ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?

વાજપેયી અને અડવાણીની તસવીર Image copyright Getty Images

1984માં એ વખતના વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદની ચૂંટણીમાં સમગ્ર દેશમાં રાજીવ ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું મોજું હતું. એને કારણે કોંગ્રેસે જંગી બહુમતીથી સરકાર બનાવી હતી. પણ, કોંગ્રેસની અભૂતપૂર્વ લહેર વચ્ચે ગુજરાતના મહેસાણામાંથી ભાજપના ઉમેદવાર ડૉ. એ. કે. પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાત આગળ જતા જે રીતે ભાજપની પ્રયોગશાળા બન્યું એના આ મંડાણ હતા.

ભાજપને 38 વર્ષ પૂરા થયા છે ત્યારે ભાજપના લોકો અને રાજકીય વિશ્લેષકો પણ માને છે કે આટલા વર્ષો બાદ ભાજપ માટે હવે ગુજરાતમાં કપરા ચઢાણ તો જોવા મળી રહ્યા છે પણ, વિપક્ષ માટે ભાજપને ગુજરાતમાંથી ઉખાડી કાઢવો આજે પણ મુશ્કેલ જ છે.


ભાજપની સ્થાપના

Image copyright Getty Images

કટોકટી બાદ દેશમાં ભારતીય જન સંઘે અન્ય પક્ષો સાથે મળીને જનતા પક્ષની સરકાર બનાવી. ત્રણ વર્ષ સુધી સત્તામાં રહેલી જનતા પક્ષનું 1980માં વિઘટન થયું. એ સાથે જ જન સંઘના સભ્યોને નવો પક્ષ રચવાની જરૂર જણાઈ.

રાજકીય વિશ્લેષક હરિ દસાઈએ બીબીસીને આ અંગે વાત કરતા કહ્યું, ''એ વખતે જનતા પક્ષના મધુ લિમયે અને અન્ય સમાજવાદી નેતાઓનું માનવું હતું કે જનસંઘના લોકોએ જનતા પક્ષમાં રહેવું હોય તો સંઘને છોડી દેવો પડે.''

'' જન સંઘના લોકો અને સમાજવાદી કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જનતા પક્ષમાં કમઠાણ સર્જ્યું હતું.''

''વળી, મોરરાજી દેસાઈની સરકાર તૂટી હતી અને ઇંદિરા ગાંધીએ પુનરાગમન કર્યું હતું. આમ જનતા પક્ષ તૂંટ્યો અને એમા સામેલ જનસંઘના લોકોને લાગ્યું કે તેમને પોતાના એક અલાયદા રાજકીય પક્ષની જરૂર છે.''

સંઘને જણાયેલી રાજકીય પક્ષની જરૂર આખરે મુંબઈમાં પૂરી થઈ અને 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ.

અટલ બિહાર વાજપેયીને ભાજપના પ્રથમ અધ્યક્ષ બનાવાયા. જ્યારે લાલ કૃષ્ણ અડવાણીને સિકંદર બખ્ત અને સુરજભાણ સાથે મહાસચિવનો હોદ્દો અપાયો.


ભાજપ અને ગુજરાત

Image copyright Getty Images

મુંબઈમાં સ્થપાયેલો ભાજપ ગુજરાતને ભવિષ્યમાં હિંદુત્વની પ્રયોગશાળા બનાવવાનો હતો. ગુજરાત જ તેનો સૌથી મોટો ગઢ બનવાનો હતો. અને આ માટે તેને જનસંઘ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે ગુજરાતમાં કરેલી મહેનત ફળવાની હતી.

બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર મનિષ મહેતા જણાવે છે, ''એ વખતે ભાજપ માટે ગુજરાતમાં સૌથી મોટો પડકાર પોતાને રાજકીય રીતે સ્થાપિત કરવાનો હતો. અને ગુજરાતમાં માન્યતા મળ્યા બાદ રાષ્ટ્રીય ફલક પર પણ એ માન્યતાને આગળ વધારવાનો હતો.''

તમને આ વાંચવું પણ ગમશે :

''જોકે, ગુજરાતમાં સંઘે પહેલાંથી જ તૈયાર રાખેલી હિંદુત્વની ફળદાયી જમીનનો ફાયદો ભાજપને થયો. એ જ કારણ હતું કે રાજીવ ગાંધીને મળેલા સહાનુભૂતિના મોજા વચ્ચે પણ ભાજપે જે બે બેઠકો જીતી એમાંની એક બેઠક ગુજરાતમાં હતી. ''

મહેતા આગળ કહે છે, ''ભાજપને એક પ્રાંતિય પક્ષ બની રહેવાને બદલે રાષ્ટ્રીય પક્ષ બનવાનું હતું. અને એ માટેની ચાવી એણે ગુજરાતમાંથી ફેરવી હતી.''

Image copyright Getty Images

ભાજપના રાષ્ટ્રીય પક્ષ બનવા માટેના પ્રયોગો પણ ગુજરાતથી જ શરૂ થયા. અડવાણીએ સોમનાથથી રથયાત્રા શરૂ કરી. ભાજપને એ યાત્રા ફળી પણ ખરી.

ભાજપે ગુજરાતી મધ્યમવર્ગમાં હિંદુત્વવાદી વિચારધારાના બીજ રોપ્યા. અને રીતે મધ્યમવર્ગને પોતાની તરફ વાળ્યો.

આ અંગે વાત કરતા મહેતા જણાવે છે, “ભારતીય સમાજના ત્રણ વર્ગો, ધનવાન, મધ્યમ અને ગરીબ. ઇંદિરા ગાંધી અને કોંગ્રેસની છાપ ગરીબતરફી હતી. અને ગરીબ વર્ગ કોંગ્રેસનો વફાદાર મતદાર ગણાતો. પણ, ભાજપે મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જેનું પ્રમાણ સંખ્યાની દૃષ્ટીએ ખૂબ જ મોટું હતું.''

''ગુજરાતના મધ્યમવર્ગમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને જન સંઘે પહેલાંથી જ રોપેલા હિંદુત્વાદી માનસિક્તાના બીજને ભાજપે ઉછેર્યા.”


એ વખતનો ભાજપ અને હાલનો ભાજપ

Image copyright Getty Images

પરિવર્તન કુદરતનો નિયમ હોય કે ના હોય, ભાજપે પરિવર્તન અપનાવી લીધું છે. અને કદાચ એટલે જ, ગુજરાતમાં હિંદુત્વના પ્રયોગ કરીને દેશની સત્તા સુધી પહોંચેલા હાલના ભાજપની પ્રકૃતિ એના પ્રારંભ કરતાં ક્યાંય અલગ છે.

ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નાખનારા ચાર મુખ્ય નેતાઓમાંથી એક રહી ચૂકેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસીને કહ્યું, ''આજના ભાજપ અને એ સમયના ભાજપ વચ્ચે જમીન આસમાનનો ફેર છે. એ ભાજપ વાજપેયીની 'ગાંધીવાદી-સમાજવાદી' વિચારધારાને વરેલો હતો. 'કૅડરબેસ્ડ માસ પાર્ટી' હતો. પણ, હવે કૅડર જતી રહી છે અને માત્ર 'માસ પાર્ટી' જ બચી છે.''

ભાજપના ટોચના નેતા રહી ચૂકેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા બીબીસીને જણાવે છે, ''એ વખતનો ભાજપ ખરા અર્થમાં લોકતાંત્રિક પક્ષ હતો. જ્યારે હાલનો ભાજપ 'ઑટોક્રૅટ' બની ગયો છે. એ વખતના ભાજપની બસ સજ્જન લોકોથી ભરેલી હતી. જ્યારે આજના ભાજપની બસ સ્વાર્થી અને લાલચું લોકોથી ભરેલી છે.''

''એ લોકો સંગઠનને નુકસાન ના થાય એ માટે કામ કરતા હતા. પોતે જ રોપેલા છોડને કોઈ નુકસાન ના થાય એ માટે એમણે ક્યારેય માથું ના ઉંચક્યું. પણ એવા કાર્યકરોની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ.''


વર્તમાન ભાજપની કાર્યપદ્ધતિ

Image copyright Getty Images

હરિ દેસાઈ આ અંગે વાત કરતા જણાવે છે, ''ભાજપની ભાષામાં આક્રમક્તા વધી છે. આક્ષેપબાજી વધી છે. મને લાગે છે કે અટલ બિહારી વાજપેયી સુધી ભાજપમાં ગરીમા હતી. વિપક્ષમાં હોય કે સત્તામાં, ભાજપનું વર્તન સૌહાર્દપૂર્ણ રહેતું. પણ, હવે એવું નથી.''

''વાજપેયી રાજપુરુષ હતા. જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણી છે. રાજપુરુષ આવતી પેઢીનો વિચાર કરે. રાજકારણી આવતી ચૂંટણીનો જ વિચાર કરે છે. આમાં ક્યાંય ગ્રેસ નથી.”

“અટલ લિબરલ હતા. એટલે એ 24 પક્ષોને સાથે રાખીને પાર્ટી ચલાવી શક્યા. આજના ભાજપ પાસે 'એરોગન્સ' છે. સત્તાનો નશો છે.”

“લોકશાહીમાં વિરોધી અવાજનો આદર કરવો ઘટે. પણ, અત્યારના ભાજપમાં ડરનો માહોલ છે. કાર્યકરો સાથે વાત કરો તો પણ એ ડર અનુભવાય છે.''


ગુજરાતમાં ભાજપનું ભવિષ્ય

Image copyright Getty Images

ગુજરાત એ ભાજપનો ભારતમાં સૌથી મોટો ગઢ છે. અહીં બે દાયકા કરતાં પણ વધુ સમયથી ભાજપ એકહથ્થુ શાસન ચલાવી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ભલે ઘટી હોય, સરકાર તો ભાજપની જ બની છે. પણ, ભાજપ અને ગુજરાતનો સંબંધ કાયમ આવો જ રહેવાનો?

સુરેશ મહેતા આ અંગે કહે છે, ''ગુજરાતમાં સંઘે રોપેલા જૂના મૂળિયાનો ભાજપને ફાયદો મળ્યો છે. ગુજરાતની લાગણીશીલ પ્રજાની લાગણી સંઘ સાથે જોડાયેલી છે અને ભાજપને એનો લાભ મળતો રહ્યો છે.''

''જોકે, હવે સતત થઈ રહેલા ખોટા પ્રચારને કારણે લોકોમાં લાગણી ઘટી છે. લોકો હવે વિચારતા થયા છે. વર્ચસ્વ, ભય અને લાલચ જેવા તત્વો પક્ષમાં ઉમેરાયા છે અને એટલે ગુજરાતમાં જીતતા રહેવું ભાજપ માટે ભવિષ્યમાં અઘરૂં બની જશે.''


ભાજપના મૂળ ઉખેડવા અશક્ય?

Image copyright Getty Images

ભવિષ્યમાં ભાજપ માટે 'ગુજરાત જીતવી' અઘરી ભલે બને પણ અશક્ય કદાચ નહીં જ બને.

શંકરસિંહ વાઘેલા આ અંગે વાત કરતા જણાવે છે, ''ભાજપ ગુજરાતમાં જીતે છે, કારણ કે કોંગ્રેસ નબળી છે. કોંગ્રસની ભાજપ સાથે 'ઉપલા લેવલ'ની દોસ્તી આનું સૌથી મોટું કારણ છે.''

''કોંગ્રેસ સારા ઉમેદવારોને 'ફ્રિહેન્ડ' નથી આપતી. એનો સીધો જ ફાયદો ભાજપને થાય છે. ભાજપ ભલે ફાવી જાય પણ કોંગ્રેસની કોઈ વ્યક્તિ આગળ ના આવવી જોઈએ, એવી કોંગ્રેસીઓની માનસિક્તા ભાજપને લાભ કરાવી રહી છે.”

“એમ પણ કહી શકાય કે ભાજપને મજબૂત કરવામાં કોંગ્રેસનો સૌથી મોટો ફાળો છે.''

હરી દેસાઈ પણ કહે છે, ''કોંગ્રેસ પાસે પોતાનું માળખું નથી. જ્યાં સુધી કોંગ્રેસ પોતાનું માળખું ઊભું ના કરે ત્યાં સુધી એ ભાજપને પહોંચી શકે એમ નથી. ચૂંટણી વખતે ભાજપ માટે સંઘની આખી કેડર કામે લાગે છે.”

“હિંદુ વોટ બેંકને કબજે કરવા ગમે તે કરી જાય છે. સામે પક્ષે કોંગ્રેસીઓ સૂતા રહે છે.''

જ્યારે મનિષ મહેતાનું અવલોકન કહે છે, ''નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપ બીજા ક્રમની નેતાગીરી વિકસી શકી નથી.”

“છેલ્લી ચૂંટણીના પરિણામો પરથી કહેવાય કે ભાજપના પાયા હલ્યા છે. જો સ્થિતિ આવી જ રહે તો ભવિષ્ય ભાજપ માટે ટકી રહેવું અઘરું બનશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ