સલમાનને જેલથી બોલીવૂડને કેટલી સજા?

સલમાન ખાનની તસવીર Image copyright Getty Images

જોધપુર કોર્ટે કાળિયારના શિકારના કેસમાં બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને દોષિત ગણીને તેમને પાંચ વર્ષની કેદની સજા આપી છે. જો સલમાન જેલમાં જશે તો બોલીવૂડને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે.

વર્ષ 1999માં આવેલી ફિલ્મ "હમ સાથ સાથ હૈં"ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવાનો આરોપ સલમાન ખાન ઉપર હતો.

હાલમાં સલમાન ખાન પર બોલીવૂડમાં લગભગ 400 કરોડ રૂપિયાનો દાવ લાગેલો છે. સલમાનને થયેલી પાંચ વર્ષની કેદની સજાને કારણે આ નુકસાન સહન કરવું પડે છે.


150 કરોડની ફિલ્મ રેસ-3

Image copyright Getty Images

હાલ સલમાન ખાનની ફિલ્મ રેસ-3નું શૂટિંગ થઈ રહ્યું છે. સલમાન ખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું નથી થયું. સલમાનને સજા થવાથી આ પ્રોજેક્ટ વચ્ચે જ અટકી પડે તેમ છે. એટલે નિર્માતાની સારી એવી રકમ ફસાઈ શકે છે.


દબંગ-3નું 100 કરોડનું બજેટ

Image copyright Getty Images

'દબંગ' સિરીઝનો ત્રીજો ભાગ 'દબંગ 3'નું શૂટિંગ પણ જલ્દી શરૂ થવાનું છે.

આ ફિલ્મની બન્ને ભાગમાં સલમાન ખાન અને સોનાક્ષી સિંહા જોવાં મળ્યાં હતાં.

ત્રીજા ભાગમાં પણ સલમાન ખાન જોવા મળશે. આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ફિલ્મ ઉદ્યોગના સમિક્ષક અમોદ મહેરા કહે છે કે 'રેસ 3' ઉપરાંત એમની બાકી ફિલ્મો જેમ કે 'દબંગ 3', 'કિક 2' અને 'ભારત'માંથી કોઈ પણ ફિલ્મનું શૂટિંગ શરૂ નથી થયું.

જોકે, ફિલ્મ શરૂ થતાં પહેલાં પ્રિ-પ્રોડક્શનનું જે કામ હોય છે, તે શરૂ થઈ ગયું છે. તેમાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લાગી ગયાં છે.


ટીવી શો ઉપર પણ દાવ

સલમાન ખાનની ફિલ્મો જ નહીં, તેમના ટીવી રિયાલિટી શો ઉપર પણ દાવ લાગ્યો છે.

એ 10 વર્ષ બાદ ફરીથી 'દસ કા દમ' લઈને પાછા ફરી રહ્યા છે. આ ગેમ શોનો પ્રોમો રજૂ થઈ ચૂક્યો છે. આ શોમાં સલમાન ખાન હોસ્ટ તરીકે દેખાવાના છે.

અમોદ મહેરા કહે છે, "'દસ કા દમ' શો માટે ચેનલ પહેલેથી ખૂબ ખર્ચો કરી ચૂકી છે. આથી ઉદ્યોગને તો નુકસાન થશે જ, પણ સલમાન ખાનની કારકિર્દીને પણ ભારે નુકસાન થઈ શકે છે."

આ ઉપરાંત સલમાન ખાન ટીવી શો બિગ બૉસમાં હોસ્ટની ભૂમિકા પણ કરે છે. જોકે, હજી સુધી સીઝન-12 માટે પ્રિ-પ્રોડક્શનની જાહેરાત નથી થઈ.

સલમાન ખાન બોલિવૂડના મુખ્ય સુપરસ્ટાર્સમાંથી એક છે. જો એ જેલમાં ગયા તો તેમના પર લાગેલા રૂપિયાને કારણે સમગ્ર હિંદી ફિલ્મ ઉદ્યોગને ભોગવવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો