દલિત મામલે ભાજપ પર તેના જ સંસદ સભ્ય કેમ ભારે પડી રહ્યાં છે?

સાવિત્રીબાઈ ફુલે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BBC, PTI

ઇમેજ કૅપ્શન,

સાવિત્રીબાઈ ફુલે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દલિતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટ(બીજેપી)માં બળવાખોર વલણ અપનાવી ચૂકેલાં સંસદસભ્ય સાવિત્રીબાઈ ફુલે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.

લખનોમાં પહેલી એપ્રિલે યોજાયેલી 'ભારતીય સંવિધાન બચાઓ રેલી'માં સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું હતું, "ક્યારેક એવું કહેવામાં આવે છે કે બંધારણ બદલવા આવ્યા છીએ. ક્યારેક એવું કહેવામાં આવે છે કે અનામતને ખતમ કરીશું. બાબાસાહેબનું બંધારણ સલામત નથી."

બીબીસી હિંદી રેડિયોના સંપાદક રાજેશ જોશી અને સંવાદદાતા ઈકબાલ અહમદે દિલ્હીમાં સાવિત્રીબાઈ ફુલે સાથે ફેસબૂક લાઈવમાં વાત કરી હતી.

એ વાતચીત દરમ્યાન સાવિત્રીબાઈ ફુલેએ બીજેપી સાથેના તેમના મતભેદ અને બહુજન સમાજ પાર્ટી(બીએસપી)માં જોડાવા સંબંધી સવાલોના જવાબ આપ્યા હતા.

બંધારણ પર કોના તરફથી જોખમ છે, એવા સવાલના જવાબમાં સમગ્ર વાતચીત દરમ્યાન સાવિત્રીબાઈ ફુલેએ કોઈનું નામ લીધું ન હતું, પણ એટલું કહ્યું હતું કે એ લોકો કોણ છે તે તમે બધા જાણો છો.

જોકે, આવું કહેતી વખતે સાવિત્રીબાઈ ફુલેએ બંધારણ બદલવા સંબંધે મોદી સરકારના પ્રધાનોએ તાજેતરમાં આપેલાં નિવેદનોનો ઉલ્લેખ જરૂર કર્યો હતો.

સાવિત્રીબાઈ ફુલેએ શું-શું કહ્યું?

અખબારો, ટીવી ચેનલો અને રેડિયોના માધ્યમથી તમને ખબર પડી હશે કે ક્યારેક બંધારણ બદલવાની વાતો થાય છે, ક્યારેક બંધારણની સમીક્ષાની અને ક્યારે અનામતનો અંત લાવવાની વાતો થાય છે.

ભારતીય બંધારણ કે અનામત ખતમ થશે તો બહુજનોનો અધિકાર ખતમ થઈ જશે.

બહુજન સમાજના લોકો આજે આઈએએસ, પોલીસ, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બનવાનાં સપનાં નિહાળી રહ્યા છે તો તેનું કારણ બાબાસાહેબે બનાવેલું બંધારણ છે.

હું એમ કહું છું કે દુનિયામાં ભારતનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે અને તેનો સંપૂર્ણપણે અમલ થવો જોઈએ.

આજ સુધીમાં અનેક સરકારો આવી અને ગઈ, પણ ભારતીય બંધારણનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવ્યો નથી.

તેને કારણે પછાત વર્ગોના અનેક લોકો ઝુંપડાઓમાં રહેવા અને માથે મેલું ઉપાડવા મજબૂર છે.

રાજકારણમાં કેવી રીતે આવ્યાં?

ઇમેજ કૅપ્શન,

સાવિત્રીબાઈ ફુલે સાથે વાત કરી રહેલા રાજેશ જોશી અને ઈકબાલ અહમદ

હું બહુ નાની હતી અને મારા પરિવારના લોકો બામસેફ સાથે જોડાયેલા હતા.

અમારા ગુરુ અછેવરનાથ કનોજિયા સાથે અમારી વાત થઈ હતી. એ વખતે માયાવતી મુખ્ય પ્રધાન હતાં.

બહરાઈચમાં યોજાયેલી રેલીમાં અમારા પરિવારના લોકો ગયા હતા. એ રેલીમાં ગુરુજીએ મારી પાસે ભાષણ કરાવ્યું હતું.

એ દિવસે મારા પિતા ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે માયાવતી મુખ્ય પ્રધાન બની શકે તો મારી દીકરી પણ બની શકે.

પિતાજીએ કહ્યું હતું કે હું મારી દીકરીને માયાવતીની માફક આગળ વધારવા ઇચ્છું છું.

પિતાજીએ એ દિવસથી મને ગુરુજીને દત્તક આપી દીધી હતી. ગુરુજીએ મને ભણાવી હતી અને રાજકારણમાં લાવ્યા હતા.

હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને સ્કોલરશિપ મળવાની હતી.

મેં ટીચરને કહ્યું હતું કે અનુસુચિત જાતિનાં બાળકોને શિક્ષણ માટે સરકાર તરફથી જે સ્કોલરશિપ મળે છે તે મને પણ મળવી જોઈએ.

એ સમયે ટીચરે મને સ્કૂલમાંથી કાઢી મૂકી હતી. મેં ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી. એ પછી મારા ગુરુજીએ મારી મુલાકાત માયાવતી સાથે કરાવી હતી.

માયાવતીએ જિલ્લા અધિકારીને આદેશ આપ્યો એટલે મારું એડમિશન શક્ય બન્યું હતું. મારા રાજકારણની શરૂઆત ત્યાંથી થઈ હતી.

માયાવતીને છોડીને બીજેપીમાં જોડાવાનું કારણ?

મારે બીજેપીમાં જોડાવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

2000માં માયાવતીએ મને પક્ષમાંથી કાઢી મૂકી હતી. તેથી હું બીજેપીમાં જોડાઈ હતી.

બીજેપીની ટિકીટ પર હું ત્રણ વખત ચૂંટણી લડી હતી. 2012માં હું વિધાનસભ્ય બની હતી અને 2014માં સંસદસભ્ય બની હતી.

હું તકવાદી રાજકારણી નથી. મને બાબાસાહેબને કારણે ટિકીટ મળી હતી.

બહરાઈચની બેઠક બંધારણ અનુસાર અનામત ન હોત તો હું સંસદસભ્ય બની શકી ન હોત. કોઈએ (બીજેપી) મને ટિકીટ આપી હોત એવું હું વિચારી શકતી નથી.

બીજેપી સાથે ક્યા મુદ્દે છે મતભેદ?

મેં વિરોધ કર્યો ન હોત. હું સંસદસભ્ય તરીકે ચૂંટાઈ છું તો લોકસભામાં બંધારણના અમલની માગણી કરું એ મારી જવાબદારી છે.

હું માગણી કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય બંધારણને સંપૂર્ણપણે અમલી બનાવીને બહુજનોની પ્રગતિનું કામ કરે.

ભારતીય બંધારણ અને અનામતને સંપૂર્ણપણે અમલી બનાવવા માટે મારે જે કોઈ કુરબાની આપવી પડે એ આપવા હું તૈયાર છું.

અત્યારે જે કાયદાની વાત ચાલી રહે છે એ કાયદો બન્યો તે પહેલાં ભારતમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને આદિવાસી મહિલાઓ સાથે ગામ ફૂંકી મારવામાં આવતાં હતાં. સામુહિક બળાત્કાર અને શોષણ કરવામાં આવતું હતું.

એ પછી એવો કાયદો બન્યો હતો કે અનુસૂચિત જાતિ કે જનજાતિનું કોઈ શોષણ કરશે તો કાયદા અનુસાર આકરી સજા કરવામાં આવશે. લોકો એ કાયદાથી ડરતા હતા.

બીજી એપ્રિલના 'ભારત બંધ' દરમ્યાન જે લોહિયાળ ક્રાંતિ થઈ, એ માટે કાયદા સાથે છેડછાડ કરનારો જે શખ્સ સુપ્રીમ કોર્ટમાં ગયો છે તેને આકરી સજા થવી જોઈએ.

ચાર વર્ષ શા માટે ચૂપ રહ્યાં?

ઇમેજ સ્રોત, AFP

હું ચૂપ નથી રહી. ભારતમાં પછાત, અનુસૂચિત જાતિ, જનજાતિ અને આદિવાસી મહિલાઓ સાથે જે થઈ રહ્યું છે. ઘાસલેટ છાંટીને ફૂંકી મારવામાં આવે છે.

દેશમાં બંધારણના નિર્માતાની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે. મારો સવાલ છે કે બાબાસાહેબની પ્રતિમાઓ તોડનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી?

2014માં લોકસભામાં મેં દલિતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહિલાઓ અને પછાતો માટે હું સતત અવાજ ઉઠાવતી રહી છું.

હું ભારત સરકાર સમક્ષ માગણી કરું છું કે બહુજનો પર અત્યાચાર કરનારા લોકો સામે આકરાં પગલાં લેવામાં આવે.

(આ વાતચીત દરમ્યાન રાજેશ જોશીએ સાવિત્રીબાઈ ફુલેને સવાલ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર બન્નેમાં તમારી સરકાર છે. તમારી સરકાર પગલાં કેમ નથી લેતી? અનેક વખત પૂછવામાં આવ્યા છતાં તેમણે આ સવાલનો જવાબ આપ્યો ન હતો.)

બીએસપીમાં જોડાશો?

યોગ્ય સમય આવશે ત્યારે વિચારીશું.

અત્યારે તો હું અધિકારની, ન્યાયની લડાઈ લડી રહી છું અને બંધારણના અમલ માટે સડકથી માંડીને સંસદ સુધી અવાજ ઉઠાવી રહી છું.

આ કામ માટે ગલી-ગલીમાં ભટકવું પડશે તો પણ હું જઈશ.

મારી પાસે બંધારણીય અધિકાર છે. હું આવું ન કરું એવું કોઈ કહે તો એ મારો અધિકાર છીનવવા જેવું ગણાશે. મારે શહીદ થવું પડે તો પણ હું આ લડાઈ લડતી રહીશ.

ભારત દેશ સાથે છેડછાડનો પ્રયાસ કરશે તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે. હું ભારત દેશ સાથે સહમત છું.

સમાજવાદી પાર્ટી-બીએસપીના ગઠબંધન વિશે શું માનો છો?

ઇમેજ સ્રોત, AFP/SP

ઇમેજ કૅપ્શન,

બીએસપીનાં સર્વેસર્વા માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ

ગઠબંધન તો થતાં રહે છે અને તૂટતાં રહે છે. ગઠબંધનનો આધાર વિચારધારા હોય છે. પક્ષના લોકો જ એ નક્કી કરે છે.

દેશમાં 85 ટકા લોકો બહુજન સમાજના છે. હું જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગણી કરું છું. ભારત સરકારે એ કરાવવી જોઈએ.

તેના આધારે ખબર પડશે કે કઈ જ્ઞાતિમાં કેટલા લોકો અમીર છે અને કેટલા ગરીબ છે.

(સાવિત્રીબાઈ ફુલેએ આ વાતચીતના અંતે કાંશીરામ તથા માયાવતીના 'જિસકી જિતની સંખ્યા ભારી, ઉસકી ઉતની ભાગીદારી' નારાનો ઉલ્લેખ કર્યો હતો અને બળવાખોર વલણનાં કારણ તેમજ ભાવિ સંભાવનાનો સંકેત કર્યો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો