિંગનું કટ ઑફ લિસ્ટ જોઈએ તો સમજાશે કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનો પ્રવેશ 97.77% એ અટક્યો હતો.

જ્યારે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓનો પ્રવેશ 95.39% પર અટક્યો હતો.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 2017-18 મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીનો પ્રવેશ 98.64%એ અટક્યો હતો.

જ્યારે એસ.સી. કેટેગરીના (અનુસૂચિત જાતી - શિડ્યૂલ કાસ્ટ) વિદ્યાર્થીનો પ્રવેશ 95.86%એ અટક્યો હતો.

આજ રીતે જો મેડિકલની વાત કરવામાં આવે તો દેશની પ્રતિષ્ઠીત 'ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ'માં 2017માં MBBSમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનો પ્રવેશ 99%એ અટક્યો હતો.

જ્યારે એસ.સી વર્ગના વિદ્યાર્થીનો પ્રવેશ 97.42%એ અટક્યો હતો.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ કહે છે, ''અનામત અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશના માર્ક્સમાં 2% થી વધુમાં વધુ 10% જેટલો તફાવત માંડ હોય છે.”

''પણ, આ મામલે હોબાળો કરીને અનામતના વિરોધીઓ ખોટો પ્રચાર ચલાવતા હોય છે.''

જાણીતા દલિત ચિંતક ચંદ્રભાન પ્રસાદનું કહેવું છે, ''અનામત મેળવનારા વિદ્યાર્થીઓ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચેના કટ ઑફ મેરિટમાં મામૂલી તફાવત હોય છે.

''છતાં એ સૌને દેખાય છે. પણ, એક દલિત વિદ્યાર્થી કેવી પરિસ્થિતિમાંથી આગળ આવે છે એ કોઈને દેખાતું નથી.''


અનામતની જરૂર શા માટે પડી?

Image copyright Getty Images

આંબેડકરનું જીવન ચરિત્ર લખનારા ડૉ. ધનંજય કિર 'ડૉ. આંબેડકર: જીવન અને કાર્ય' પુસ્તકમાં અનામતની જરૂર શા માટે પડી એ અંગે પ્રકાશ પાડે છે.

લેખકના મતે, ''દલિત વર્ગો માટે સરકારી નોકરીમાં વિશિષ્ટ જગ્યાઓ અનામત રાખવા આંબડેકર આગ્રહી કેમ હતા તેનાં કારણો ધ્યાન રાખવા જેવાં છે.”

''સવર્ણ હિંદુઓની સરકારી નોકરીમાં બહુમતી ન હોત તો અસ્પૃશ્ય વર્ગો પર જે સિતમ ગુજારવામાં આવતો તે કાયમી ના બન્યો હોત.”

''બીજું, દલિત વર્ગોના લોકો સરકારી નોકરીમાં હોય તો અસ્પૃશ્ય સમાજને ન્યાય આપવાની દૃષ્ટીએ થોડી પ્રગતિ પણ થાય અને તેનો આર્થિક દરજ્જો પણ સુધરે.''

''અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ અપાયો છે. વંચિત સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટેની તક એટલે અનામત.”

''બંધારણ સમિતિનું માનવું હતું કે અનામતનો લાભ લેનારી વ્યક્તિ પોતે અને પોતાના સમાજને આગળ લાવી શકશે.''


અનામતની પૂર્વભૂમિકા શું હતી?

Image copyright Getty Images

ચંદ્રભાન પ્રસાદ જણાવે છે, ''1854માં ભારતમાં મૅકોલે દ્વારા ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરાઈ.”

“આ પહેલા દેશમાં સંસ્કૃત અને અરબી કે ફારસી અનુક્રમ મંદિરો કે મસ્જિદોમાં ભણાવાતા. દલિતો ના તો મંદિરમાં જઈ શકતા હતા કે ના તો મસ્જિદમાં.”

“દેશમાં અંગ્રેજોએ જે શાળા શરૂ કરી એમાં દલિતોને પણ ભણવાનો અધિકાર હતો. જેને પગલે 1882થી 83 દરમિયાન દલિતો વિરુદ્ધ હુલ્લડો ફાટી નીકળ્યા.”

“એ વખતે હન્ટર કમિશને પણ અપૃશ્યોને શિક્ષણ આપવાની ભલામણ કરી હતી. દેશમાં એસસી-એસટીને મળતી અનામતની આ પૂર્વભૂમિકા હતી.”

“વળી, અશ્પૃશ્યો પાસેથી માણસ તરીકેનો હક પણ છીનવી લેવાયો હોય ત્યારે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનામતની જોગવાઈ ઘણી જ જરૂરી બની જાય છે.”


અનામત કેમ જરૂરી?

પ્રોફેસર શાહ કહે છે, ''અનામત પછાત વર્ગના લોકોના હકોનું રક્ષણ કરે છે. એ માટે એમને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત અપાય છે.”

“અનામત એટલા માટે પણ જરૂરી બની જાય છે કે સરકારમાં નીતિ વિષયક નિર્ણયો લેનારાઓ સામાન્ય રીતે કહેવાતી ઊંચી જ્ઞાતિના લોકો હોય છે.”

“જેને કારણે પણ પછાત લોકોના પ્રશ્નો સમજી એમના માટે નિર્ણય લેવાય એ માટે પણ તેમના કોઈ માણસની હાજરી અનિવાર્ય બની જાય છે.”


અનામતના વિરોધમાં દલીલ

'યૂથ ફોર ઇક્વૉલિટી' અનામતની નાબૂદી માટે કામ કરે છે. આ અભિયાનમાં સાડા ચાર લાખ ઑનલાઇન સભ્યો હોવાનો અભિયાનનો દાવો છે.

'યૂથ ફોર ઇક્વૉલિટી' સાથે જોડાયેલા ડૉ. કૌશલકાંત મિશ્રા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, ''અનામતને કારણે દેશને ભારે નુકસાન થયું છે. દેશ એક થવાને બદલે વિભાજિત થઈ રહ્યો છે.”

''અનામતની આડઅસરરૂપે જાટ, પાટીદાર, મરાઠા અનામત માગી રહ્યા છે.''

જોકે, 'યૂથ ફૉર ઇક્વૉલિટી' આર્થિક રીતે નબળાં લોકોને અનામત મળે તે પક્ષમાં છે. પણ, જાતિ આધારિત અનામતનો વિરોધ કરે છે.


અનામત આર્થિક હોવી જોઈએ?

Image copyright Getty Images

આ અંગે વાત કરતા પ્રો. શાહ જણાવે છે, ''અનામત આર્થિક આધાર પર નહીં પણ સામાજિક આધાર પર જ મળવી જોઈએ.”

''કારણ કે જો બે વ્યક્તિ સમાન રીતે ગરીબ છે પણ એમાંની એક વ્યક્તિ દલિત પણ છે તો એમની ગરીબીનો અર્થ બદલાઈ જાય છે.”

''ઊંચી જાતિના ગરીબને 'સોશિયલ કેપિટલ'નો ફાયદો મળે છે. જ્યારે દલિતને ગરીબી સિવાય કશું જ મળતું નથી.''

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપ કુલપતિ એ. યુ. પટેલ બીબીસીને જણાવે છે, ''અનામતને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન થાય છે એ વાત જ ખોટી છે.”

''કારણ કે તમામ વર્ગના લોકોના અલગઅલગ ક્વૉટા છે અને એ પ્રમાણે તેમની બેઠકો છે.”

“વળી, સામાન્ય વર્ગના વિદ્યોર્થીઓને 'મુખ્યમંત્રી સહાય યોજના' અંતર્ગત સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 50% ફી માફી પણ મળે છે. 'એટલે અનાતમને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે એ વાત જ ખોટી છે.''

પટેલ એવું પણ પૂછે છે, ''દલિત, આદિવાસી કે અન્ય પછાત વર્ગોનું સમાજના મુખ્ય પ્રવાહમાં આમ પણ પ્રતિનિધિત્વ ઓછું છે. ત્યારે જો અનામત પણ હટાવી લેવાય તો તેમનું પ્રતિનિધિત્વ જ ખતમ થઈ જશે.”

“સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓમાંથી 70થી 75% વિદ્યાર્થીઓને જે સવલતો મળે છે શું એ સુવિધાઓ દલિત કે અન્ય વર્ગોને મળે છે?''


શું અનામત માત્ર દસ વર્ષ માટે જ હતી?

Image copyright Getty Images

આ મામલે મોટી ગેરમાન્યતા પ્રવર્તે છે. ડૉ બાબાસાહેબ આંબેડકરે જે દસ વર્ષ માટે અનામતની વાત કરી હતી એ રાજકીય પ્રતિનિધિત્વની વાત હતી.

એટલે કે રાજ્યસભા અને લોકસભામાં દલિતોના પ્રતિનિધિત્વ અંગે. એમાં પણ દસ વર્ષ બાદ રાજકીય સમીક્ષા કરવાની વાત હતી.

એ જ કારણ છે કે દર દસ વર્ષે રાજકીય અનામતની મર્યાદા વધારવામાં આવે છે. જ્યારે શિક્ષણ અને નોકરીમાં પછાત વર્ગને મળનારી અનામતની કોઈ જ મર્યાદા નક્કી કરવામાં આવી નહોતી.


આરક્ષણનો આધાર

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આરક્ષણની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ