મહારાષ્ટ્રની ‘ચારણકન્યા’ બકરીને બચાવવા વાઘ સામે લડી, પછી લીધી સેલ્ફી

રૂપાલીની સેલ્ફી

વાઘના પંજાથી ગંભીર રીતે ઘાયલ થનાર અને લોહીથી લથપથ બહાદુર યુવતીએ ઘરની અંદર આવીને શું કર્યું?

તેણે પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો અને પોતાની તથા ઘાયલ માતાની તસવીરો લીધી.

કારણ કે વાઘ હજી બહાર હતો અને સુરક્ષિત રહી શકાય તેવી કોઈ ગેરંટી ન હતી. વાસ્તવમાં તેઓ પોતાની હાલત કેમેરામાં કેદ કરી લેવા માગતા હતા.

21 વર્ષની કૉમર્સ ગ્રેજ્યુએટ રૂપાલી મેશ્રામ એક દુબળી-પાતળી ગ્રામીણ યુવતી છે.

સાધારણ પરિવારની આ યુવતીના માથામાં, બંને હાથ-પગ પર અને કમરના ભાગે ઊંડા ઘાના નિશાન છે.

તેણે નાગપુર સરકારી મેડિકલ કોલેજમાં સારવાર લીધી છે. પરંતુ ખરેખર કહાણી એ છે કે વાઘ સામે લડીને તેણે પોતાનો અને તેમના માતાનો જીવ કેવી રીતે બચાવ્યો?

લાકડી વડે વાઘને ભગાડ્યો

પૂર્વ વિદર્ભમાં ભંડારા જિલ્લાના નાગઝિરા વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પાસે આવેલા આ ગામમાં રૂપાલીનું નાનું ઘર છે.

તેમના માતા જીજાબાઈ અને તેનો મોટોભાઈ વનવિભાગ માટે મજૂરીનું કામ કરે છે.

સિવાય પરિવારે બકરીઓ પાળી છે જેથી થોડા રૂપિયાની બચત થઈ શકે.

તમને આ પણ વાંચવું ગમશે

જેથી 24 માર્ચે જ્યારે બકરીઓનો અચાનક અવાજ આવ્યો તો ઊંઘમાંથી ઊઠીને રૂપાલીએ ઘરનો દરવાજો ખોલ્યો.

આંગણામાં બાંધેલી બકરી લોહીથી લથપથ હતી અને તેની પાસે ઝાંખા અજવાળામાં દેખાતો વાઘનો પડછાયો હતો.

તેણે વાઘને ભગાડવા માટે લાકડી લઈને સીધો વાઘ પર પ્રહાર કર્યો. તે કહે છે કે લાકડી વડે મારતા જ વાઘે તેના પર હુમલો કરી દીધો.

તેણે કહ્યું, "તેના પંજાના મારથી માથામાંથી લોહી વહેવા લાગ્યું. તેમ છતાં હું વાઘને ભગાડવા માટે લાકડી વડે પ્રહાર કરતી રહી. મેં બૂમો પાડીને મારા માતાને વાઘ અંગે જણાવ્યું."

રૂપાલીના માતા જીજાબાઈએ કહ્યું, "જ્યારે હું રૂપાલીની બૂમો સાંભળીને બહાર આવી, જોયું તો તેનાં કપડાં લોહીથી લથપથ હતાં. મને લાગ્યું કે તે હવે મરી જશે. તેની સામે વાઘ હતો."

"મે પણ લાકડી ઉઠાવી અને વાઘને મારવા લાગી. વાઘે મારી જમણી આંખ પર પંજાથી વાર કર્યો. અંતે હું રૂપાલીને જેમ-તેમ કરીને ઘરમાં લઈ જવામાં સફળ થઈ."

"અમે ઘરનો દરવાજો બંધ કરી દીધો. અમારી વસાહત નાની છે અને ઘર બહુ દૂર છે એટલે લોકોને અમારી બૂમો સંભાળાઈ નહીં હોય."

બસ ત્યારે જ રૂપાલીએ કંઈક એવું કર્યું કે એ કામની કલ્પના આવા સમયે થઈ જ ના શકે.

લાગ્યું કે હમણા જમીન પર પડી જઈશ

રૂપાલી કહે છે, "વાઘ ત્યારે પણ બહાર હતો. અમારા બચવાની કોઈ ગેરંટી ન હતી. મારા માથામાંથી અને કમરમાંથી લોહી વહી રહ્યું હતું. કપડાં લોહીથી રંગાઈ ગયાં હતાં."

"એટલે હું આ દુર્ઘટનાને રેકોર્ડ કરવા માગતી હતી. જેથી મે સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું. માએ લોકોને ફોન કરવાની સલાહ આપી. મે કેટલાક લોકોને ફોન કર્યા."

"તેમાં વનખાતાના કર્મચારીઓ પણ હતા જે અડધા કલાક પછી પહોંચ્યા. પરંતુ ત્યાં સુધી વાઘ જતો રહ્યો હતો."

ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રૂપાલીને મંગળવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી.

વાઘ સામે લડતી વખતે મગજમાં શું ચાલતું હતું?

પરંતુ એક મોટા સવાલનો જવાબ હજી પણ બાકી છે. માત્ર એક લાકડી લઈને જ્યારે તે વાઘના સામે લડી રહી હતી, ત્યારે રૂપાલીના મગજમાં શું ચાલી રહ્યું હતું?

રૂપાલીની આંખોમાં ફરી કઠોર ભાવ જાગે છે. તે કહે છે, "થોડીવાર પછી મને ખયાલ આવ્યો કે હું નહીં બચી શકું. પરંતુ મેં ખુદને જ ચેતવણી આપી કે મારે હારવાનું નથી."

શું ઘરે પરત ફરવામાં ડર લાગે છે?

તેનો જવાબ છે, "ચિંતા હોઈ શકે છે પરંતુ ડર બિલકુલ નથી. હું જિંદગીમાં કોઈ વાઘથી ડરીશ નહીં."

તેનું કહેવું છે કે તે કોઈ બૅન્કમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહી છે. પરંતુ તેના માટે કોચિંગ જરૂરી છે અને મારી પાસે રૂપિયા નથી. તો જે સારું કામ મળી જશે તે જ કરી લઈશ.

હવે આર્થિક સમસ્યાનો ભરડો

પરંતુ સમસ્યા અહીં ખતમ થતી નથી. છેલ્લા દસ દિવસોમાં તેમના માતા અને ભાઈ બંને કામ પર જઈ શક્યા નથી.

રૂપાલી કહે છે કે આ વિસ્તારના પૂર્વ સાંસદ શિશુપાલે તેમને ફોન કરીને મદદનું આશ્વાસન આપ્યું છે.

અમે શિશુપાલને ફોન પર પૂછ્યું કે મેશ્રામ પરિવારને વન વિભાગમાંથી સહાયતા આપવા માટે રાજ્યના વનમંત્રી સાથે સંપર્કમાં હોવાની વાત કહી હતી.

તેમણે કહ્યું કે આ બહાદુર યુવતીને વન વિભાગમાં સ્થાયી નોકરી મળે તો તમને ખુશી થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો