એ બિશ્નોઈ સમાજ કે જેમના કારણે સલમાનને જેલની હવા ખાવી પડી!

બિશ્નોઈ સમાજનો બાળક વાછરડા સાથે Image copyright iStock

તેઓ પ્રાણીઓ અને વૃક્ષોનાં રણમાં રહેતા રક્ષક છે.

બિશ્નોઈ સમાજના લોકો જંગલી પ્રાણીઓ અને વૃક્ષો માટે પોતાનું જીવન પણ આપવા તૈયાર હોય છે.

એટલા માટે જ જ્યારે ફિલ્મ સ્ટાર સલમાન ખાનના હાથે કાળિયારના શિકારનો મામલો સામે આવ્યો ત્યારે તેઓ રસ્તાઓ પર આવી ગયા.

બિશ્નોઈ તેમના આધ્યાત્મિક ગુરુ જમ્ભેશ્વરના જણાવેલા 29 નિયમોનું પાલન કરે છે. જેમાં એક નિયમ વન્યજીવો અને વૃક્ષોનું રક્ષણ કરવા સાથે જોડાયેલો છે.

બિશ્નોઈ સમાજના લોકો રણમાં જ છે એવું નથી. તેઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વસે છે.


બિશ્નોઈ સમાજ

Image copyright AFP/GETTY IMAGES

જોધપુરના સાંસદ જસવંત સિંહ બિશ્નોઈ કહે છે "અમારા સંસ્થાપક જમ્ભેશ્વરજીએ જીવદયાનો પાઠ શીખવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા કામોથી વ્યક્તિને વૈંકુઠની પ્રાપ્તિ થાય છે."

આ સમાજના લોકો વૃક્ષો અને વન્યજીવન માટે રજવાડાઓના સમયમાં પણ લડતા રહ્યા હતા.

બિશ્નોઈ સમુદાયના પર્યાવરણ કાર્યકર્તા હનુમાન બિશ્નોઈ કહે છે "જોધપુર રજવાડામાં જ્યારે વૃક્ષ કાપવાનો આદેશ અપાયો હતો ત્યારે બિશ્નોઈ સમાજના લોકો વિરોધમાં ઊભા હતા. આ 1787ની વાત છે. એ સમયે રાજા અભયસિંહનું શાસન હતું."

તમને આ પણ વાંચવું ગમશે

જોધપુરના ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી બિશ્નોઈ કહે છે "એ વખતે નારો અપાયો હતો કે 'સર સાઠે રુંખ રહે તો ભી સસ્તો જાન'. જેનો અર્થ છે કે જો માથું કપાવીને પણ વૃક્ષો બચાવી શકાય તો પણ એ સસ્તું છે."


પૂર્વજોનું બલિદાન

Image copyright AFP/GETTY IMAGES

બિશ્નોઈ કહે છે "જ્યારે રજવાડાના લોકો વૃક્ષો કાપવા આવ્યા હતા, ત્યારે ખેજડલી અને આસપાસના વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો."

"તે સમયે બિશ્નોઈ સમાજના અમૃતા દેવીએ પહેલ કરી અને વૃક્ષને બદલે પોતાની જાતને આગળ ધરી હતી."

"આ આખી ઘટનામાં બિશ્નોઈ સમાજના 363 લોકોએ વૃક્ષોના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું, જેમાં 111 મહિલાઓ હતી."

"આ બલિદાનની યાદમાં દર વર્ષે ખેજડલીમાં મેળો યોજાય છે. લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે."

"આ આયોજન ન માત્ર તેમના સંકલ્પને યાદ કરવા પણ નવી પેઢીને વન્યજીવન અને વૃક્ષોનું રક્ષણ કરવા પ્રેરિત કરે છે."


બિશ્નોઈ સમાજના ગુરુ

Image copyright YOUTUBE

તેમના ગુરુ જમ્ભેશ્વરનો જન્મ 1451માં થયો હતો. બિકાનેર જીલ્લામાં આવેલું તેમનું જન્મસ્થળ સમરથલ બિશ્નોઈ સમાજનું યાત્રાધામ છે.

એ જ વિસ્તારમાં ગુરુ જમ્ભેશ્વરની સમાધિ પણ છે. જ્યાં દર વર્ષે મેળો થાય છે.

મારવાડ રિયાસતના વસતિ અધિક્ષક મુન્શી હરદયાલે બિશ્નોઈ સમાજ પર એક પુસ્તક લખ્યું હતું.

તેમણે લખ્યું હતું "બિશ્નોઈ સમાજના સંસ્થાપક જમ્ભેશ્વરજી પવાર રાજપૂત હતા. જ્યારે 1487માં મોટો દુકાળ પડ્યો ત્યારે જમ્ભેશ્વરજીએ લોકોની ઘણી સેવા કરી હતી."

"તે સમયે જાટ સમુદાયના ઘણા લોકોએ તેમનાથી પ્રેરિત થઈ બિશ્નોઈ ધર્મને અપનાવ્યો હતો."


'બીસ'(વીસ) અને 'નૌ'(નવ) મળીને બિશ્નોઈ

Image copyright iStock

મુન્શી હરદયાલ લખે છે કે બિશ્નોઈ સમાજના લોકો જમ્ભોજીને હિંદુઓના ભગવાન વિષ્ણુના અવતાર માને છે.

બિશ્નોઈ સમાજની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવે છે કે જમ્ભોજીએ કુલ 29 જીવનસૂત્ર આપ્યા હતા. એમાંના 20(બીસ) અને નવ(નૌ) મળીને 'બિશ્નોઈ' નામ બન્યું.

બિશ્નોઈ સમાજમાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તેની દફનવિધિ કરવામાં આવે છે.

ભૂતપૂર્વ સાંસદ બિશ્નોઈ કહે છે "રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરેમાં કોઈનાં મૃત્યુ પર દફનાવવાની ક્રિયા છે. જ્યારે યૂપીના કેટલાક ભાગોમાં અગ્નિદાહ આપવામાં આવે છે."

બિશ્નોઈ સમાજના લોકો રણમાં જંગલી પ્રાણીઓ માટે અડગ ઊભા રહે છે. ઘણી વખત હરણના શિકારીઓ સામે તેઓ લડ્યા છે.


વન્ય જીવ સાથે અતૂટ સંબંધ

Image copyright iStock

બિશ્નોઈ પ્રભુત્વવાળા ગામોમાં એવાં દૃશ્ય પણ જોવા મળે છે, જ્યારે કોઈ બિશ્નોઈ મહિલા અનાથ હરણનાં બચ્ચાંને સ્તનપાન કરાવતી હોય.

ભૂતપૂર્વ સાંસદ બિશ્નોઈ કહે છે "વન્ય પ્રાણીઓ સાથે સમાજનો અતૂટ સંબંધ છે."

આમ તો બિશ્નોઈ સમાજ આજીવિકા માટે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ ધીમે ધીમે બિશ્નોઈ સમાજના લોકોએ ઉદ્યોગોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું છે.

હનુમાન બિશ્નોઈ કહે છે "જમ્ભોજીએ પ્રકૃતિનો આદર કરવાનું શીખવ્યું છે. અમે સહઅસ્તિત્વમાં માનીએ છીએ."

"વ્યક્તિનો જીવ જેટલો મૂલ્યવાન છે એટલું જ મહત્ત્વ પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે."

તેઓ કહે છે "જમ્ભોજીના જીવન અને શિક્ષણથી પ્રભાવિત થઈ અને બિશ્નોઈ જીવન મૂલ્યોમાં વિશ્વાસ રાખી ઘણી જ્ઞાતિના લોકો બિશ્નોઈ બની ગયા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ