સલમાનને સજા સંભળાવતા જજે કોર્ટમાં શું કહ્યું?

સલમાન ખાન Image copyright Getty Images

બોલીવૂડના સ્ટાર સલમાન ખાનને કાળિયારના કેસમાં શિકાર મામલે સજા સંભળાવતા રવિવારે જજે 201 પાનાનો લેખિત ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદામાં જજે કહ્યું હતું કે સલમાન ખાન એક પ્રખ્યાત કલાકાર છે. જેને સામાન્ય લોકો અનુસરે છે. તેમ છતાં પણ સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો.

જોધપુરની કોર્ટમાં ગુરુવારે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. શિકારની આ ઘટના વર્ષ 1998માં ફિલ્મના શૂટિંગ વખતે બની હતી.

જોધપુર જિલ્લાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ તેમને આ સજા સંભળાવી હતી.

તેમણે પોતાના ચુકાદામાં એ પણ કહ્યું કે કાળિયાર એટલે કે એન્ટીલૉપ સર્વીકાપરાની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. જેના કારણે પારિસ્થિતિક સંતુલનને પણ નુકસાન થઈ રહ્યું છે.

Image copyright Getty Images

ચુકાદા પ્રમાણે, "આરોપીએ જેવી રીતે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની પ્રથમ સૂચીમાં સામેલ બ્લેક બર્ક એન્ટેલૉપ સર્વીકાપરા પ્રજાતિના બે નિર્દોષ મૂક વન્ય જીવ કાળિયારને બંદૂકની ગોળીથી મારી શિકાર કર્યો, તેને ધ્યાનમાં રાખતા અને વર્તમાન વન્ય જીવોના ગેરકાયદે શિકારની વધતી ઘટનાઓને જોતાં અને આરોપીના કૃત્ય તેમજ મામલાના તમામ તથ્યો, પરિસ્થિતિ તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોપી સલમાન ખાનને કલમ 9/51 વન્ય જીવ સંરક્ષણ કાયદામાં પ્રોબેશનનો લાભ આપવો ન્યાયોચિત પ્રતિત નથી થતો."

તમને આ પણ વાંચવું ગમશે

જજે કહ્યું કે કોર્ટ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોનું સન્માન કરે છે, પરંતુ કોર્ટનો મત તેનાથી ભિન્ન છે.

સરકારી પક્ષના વકીલે કોર્ટમાં સલમાનના જૂના મામલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "આરોપી પર પહેલાં પણ બે અન્ય કેસ હરણના શિકાર મામલે નોંધાયા હતા. જેમાં કોર્ટે તેમને દોષી ગણાવ્યા હતા. જેની અપીલમાં માનનીય હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવા મામલે માનનીય સુપ્રીમ કોર્ટમાં એસએલપી પણ થઈ છે અને તેના પર કેસ ચાલી રહ્યો છે. આરોપી પર એક અન્ય પ્રકરણ હિટ એન્ડ રનનો કેસ મુંબઈમાં થયો હતો અને આરોપીએ આ સુનાવણી થઈ રહેલ કેસમાં કૃષ્ણ મૃગોનો શિકાર મોજ-શોખ માટે કર્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો