મુસલમાન હોવાના કારણે સલમાનને સજા : પાકિસ્તાન વિદેશ મંત્રી

સલમાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1998ના કાળિયાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સજા સંભળાવી દીધી છે.

સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે પાકિસ્તાની વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પોતાનાં નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે.

પાકિસ્તાની સમાચાર ચેનલ જિઓ ન્યૂઝને આપેલા એક નિવેદનમાં વિદેશ મંત્રીએ કહ્યું, "સલમાન ખાન અલ્પસંખ્યક સમુદાય સાથે સંબંધ રાખે છે તેથી તેમને આ સજા થઈ છે."

તેમણે કહ્યું, "તેમનો ધર્મ ભારતની સત્તાધારી પાર્ટીવાળો હોત તો કદાચ તેમને આ સજા ન થાત અને તેમની સાથે ઉદારતા પૂર્વક વ્યવહાર કરાયો હોત."

ઇમેજ સ્રોત, Getty Images

બીજી ઑક્ટોબર, 1998ના રોજ જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો.

સલમાન પર આરોપ છે કે આ શિકાર તેમણે તેમના સાથી કલાકારો અને ફિલ્મની ટીમ સાથે કર્યો હતો.

આ કેસમાં કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ સહ-આરોપીઓ છે. જો કે તેઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે.

સલમાન સાથે જોડાયેલા અન્ય વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images

  • સલમાન ખાન સામે બહુચર્ચિત હીટ ઍન્ડ રનનો મામલો નોંધાયેલો હતો. જેનો કેસ મુંબઈમાં 13 વર્ષ ચાલ્યો હતો.
  • સલમાન પર નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈને થપ્પડ મારવાનો પણ આરોપ લાગ્યો હતો. જોકે બાદમાં તેમણે જાહેર માફી માગી હતી.
  • આ સિવાય કોર્ટ પરિસરમાં પત્રકારો સાથે ઝપાઝપી, અભિનેતા વિવેક ઑબેરોયને ધમકી અને ફિલ્મ 'ચલતે ચલતે'ના સેટ પર અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કથિત મારપીટના વિવાદ પણ સલમાન સાથે જોડાયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો