શા માટે લગ્નમાં ડીજે હશે તો કાઝી નિકાહ નહીં પઢાવે?

  • મિર્ઝા એબી બેગ.
  • બીબીસી ઉર્દૂ સંવાદદાતા.
લગ્ન.

ઉત્તર પ્રદેશમાં આવેલા દેવબંદ નગરના એક કાઝીએ કહ્યું છે કે જે લગ્નોમાં નાચગાન થતાં હશે, તેવાં લગ્નોમાં તેઓ નિકાહ પઢાવવા નહીં જાય.

કાઝી શહર મુફ્તી અઝહર હુસૈને કહ્યું છે કે તેઓ આવાં લગ્નનો બહિષ્કાર કરશે જેમાં ડીજે હશે કારણ કે ઇસ્લામ ડીજે, નાચગાન કરવાની મંજૂરી નથી આપતો.

તમને આ પણ વાંચવું ગમશે

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના જણાવ્યા અનુસાર, "હું એવાં લગ્નોમાં નિકાહ નહીં પઢાવું જ્યાં ડીજે અથવા નાચગાન થતાં હશે. આ બાબત ઇસ્લામની વિરુદ્ધ છે અને અમે આવાં લગ્નનો બહિષ્કાર કરીશું."

તેમનું કહેવું હતું, "જો નાચગાન લગ્નની પહેલાં હોય અને કાઝીને આ બાબતની માહિતી ન હોય, તો કોઈ સમસ્યા નથી."

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ હેઠળ દિલ્હી વિસ્તારના કાઝી મોહમ્મદ કામીલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે તેમની વાતને સમર્થન આપીએ છીએ."

પરંતુ તેમણે એમ પણ કહ્યું, "આ નિર્ણય લોકોની વ્યક્તિગત ઇચ્છાઓ પર આધારિત છે કે તેઓ કેવી રીતે અને કેટલી ગંભીરતાથી આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે."

ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ હેઠળ દિલ્હી પ્રદેશના મહાસચિવ ઝકી અહમદ બેગે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સૈદ્ધાંતિક દૃષ્ટિએ બધા આ વાતને સંમતિ આપે છે, પરંતુ લોકોમાં જાગૃતી ફેલાવવા માટે આ બાબતનો અમલ કરવાની જરૂર છે. વધુમાં એ જણાવવાનું મહત્ત્વપૂર્ણ છે કે સંગીત ઇસ્લામમાં શા માટે પ્રતિબંધિત છે."

તેમણે અફઘાન તાલિબાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "લોકોને જાગૃત કર્યા વિના તેમને જે રીતે શરિયત અમલ કરવાનો પ્રયાસ થયો હતો, પરિણામે સમગ્ર વિશ્વ તેમનું વિરોધી બની ગયું હતું."

ઇસ્લામી ફિકહ અકૅડમીના મુફ્તી અહમદ નાદીરૂલ કાઝમીએ કહ્યું, "સમાજ સુધારણા માટે હું આવાં પગલાંને સમર્થન આપું છું."

તેમના જણાવ્યા અનુસાર દરેક શહેરના કાઝી અને ઉલેમાએ લોકોને દુષ્કર્મ અને સંઘર્ષનું કારણ બનતાં અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ ઘટના થયા પહેલાં કેટલાક વિસ્તારોમાંથી આવાં લગ્નો સામે નિવેદનો જાહેર થયા છે. 'ડિઝાઇનર બુર્ખા' સામે પણ દેવબંદમાંથી ફતવો જાહેર થયો હતો.

જાહેર થયેલા ફતવા મુજબ, હિજાબ અને બુરખા લોકોની નજરથી દૂર મહિલાઓના રક્ષણ માટે છે.

જો કોઈ મહિલા ડિઝાઇનર બુરખા અથવા તંગ-ચુસ્ત બંધબેસતાં કપડાં પહેરે તો ઇસ્લામ તેમને આ વાતની મંજૂરી નથી આપતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો