કાળિયાર કેસ: સલમાને જેલમાં જ રહેવું પડશે કે જામીન મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર રાજસ્થાનમાં 1998માં કાળિયારના શિકાર સંબંધિત કેસમાં સેશન કોર્ટે પાંચ વર્ષની સજા ફટકાર્યા બાદ હવે સલમાન ખાન આજે સેશન કોર્ટમાં જામીન અરજી કરશે.
વકીલ આનંદ દેસાઈએ કહ્યું કે તેઓ કોર્ટના ચુકાદાનો આદર કરે છે, પણ આ ચુકાદો આશ્ચર્યજનક છે.
તેમના કહેવા પ્રમાણે અસીલ (સલમાન ખાન)ને અન્ય કેસમાં આ જ હકિકતને આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
દેસાઈએ નિવેદનમાં જણાવ્યું, "અમે હાઇકોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. ચુકાદાના અભ્યાસ બાદ અમને ઘણું આશ્રર્ય થયું છે."
"કેમ કે અગાઉ અન્ય કેસ જેમાં હકીકત અને તપાસ પણ સમાન હતી અને તેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે."
"વળી આર્મ્સ એક્ટનો કેસ જેની ઘટના આજ કેસની રાત્રે બની હતી તેમાં પણ નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે."
"અમે તાત્કાલીક રાહત માટે સેશન કોર્ટમાં સુનાવણી માટે અપીલ કરીશું અને જામીન લઈશું."
અરુણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ
ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી હાલમાં બીમાર છે. તેમને કિડનીની બીમારી છે.
તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે તેવું નિદાન કરાયું હતું. તબીબોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી હતી.
અહેવાલ અનુસાર એમ્સમાં તેમની ડોનર સાથે મુલાકાત થઈ હતી. 7 એપ્રિલે તેમનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
અરુણ જેટલીને ડાયાબિટીસની પણ બીમારી છે.
'આધાર બૅન્ક કૌભાંડ રોકી ન શકે'
ઇમેજ સ્રોત, Getty Images
'ધ ટ્રિબ્યુન'ના અહેવાલ અનુસાર દેશના વહીવટમાં અને જુદીજુદી યોજનાઓમાં તેમજ સિસ્ટમમાં રહેલા તમામ દૂષણોને રોકવા 'આધારકાર્ડ' એકમાત્ર કારગત ઉપાય છે તેવી સરકારની થિયરીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ ટિપ્પણી કરી કે આધારકાર્ડથી બૅન્ક કૌભાંડો રોકી શકાશે નહીં.
કૌભાંડીઓ અને બૅન્ક અધિકારીઓની સાઠગાંઠથી બૅન્ક કૌભાંડો આચરવામાં આવે છે. તેથી તેમની ઓળખ અંગે કોઈ શંકા નથી.
આ ટિપ્પણી આધાર સ્કીમની યોગ્યતા ચકાસી રહેલી બંધારણીય બૅન્ચ દ્વારા કરવામાં આવી હતી.
બૅન્ચે કહ્યું કે બૅન્કોમાં કૌભાંડોના થાય તે માટે બાયોમેટ્રિક ડેટાબેઝ એ અસરકારક ઉપાય નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો