ભારતબંધ: ‘ઘણા બંધ જોયા ભાઈ, પણ ખબર નહોતી બધું લૂંટાઈ જશે’

  • ફૈસલ મોહમ્મદ અલી
  • બીબીસી સંવાદદાતા, ગ્વાલિયરથી
રાકેશના પત્ની તેમનાં બાળકો સાથે
ઇમેજ કૅપ્શન,

રાકેશના પત્ની રામવતી તેમનાં બાળકો સાથે

રોજની જેમ રાકેશ ટમોટીયા તે દિવસે રોટલી અને તળેલાં મરચાંનું ટિફિન લઈને મજૂરી શોધવા નીકળ્યા હતા. પરંતુ પાછા ફર્યા નહીં.

ગ્વાલિયર શહેરના દ્વારકાધીશ મંદિરની નજીક શહેરના મજૂરો દરરોજ સવારે કામ મેળવવા માટે ભેગા થાય છે. રાકેશ તે દિવસે ત્યાં વધુ સમય ઊભા રહ્યા કે કદાચ કોઈ કામ મળી જાય.

એ જ સમયે એક ગોળી તેમના તરફ આવી અને છાતી વીંધીને તેમની પીઠમાંથી બહાર નીકળી ગઈ.

"તેઓ ત્યાં જ તડપતા રહ્યા. પોલીસવાળા તેમને હૉસ્પિટલ પણ ન લઈ ગયા. એવું પણ નહીં કે તેમની ગાડીથી મોકલી દે. આખરે તેમણે દમ તોડ્યો."

રાકેશના મોટા ભાઈ લાખન સિંઘ ટમોટિયા ત્યાં હાજર ન હતા. પરંતુ બીજાની કહેલી વાત કહી રહ્યા છે.

દવાના હૉલસેલ વેપારીને ત્યાં પેકિંગનું કામ કરતા લાખનને આવા સમાચાર છતાં બને એટલી જલદી પાછા આવવાની છૂટ સાથે નોકરીએથી નીકળવા મળ્યું હતું.

દલિત સંગઠનો દ્વારા બીજી એપ્રિલે અપાયેલા બંધમાં શું લાખન અને તેમનો પરિવાર સામેલ હતો? જેના જવાબમાં તેમણે કહ્યું, "ના, હું કામ પર હતો અને મારો ભાઈ પણ દરરોજની જેમ કામની શોધમાં ગયો હતો."

'બંધ વખતે જવાની ના પાડી હતી'

ઇમેજ કૅપ્શન,

રાકેશની તસવીર દેખાડતો તેમનો દીકરો

પીળા રંગની સાડીમાં રાકેશની પત્નીનો ચહેરો ઘૂંઘટને કારણે સ્પષ્ટ ન દેખાયો. કદાચ એ આંસુઓને છૂપાવી રહ્યાં હતાં.

સતત રડવાને કારણે અવાજ પણ બેસી ગયો હતો. તેઓ કહે છે "એ રોજ તળેલાં મરચાં એક થેલીમાં વીંટી ખિસ્સામાં નાખીને લઈ જતા હતા."

"બંધના દિવસે પણ એ જ કર્યું. સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યા, પણ પાછા ન આવ્યા."

તમને આ પણ વાંચવું ગમશે

બેસેલા અવાજમાં પણ તેમનું દર્દ અનુભવાતું હતું.

રાકેશના માતા રાજાબેટી બાજુમાં જ બેઠેલાં હતાં. તેઓ કહે છે "ના પાડી હતી કે બંધ છે, ના જા કામ પર. તો તેણે કહ્યું કે શોર્ટ ગેટથી નીકળી જાઈશ."

પોતાના ત્રણ બાળકો સાથે બેઠેલી રામવતી કહે છે "ઘણા બંધ જોયા ભાઈ, અમને એમ હતું કે આ પણ પૂરો થઈ જશે. ખબર નહોતી કે અમારું બધું લૂંટાઈ જશે. અમારે તો આનાથી કોઈ લેવાદેવા પણ નહોતું."

'અંતિમ સંસ્કાર માટે દબાણ કરાયું'

ઇમેજ કૅપ્શન,

હિંસા બાદ ગ્વાલિયરના રસ્તા સૂમસાસ થઈ ગયા છે

તો શું તેઓ જાણતા નથી કે દલિતોએ બંધનું એલાન શા માટે કર્યું હતું? "અમને શું ખબર કે કારણ શું હતું!"

બીજી એપ્રિલે જ મોડી રાતે રાકેશની અંતિમવિધિ પોલીસ અને વહીવટીતંત્રની દેખરેખમાં કરવામાં આવી હતી.

જોકે લાખનસિંહ કહે છે કે અંતિમવિધિ ઝડપથી કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.

"તેઓ એમ કહેતા હતા કે હિંસા વધુ ભડકી શકે છે."

પરંતુ માતા થોડી આ બધી વસ્તુઓ જાણે!

રાજબેટી કહે છે "મળી પણ ન શક્યા, પોલીસવાળાઓએ જવા જ ન દીધા......"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો