TOP NEWS : પાટીદાર બાદ દલિતો સામેના કેસ પરત લેવા માગ

દલિતોનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજ્યના કેબિનેટ મંત્રીએ દલિતો સામેના કેસ પાછા ખેંચવા સરકાર સમશ્ર રજૂઆત કરી.

પાટીદારો સામેના કેસની જેમ રાજ્યમાં ઊના, થાનગઢ સહિતના બનાવ બાદ થયેલા આ કેસ પાછા ખેંચવાની રજૂઆત ઇશ્વર પરમારે ગૃહ વિભાગને કરી છે.

એટ્રેસિટી એક્ટ મુદ્દે તેમણે કહ્યું છે કે 1989નો મૂળ કાયદો રદ કરાયો નથી, ચુકાદાને કારણે મૂળ કાયદામાં ફેરફાર થયો નથી.

જોકે સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પરમારે એ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

ફેસબુકે સ્વીકાર્યું, નવ કરોડ લોકોનો ડેટા શેર થયો

ઇમેજ સ્રોત, LUIS ACOSTA/Getty Images

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે સ્વીકાર્યું છે કે 8.7 કરોડ લોકોનો ડેટા કેમ્બ્રિજ ઍનાલિટિકા સાથે ખોટી રીતે શેર કરવામાં આવ્યો છે.

જોકે, આ પહેલાં વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાઇલીએ આ આંકડો પાંચ કરોડ હોવાનું કીધું હતો.

આ તમામ માહિતી ફેસબુકના ચીફ ટેક્નિકલ ઑફિસર માઇક શ્રોએફરના બ્લોગમાં સામે આવી છે.

અમેરિકાની હાઉસ કોમર્સ સમિતિની જાહેરાતના થોડા કલાક પછી આ બ્લોગ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

સમિતિએ એવી જાહેરાત કરી હતી કે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે 11 એપ્રિલ પહેલાં તેમનું નિવેદન આપવાનું છે.

લંડન સ્થિત કેમ્બ્રિજ ઍનાલિટિકા કંપનીએ ખાતરી આપી કે ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે.

NDA સાંસદો 'ખોટો' પગાર નહીં લે

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કેન્દ્રમાં સત્તાધારી એનડીએના સાંસદ બજેટ સત્રના બીજા ભાગમાં 23 દિવસ સુધી સંસદમાં કોઈ કામકાજ ન થવાને કારણે પોતાના વેતન-ભથ્થાં લેશે નહીં.

આ વાતની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કેબિનેટની બેઠક બાદ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અનંત કુમારે કહ્યું કે સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર હતી પરંતુ કોંગ્રેસની જીદને કારણે સંસદનું કામકાજ થઈ શક્યું નથી.

બે એનડીએ નેતાઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે વિપક્ષ બિનલોકતાંત્રિક રીતે કામ કરી રહ્યું છે અને સંસદમાં કામ ન થવા માટે જવાબદાર છે.

મધ્ય પ્રદેશમાં બાબાઓ મંત્રી!

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

મધ્ય પ્રદેશ સરકારે પાંચ ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપતા હવે તેમણે રાજ્ય સરકારના નર્મદા સંરક્ષણ મામલે કથિત કૌભાંડનો વિરોધ કરવાનું પડતું મૂક્યું છે.

મધ્ય પ્રદેશની ભાજપ સરકારે ભૈય્યુ મહારાજ, નર્મદાનંદ મહારાજ, હરિહરાનંદ મહારાજ, કમ્પ્યુટર બાબા અને પંડિત યોગેન્દ્ર મહંતને રાજ્યમંત્રી(મિનિસ્ટર ઓફ સ્ટેટ)નો દરજ્જો આપી દીધો હતો.

સરકાર મુજબ નર્મદા નદીના સંરક્ષણ માટે 31 માર્ચે રચાયેલી એક સમિતિમાં આ પાંચેય ધાર્મિક નેતાઓની નિમણૂક કરવામાં આવી હતી.

આ સમિતિના સભ્ય તરીકે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અગાઉ કમ્પ્યૂટર બાબાએ જાહેરાત કરી હતી કે તેઓ યોગેન્દ્ર મહંત સાથે મળીને 1 એપ્રિલથી 15 મે દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાં 'નર્મદા ઘોટાલા કૌભાંડ રથયાત્રા' કાઢશે.

પરંતુ હવે તેમણે કહ્યું છે કે સરકારે સમિતિ બનાવી છે એટલે યાત્રા કાઢવાનો કોઈ મતલબ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો