અમિત શાહ, મોદી ઇચ્છે છે પરંતુ મોહન ભાગવત કેમ નથી ઇચ્છતા કોંગ્રેસ મુક્ત ભારત?

  • રાજેશ જોશી
  • રેડિયો એડિટર, બીબીસી હિન્દી
મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના વડા અમિત શાહ માટે આનાથી વધારે અપમાનની વાત કઈ હોઈ શકે કે તેમણે રાતદિવસ મહેનત કરીને જે કોંગ્રેસને લગભગ એક ખૂણામાં ધકેલી દીધી છે તેને પ્રાણવાયુ આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત તૈયાર છે?

નરેન્દ્ર મોદી અને અમિત શાહે મતદારોના મોટા વર્ગને સમજાવ્યું હતું કે દેશને કોંગ્રેસમુક્ત કરવો જરૂરી છે, કારણ કે કોંગ્રેસે ગત 60 વર્ષમાં કશું કર્યું નથી અને ગાંધી પરિવાર તથા કોંગ્રેસ જ દેશની દરેક સમસ્યાનું મૂળ છે.

જોકે, પૂણેમાં એક સરકારી અધિકારીના પુસ્તકોનું વિમોચન કરતાં મોહન ભાગવતે કોંગ્રેસમુક્ત ભારતના નારાને જાહેર મંચ પરથી ફગાવ્યો હતો.

મોહન ભાગવતે કહ્યું હતું, "આ એક રાજકીય નારો છે. આરએસએસ આવી ભાષા બોલતો નથી. 'મુક્ત' જેવા શબ્દોનો ઉપયોગ રાજકારણમાં કરવામાં આવે છે. અમે કોઈને અલગ પાડવાનું વિચારતા નથી."

સરસંઘચાલકે તેમના સૌથી વધુ લાયક સ્વયંસેવકના કોંગ્રેસવિરોધી અભિયાનનો જાહેર મંચ પર અસ્વીકાર કર્યો છે.

તેના સૂચિતાર્થો ગંભીર છે, પણ નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતનું હનીમૂન હવે ખતમ થઈ રહ્યું છે એવો અર્થ હરગીઝ નથી.

મોહન ભાગવતના આ નિવેદન સંબંધે એવું વિચારવાની ભૂલ પણ ન કરવી જોઈએ કે આરએસએસ અને નરેન્દ્ર મોદી વચ્ચે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચાલી રહેલી જુગલબંધીમાં ખોટા સૂર લાગવાનું શરૂ થયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

સુમધુર સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસના સમૂહ નૃત્યમાં ગત પાંચ વર્ષમાં એક પણ સ્ટેપ ખોટું પડ્યું નથી.

મોહન ભાગવતે જરૂર પડી ત્યારે નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો, વખાણ્યા હતા અને પ્રવીણ તોગડિયા જેવાને ચૂપ પણ કરાવ્યા હતા.

એ રીતે નરેન્દ્ર મોદીએ પણ આરએસએસને દરેક પ્રકારનો સરકારી ટેકો આપ્યો છે.

આરએસએસના સ્વયંસેવકોને મહત્ત્વપૂર્ણ સરકારી પદો પર બેસાડ્યા છે, સંઘના અધિકારીઓને દૂરદર્શન પર પ્રચાર-પ્રસારની છૂટ આપી છે અને સંઘના વિચારોનો તેમણે પોતે પણ પ્રસાર કર્યો છે.

નરેન્દ્ર મોદીની વધતી વ્યક્તિગત લોકપ્રિયતાને નજરઅંદાજ કરવાનું બહુ મોટી રાજકીય ભૂલ સાબિત થશે, એવું આરએસએસને 2014ની ચૂંટણી પહેલાં જ સમજાઈ ગયું હતું.

તેથી રાજકીય લક્ષ્યાંકને સૌથી ઉપર રાખવાની પોતાની પરંપરાને જાળવી રાખીને આરએસએસએ લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી જેવા જૂના નેતાઓને દૂર કરવાનું સ્વીકાર્યું હતું.

દસ વર્ષનો વનવાસ

ઇમેજ સ્રોત, Getty Images

અટલબિહારી વાજપેયી સત્તા પરથી હટ્યા પછી યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સના શાસન વખતે દસ વર્ષ સુધી આરએસએસ રાજકીય વનવાસમાં રહ્યો હતો.

વનવાસના નુકસાનનો ખ્યાલ તેને આવી ગયો હતો.

ગુજરાતમાં 2002માં હિન્દુત્વના વિચાર તથા રાજકારણને સારી રીતે સ્થાપિત કરી ચૂકેલા નરેન્દ્ર મોદીનો બહેતર વિકલ્પ આરએસએસ પાસે ન હતો.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સ્થાનિક નેતાઓને બાજુ પર ધકેલી દીધા હતા.

જોકે, નરેન્દ્ર મોદી એ જાણતા હતા કે સમગ્ર હિન્દુસ્તાનને નેતા બનવા માટે તેમને આરએસએસના સ્વયંસેવકોને ડગલેને પગલે જરૂર પડશે.

સંસદીય ચૂંટણી પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે સંઘના વિચારો સાથે અસહમત, ઓપન માર્કેટના હિમાયતી પત્રકારો-વિશ્લેષકો સહિતના હિન્દુસ્તાનના નવા 'કોર્પોરેટ-કેન્દ્રી રાજકારણ'ના પક્ષધરો એવું વિચારીને મુજરા કરવા લાગ્યા હતા કે 'નરેન્દ્ર મોદી પોતાનું ધાર્યું કરે છે અને તેઓ સંઘને તેનું સ્થાન દેખાડી દેશે.'

અલબત, નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે એ બધાને અત્યાર સુધી ખોટા સાબિત કર્યા છે.

નરેન્દ્ર મોદી સામે વાંધો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લાલકૃષ્ણ અડવાણી અને મોહન ભાગવત

હવે ચાર-પાંચ વર્ષમાં એવું તે શું થયું કે મોહન ભાગવત નરેન્દ્ર મોદીના કોંગ્રેસમુક્ત ભારતના નારા સામે ખુલ્લેઆમ વિરોધ કરે છે?

રાજકારણ સાથેના આરએસએસના સંબંધને અને રાજકારણ વિશેના આરએસએસના નેતાઓના વિચારોને સમજવા માટે થોડું પાછળ જવું પડશે.

આરએસએસના બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ઉર્ફે ગુરુજી રાજકારણને દ્વિતિય કક્ષાનું કર્મ ગણતા હતા. તેમણે રાજકારણમાં ક્યારેય રસ લીધો ન હતો.

જનસંઘની સ્થાપના વખતે આરએસએસમાંથી રાજકારણમાં ગયેલા સ્વયંસેવકોને તેમણે કહ્યું હતું કે તમે ભલે ગમે તેટલી ઉંચાઈ પર પહોંચો, પણ આખરે તો તમારે ધરતી પર આવવાનું છે.

ગુરુજી આરએસએસને હંમેશા રાજકારણથી ઉપર ગણતા હતા.

આજે મોહન ભાગવત પણ આરએસએસના એક શક્તિશાળી સ્વયંસેવકને સાંકેતિક રીતે એ સમજાવી રહ્યા છે કે રાજકારણમાં તમે ભલે સર્વોચ્ચ હોદ્દે પહોંચ્યા હો, પણ સંગઠનનું સ્થાન તેથી ઊંચું છે.

સંગઠનને લીધે જ તમે રાજકારણમાં આગળ વધ્યા છો. તમે રાજકારણમાં ટોચે પહોંચ્યા છો તેથી સંગઠન એટલે કે આરએસએસ ઉંચાઈ હાંસલ કરી શકતો નથી.

દેશનો સ્વયંભૂ કસ્ટોડિયન

ઇમેજ સ્રોત, Getty Images

આરએસએસ ખુદને ભારતનો સ્વયંભૂ કસ્ટોડિયન ગણે છે અને તેના સ્વયંસેવકો માને છે કે આ રાષ્ટ્રને વિધર્મીઓ, વિદેશીઓ અને આંતરિક દુશ્મનોથી બચાવવાની મુખ્ય જવાબદારી આરએસએસની જ છે.

આ કારણસર જ મોહન ભાગવત કહે છે કે દુશ્મનો સામે યુદ્ધ માટે સૈન્યને તૈયાર કરવામાં લગભગ છ મહિના લાગશે, પણ આરએસએસના સ્વયંસેવકો તો ત્રણ દિવસમાં જ તૈયાર થઈ જશે.

મોહન ભાગવતની આ પરોક્ષ ઝાટકણીનું એક અન્ય કારણ પણ છે.

રોજગારના સર્જનમાં સરકારની નિષ્ફળતા, નોટબંધી તથા જીએસટીને કારણે નાના-મોટા ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનોમાં અસંતોષ, બૅન્ક કૌભાંડો, ખેડૂતોની વધતી હતાશા અને દલિતોમાં વિવિધ કારણોસર વધતા ગુસ્સાને લીધે નરેન્દ્ર મોદીની હેસિયત પર અસર થઈ છે.

મીડિયામાં પણ એવા સમાચાર આવવા લાગ્યા છે કે બીજેપી પ્રત્યે વધતા અસંતોષે આરએસએસની ચિંતા વધારી દીધી છે.

ચૂંટણીના પરિણામ પર થશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મોહન ભાગવત અને અમિત શાહ

આ પરિસ્થિતિની અસર રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીની પરિણામ પર પડશે અને બીજેપી હારશે તો નરેન્દ્ર મોદી 2014માં જે ઉંચાઈ પર હતા એ ઉંચાઈ જાળવી નહીં શકે.

2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું સક્રીય થવું એ પણ આરએસએસ માટે ચિંતાની વાત છે.

નરેન્દ્ર મોદી આજે ભલે લોકપ્રિયતાના શિખર પર હોય, પણ એ સ્થાને તેઓ ભવિષ્યમાં રહેશે જ એવું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.

આરએસએસની કાર્યશૈલી પર નજર રાખતા લોકો જાણે છે કે આરએસએસએ બલરાજ મધોક જેવા પ્રખર તથા મજબૂત હિંદુત્વવાદી નેતાને દૂધમાંથી માખીની માફક ફેંકી દીધા હતા.

ઉગ્ર હિંદુત્વનું પ્રતિક બની ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને પણ મહમ્મદ અલી ઝીણાને વખાણવા બદલ બાજુ પર હડસેલી દીધા હતા.

તેથી આરએસએસ કોઈ પણ નેતાને ત્યાં સુધી જ ટેકો આપશે જ્યાં સુધી તેઓ લોકપ્રિયતાના શિખર પર રહેવાની સાથે-સાથે આરએસએસના એજન્ડાને આગળ વધારતા રહે.

જોકે, નરેન્દ્ર મોદીના કિસ્સામાં એ પરિસ્થિતિ હજુ સર્જાઈ નથી.

વીડિયો કૅપ્શન,

#BBCShe: 'હું શરમ અને સંકોચ અનુભવી રહી હતી'

અત્યારે તો મોહન ભાગવતે એટલું જ કહ્યું છે કે રાજકીય પક્ષો પોતપોતાની ગણતરી અનુસાર નારા બનાવતા રહે છે. આરએસએસ એ નારા સાથે સહમત હોય એ જરૂરી નથી.

આ વાત એવો સંકેત આપે છે કે કોંગ્રેસ સાથે સત્તાનો ખેલ ખેલી રહેલા નરેન્દ્ર મોદી કોંગ્રેસને જે નજરે જુએ છે એ નજરે આરએસએસ કોંગ્રેસને જોતો નથી.

પોતાના રાજકારણનો રસ્તો કંટકવિહોણો કરવા ભારતને કોંગ્રેસમુક્ત કરવું નરેન્દ્ર મોદી માટે જરૂરી છે, પણ સંપૂર્ણ ભારતીય રાજકારણને ભગવા રંગે રંગવું અને હિન્દુત્વને દરેક રાજકીય પક્ષ માટે મજબૂરી બનાવવાનું આરએસએસ માટે વધારે જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો