સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની સજા, સેન્ટ્રલ જેલ મોકલાશે

સલમાન ખાન Image copyright Getty Images

વર્ષ 1998ના કાળિયાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે સજા સંભળાવી દીધી છે.

સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. આ સિવાયના તમામ પાંચ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટ સમક્ષ આ કેસના તમામ આરોપીઓ હાજર રહ્યા હતા. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા હતા.

સલમાન ખાનના વકીલે કોર્ટમાં ઓછામાં ઓછી સજાની માગણી કરી હતી.

ભારતમાં કાળિયારનો શિકાર કાયદાથી પ્રતિબંધિત છે. વન્યજીવ કાયદા હેઠળ આ સમગ્ર મામલો નોંધાયેલો છે. જેમાં છ વર્ષની સજાની જોગવાઈ છે.


શું હતો કેસ?

Image copyright STRDEL/Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

બીજી ઑક્ટોબર, 1998ના રોજ જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો.

સલમાન પર આરોપ છે કે આ શિકાર તેમણે તેમના સાથી કલાકારો અને ફિલ્મની ટીમ સાથે કર્યો હતો.

આ કેસમાં કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ સહ-આરોપીઓ છે.


આ સાથે જોડાયેલા અન્ય કેસ

Image copyright EPA

સલમાન કેસ સામે કુલ ચાર કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

  • કેસ 1 - 26 સપ્ટેમ્બર 1998ના જોધપુરના ભવાદ વિસ્તારમાં કાળિયારનો શિકાર
  • કેસ 2 - 28 સપ્ટેમ્બર 1998માં ઘોડા ફાર્મહાઉસમાં કાળિયારનો શિકાર
  • કેસ 3 - બીજી ઑક્ટોબર 1998માં કાંકાણીમાં કાળિયારનો શિકાર
  • કેસ 4 - ઉપરના ત્રણેય મામલામાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ

કાળિયારના કુલ બે કેસ અને આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં સલમાન ખાનને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. હવે આ ચોથા કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે


સલમાન સાથે જોડાયેલા અન્ય વિવાદો

Image copyright AFP/Getty Images
  • સલમાન ખાન સામે બહુચર્ચિત હીટ એન્ડ રનનો મામલો નોંધાયેલો હતો. જેનો કેસ મુંબઈમાં 13 વર્ષ ચાલ્યો હતો.
  • સલમાન પર નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈને થપ્પડ મારવાનો પણ આરોપ લાગ્યો હતો. જોકે બાદમાં તેમણે જાહેર માફી માગી હતી.
  • આ સિવાય કોર્ટ પરિસરમાં પત્રકારો સાથે ઝપાઝપી, અભિનેતા વિવેક ઑબેરોયને ધમકી અને ફિલ્મ 'ચલતે ચલતે'ના સેટ પર અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કથિત મારપીટના વિવાદ પણ સલમાન સાથે જોડાયેલા છે.

તમને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ