ફેક ન્યૂઝ અંગેનો નિર્ણય સરકારને કેમ પરત લેવો પડ્યો?

સ્મૃતિ ઇરાનીની એક તસવીર Image copyright Getty Images

ફેક ન્યૂઝને રોકવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે બીજી એપ્રિલે આદેશ આપ્યો. પણ, આ આદેશનું અસ્તિત્વ અમુક કલાકો પૂરતું જ રહ્યું.

પત્રકારો દ્વારા ભારે વિરોધના સંકેત મળતા જ વડા પ્રધાને આ આદેશ પરત લેવા મંત્રાલયને 'ઑર્ડર' કર્યો.

રાજ્ય સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોને 'કવર' કરવાના મારા લગભગ ત્રણ દાયકાના અનુભવના આધારે કહી શકું કે મીડિયા જેવા સંવેદનશીલ મામલાઓમાં પહેલાંથી જ ચાલી રહેલી કોઈ સરકારી પ્રક્રિયામાં મૌલિક ફેરફાર કરવાનો આવો આદેશ સામાન્ય રીતે કોઈ મંત્રાલય માત્ર પોતાની મુનસફીથી કરી શકે નહીં.

કોઈ પણ વ્યક્તિ અંદાજ લગાવી શકે કે આજના સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) અને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) આપણી કેબિનેટ સિસ્ટમના અસ્તિત્વ છતાં સરકારી કાર્યના સર્વશક્તિમાન કેન્દ્રો બનીને ઊભર્યાં છે.

શું આવો આદેશ માત્ર કોઈ એક મંત્રી કે સચિવની ઇચ્છાથી લાગુ થયો હશે?

મારું માનવું છે કે આ આદેશ ઉચ્ચસ્તરની વાતચીત કે સહમતિ વગર જાહેર નહીં જ કરાયો હોય. તો પછી પરત કેમ લેવાયો? શા માટે લેવાયો?


શું સરકાર પત્રકારોને માપી રહી હતી?

Image copyright Getty Images

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં મંગળવારે પત્રકારોની એક મોટી સભા યોજાઈ. જેમાં કેટલાય વરિષ્ઠ સંપાદકો અને પત્રકારો મળ્યા.

તેમના મતે પત્રકારોની સરકારી માન્યતા સસ્પેન્ડ કરવા અને કાયમી રીતે ખતમ કરવાની જોગવાઈ ધરાવતો વિવાદાસ્પદ આદેશ પત્રકારો દ્વારા ભારે વિરોધના સંકેત બાદ પરત લેવાયો છે.

આ એક સરકારી કસોટી હતી એવું કેટલાય લોકોનું માનવું હતું. હું ખુદ પણ એ જ મતનો છું.

આપને આ વાંચવું ગમશે :

ભારતમાં પ્રેસની સ્વતંત્રતાનો બંધારણીય વ્યાપ આમ પણ દુનિયાના કેટલાય ઉન્નત લોકશાહી સમાજો જેવો વ્યાપક અને સુસંગત નથી.

આપણા બંધારણમાં પણ પ્રેસની આઝાદી માટે અલગથી કોઈ જોગવાઈ નથી. અહીં પ્રેસ નાગરિકની સ્વતંત્રતા અંતર્ગત જ કામ કરે છે.

આમ છતાં, જુદીજુદી સરકારોએ પ્રેસની સ્વતંત્રતાને બૂઠી કરવા માટે તમામ પ્રકારની કાયદાકીય જોગવાઈ, અધ્યાદેશ કે આદેશ જાહેર કર્યા જ છે.

થોડા સમય પહેલા જ રાજસ્થાન સરકારે એક અત્યંત વિવાદાસ્પદ ખરડો રજૂ કર્યો હતો. જેને ભારે વિરોધ બાદ અટકાવી દેવાયો.

એક સમયે કોંગ્રેસની એ સમયની રાજીવ ગાંધી સરકારે પણ ડિફેમેશન બીલના નામે બહુ જ નિરંકુશ પ્રકારનો ખરડો બનાવ્યો હતો. જેને ભારે વિરોધ બાદ પરત ખેંચી લેવાયો હતો.

ફેક ન્યૂઝને રોકવાના નામે જાહેર કરાયેલા હાલના આદેશ અને તેને પરત ખેંચવાની રીતનું આકલન કરીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે વર્તમાન સરકાર અને પ્રેસના સંબંધો સહજ હોવાને બદલ અસહજ જ રહ્યા છે.

અસહજ એટલા માટે કે પ્રેસ કે મીડિયાનો મોટો ભાગ સરકારની નબળાઈ કે નિષ્ફળતાની ટીકા કરવાનું, તેને ઉજાગર કરવા કે સમીક્ષા કરવાનું ટાળે છે.

મીડિયાની આ અભૂતપૂર્વ ગોઠવણ અત્યંત સુનિયોજિત લાગી રહી છે.


માન્યતાપ્રાપ્ત પત્રકારોને આટલો ગુસ્સો કેમ?

Image copyright Getty Images

આવા સમયમાં પણ આપણા મીડિયામાં કેટલાક શાનદાર અપવાદ પણ હાજર છે.

જે તમામ પ્રકારના દબાણ અને તણાવ છતાં શ્રેષ્ઠતમ પત્રકારત્વ કરવાનો પ્રયાસ કરે છે.

આમાંના કેટલાય વિરુદ્ધ સત્તા-સંરચના સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામેલ લોકોએ માનહાનિથી લઈને ફોજદારી મામલાઓ દાખલ કર્યા છે.

હાલના સમયમાં ન્યૂઝ ચેનલોથી માંડીને સમાચારપત્રોના એક મોટા જૂથે પોતાની સરકાર તરફી છાપ ઊભી કરી છે.

આની પાછળ એ સંસ્થાનોના માલિક-સંપાદકોની મોટી ભૂમિકા માનવામાં આવે છે.

એટલે જ કેટલીય ચેનલના સંપાદકો અને એન્કરોને રાજીનામાં આપવાં પડ્યાં છે. તો કેટલાયને બળજબરીથી હટાવવામાં આવ્યા છે.

આ જ કારણ છે કે કેટલાય સમાલોચક, સમાજશાસ્ત્રી કે રાજકીય ટીકાકારો મીડિયાના મોટાભાગને કટાક્ષમાં 'ગોદી મીડિયા', 'ભજન મંડળી' કે 'મૃદંગ મંડળી' ગણાવે છે.

ફેક ન્યૂઝ માટે કેટલીક ખાસ વેબસાઇટ કુખ્યાત થઈ ગઈ છે. આમાંની કેટલાયના સંબંધો જમણેરી રાજકીય વિચારધારા સાથે પણ છે.

મંત્રાલયના આદેશમાં જોગવાઈ હતી કે કોઈ પણ માન્યતા પ્રાપ્ત પત્રકાર ફેક ન્યૂઝ મામલે આરોપી સાબિત થાય તો પત્રકાર તરીકેની તેની માન્યતા પંદર દિવસ માટે રદ કરી દેવામાં આવશે.

અને જો આ આરોપ સાચા ઠર્યા તો છ માસ માટે તેની માન્યતા રદ કરી દેવાશે.

આવી જ રીતે બીજી વખત દોષી ઠરે તો એક વર્ષ માટે અને ત્રીજી વખત આરોપ સાચા ઠરે તો કાયમ માટે પત્રકાર તરીકેની માન્યતા રદ કરી દેવાશે.

આદેશમાં એવું પણ હતું કે આરોપ સાચા છે કે ખોટા, એ નિર્ણય લેવાનો અધિકાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (પીસીઆઈ) અને ન્યૂઝ બ્રૉડકાસ્ટિંગ એસોસિએશન (એનબીએ)ને આપવામાં આવ્યો છે.

હવે જો કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં લો તો આ બન્ને સંસ્થાઓને આ અંગેના કોઈ જ અધિકાર નથી.

એટલું જ નહીં, એનબીએ પોતે પણ એક ખાનગી સંસ્થા છે. એ કઈ રીતે પત્રકારની માન્યતા રદ કરી શકે?


ફેક ન્યૂઝના ધંધામાં કેટલીય સંસ્થા

એનબીએ ટીવી ચેનલોની ખાનગી સંસ્થા છે. એના પોતાના જ સભ્યો-સંસ્થાઓ અને ત્યાં સુધી કે કેટલાક પદાધિકારી પોતે જ ફેક ન્યૂઝના આરોપી છે.

આમાંના કેટલાયે પોતાની વિરુદ્ધ સંસ્થાના આદેશોનું પાલન કરવાનો ઇન્કાર કરી દીધો છે.

હવે આવા સભ્યો-સંસ્થાઓના પદાધિકારીઓથી માન્યતાપ્રાપ્ત પત્રકારો પર લાગેલા ફેક ન્યૂઝના આરોપોની તપાસ કરવાની અને યોગ્ય ન્યાય આપવાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય?

મને એવું પણ લાગે છે કે સૂચના અને પ્રસારણ મંત્રાલયે બીજી એપ્રિલે જાહેર કરેલો આદેશ ના માત્ર કાયદાકીય જોગવાઈથી ઉલટ હતો, મૂર્ખતાથી પણ ભરેલો હતો.

તેના આમુખમાં વિવેક અને સમજદારીનો ઉપયોગ જ નહોતો કરાયો. આદેશ એકદમ નિરંકુશ અને સ્વેચ્છાચારી માનસિકતાથી ગ્રસ્ત હતો.

તો પછી આ આદેશ જાહેર કેમ કરાયો? વાત સ્પષ્ટ છે. આદેશનો ઉદ્દેશ ફેક ન્યૂઝ રોકવાનો બિલકુલ જ નહોતો.

કારણ કે વર્તમાન સમયમાં ફેક ન્યૂઝનું સૌથી મોટું 'કારખાનું' ક્યાં છે એનો ખ્યાલ સૌને ધીમે ધીમે આવી રહ્યો છે.

'પોસ્ટકાર્ડ ન્યૂઝ' સાથે સંકળાયેલો ફેક ન્યૂઝનો બનાવ આપણી સામે છે જ.

આ વેબસાઈટના હજારો ફૉલોઅર છે, જેમાં ભારત સરકારમાં ટોચના પદો પર બેઠેલા મોટા રાજનેતાઓ પણ સામેલ છે.

આવી જ રીતે પ્રખ્યાત કન્નડ પત્રકાર ગૌરી લંકેશની નૃશંસ હત્યા પર રાજી થનારા અને સોશિયલ મીડિયા પર અંત્યત વાંધાજનક પોસ્ટ લખનારા લોકોને સરકારના પ્રધાનો અને મોટા પદાધિકારીઓ ફૉલો કરતા આવ્યા છે.

આપણા આઈપીસી અને સીઆરપીસીમાં એવી કેટલીય જોગવાઈ સામેલ છે જેના થકી ફેક ન્યૂઝ કે હેટ ન્યૂઝના ધંધાદારીઓને અટકમાં લઈ શકાય છે.

વિક્રમ હેગડેનું હાલનું ઉદાહરણ પણ આપણી સમક્ષ છે જ.


જોખમ ટળ્યું પણ અટક્યું નથી

Image copyright Getty Images

એવી પણ શક્યતા છે કે પારંપરિક મીડિયા સંસ્થાનો સાથે સંકળાયેલા કે ફ્રિલાન્સિંગ કરી રહેલા વરિષ્ઠ પત્રકારોની ધીમે ધીમે સરકારી માન્યતા રદ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હોય.

ફ્રિલાન્સર વરિષ્ઠ પત્રકારો કે કોલમનિસ્ટનો જ્યાં સુધી સવાલ છે, આ આદેશથી તેઓ સચિવાલય, મંત્રાલય સહીતના તમામ સંવેદનશીલ સ્થાનો પર જવા-આવવાથી વંચિત થઈ જાત.

આ પ્રયોગ સફળ થાત તો કેટલાય વ્યવસાયિક પત્રકારોની ખાલી જગ્યા પર પોતાની પસંદના 'ગોદી-પત્રકારો'ને બેસાડવાનો રસ્તો પણ સરળ બની જાત.

નિરંકુશ અને મૂર્ખતાપૂર્ણ આ સરકારી આદેશને પરત લેવાનો મને એક જ અર્થ સમજાઈ રહ્યો છે કે સત્તામાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકોને તત્કાલ સંકેત મળી ગયા કે મીડિયામાં આને લઈને ભારે આક્રોશ છે અને આનાથી માહોલ ખરાબ થઈ શકે એમ છે.

હાલમાં જોખમ તો ટળ્યું છે પણ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ