માતાનો મૃતદેહ ત્રણ વર્ષ ફ્રિજમાં કેમ રાખ્યો?

  • અમિતાભ ભટ્ટાસાલી
  • બીબીસી સંવાદદાતા, કોલકાતાથી
ફ્રીઝર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન,

આઇસક્રીમ રાખવા માટે વપરાતા મોટા ફ્રીઝરમાં દીકરાએ માનો મૃતદેહ સંરક્ષિત કરીને રાખ્યો હતો

આજથી ત્રણ વર્ષ પહેલા 87 વર્ષની ઉંમરે તેમનાં માનું નિધન થઈ ગયું. તેઓ તેમનાં મૃતદેહને હૉસ્પિટલથી ઘરે લાવ્યા.

પરંતુ આ ઘટના બાદ કોઈને ખબર ન પડી કે તેમના માનાં મૃતદેહની દફનવિધિ કરવામાં આવી કે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ન તો તેમના પાડોશીઓને કંઈક ખોટું લાગ્યું, ન તો તેમને લાગ્યું કે એક વખત પૂછી લેવામાં આવે કે ખરેખર શું થયું છે.

અચાનક ગત બુધવારની અડધી રાત્રે પોલીસને એક ફોન આવ્યો. ફોનના આધારે તેમણે દક્ષિણ કોલકાતાના બેહાલા વિસ્તારના એક મધ્યમવર્ગીય વિસ્તારમાં બે માળની ઇમારતમાં દરોડા પાડ્યા.

તપાસમાં જે જાણવા મળ્યું, તે કોઈ વિચિત્ર વાર્તા જેવું હતું.

ઇમેજ સ્રોત, Mustaq Khan

દક્ષિણ કોલકાતાના ડીસીપી નિલાંજન બિસ્વાસે કહ્યું, "અમને અમારા સૂત્રો પાસેથી જાણકારી મળી કે આ ઇમારતમાં એક મૃતદેહ વર્ષોથી સુરક્ષિત રાખવામાં આવ્યો."

"જ્યારે અમે દરોડા પાડ્યા, તો અમને એક મોટા ફ્રિઝરની અંદર એક મહિલાનો મૃતદેહ મળ્યો. એ મૃતદેહનું કેમિકલની મદદથી સંરક્ષણ કરવામાં આવ્યું હતું."

તપાસમાં જાણવા મળ્યું કે આ મૃતદેહ બીના મજૂમદારનો હતો જેમનું મૃત્યુ એપ્રિલ 2015માં એક હૉસ્પિટલમાં થયું હતું. બીના મજૂમદરનાં મૃતદેહને તેમનાં દીકરા શુભબ્રત મજૂમદાર હૉસ્પિટલથી ઘરે લઇને આવ્યા હતા પરંતુ તેમણે મૃતદેહનાં અંતિમ સંસ્કાર ન કર્યા.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે એક મોટું ફ્રીઝર ખરીદ્યું અને કેમિકલનો ઉપયોગ કરીતેમનાં માનો મૃતદેહ તેમાં રાખી દીધો.

મૃતદેહ તેમાં રાખતા પહેલાં તેમણે શરીરને કાપીને તેમાંથી કાળજું અને આંતરડાં કાઢી લીધા અને પેટ પર ફરી ટાંકા લગાવી દીધા.

વૈજ્ઞાનિક ઢબે મૃતદેહનું સંરક્ષણ

ઇમેજ સ્રોત, Mustaq Khan

પોલીસે આ ઇમારતમાંથી કેટલીક બોટલ પણ જપ્ત કરી હતી, જેમાં માનવ શરીરના કેટલાક અંગ રાખવામાં આવ્યા હતા.

પ્રાચીન ઇજિપ્તમાં મનુષ્યના મૃતદેહને સંરક્ષિત કરવા માટે કેટલીક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હતો.

શુભબ્રતની પોલીસે ધરપકડ કરી છે. તેઓ જણાવે છે કે શુભબ્રત એક લેધર ટેકનિકના જાણકાર છે.

ફોરેન્સિક વિશેષજ્ઞોનું કહેવું છે કે કદાચ તેમણે પોતાના શિક્ષણકાળ દરમિયાન લેધરને સંરક્ષિત કરવાના ઉપાયો વિશે જાણ્યું હતું, અને હવે તેમણે એ જ જાણકારીનો ઉપયોગ કર્યો છે.

તપાસ દરમિયાન કથિત રૂપે શુભબ્રતે કહ્યું, "હું મારી માને ફરી જીવિત કરવા માગું છું જેમની સાથે મારો ગાઢ સંબંધ હતો."

પોલીસ અધિકારીએ જણાવ્યું, "તેમને લાગે છે કે જો તેઓ પોતાના માના મૃતદેહને સંરક્ષિત કરીને રાખી શકશે તો તેમનાં મા આ જ શરીર સાથે ફરી જીવિત થઈ જશે. અમે કેટલાક પુસ્તકો અને જર્નલ પણ ઝડપી પાડ્યા છે જેમાં મૃતદેહના સંરક્ષણ વિશે અને પુનર્જીવનના સિદ્ધાંતો વિશે જણાવવામાં આવ્યું છે."

શુભબ્રત ન માત્ર આ વાત પર વિશ્વાસ કરતા હતા, પણ તેમણે પોતાના 90 વર્ષીય પિતાને પણ ભરોસો અપાવ્યો કે આવું થવું શક્ય છે. તેમના પિતા તેમની સાથે એ જ ઘરમાં રહે છે.

પાડોશીઓ બીના મજૂમદારના મૃત્યુ વિશે જાણતા હતા પરંતુ તેમણે જણાવવામાં આવ્યું હતું કે તેમનાં મૃતદેહને મડદાં રાખવાની જગ્યાએ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે પણ આ વાત અંગે વધારે કોઈ તપાસ ન કરી.

શું મૃતદેહ સંરક્ષણનો ઉદ્દેશ પેન્શન હતું?

ઇમેજ સ્રોત, Getty Images

આ જ મામલે ઉદ્દેશ ચોંકવાનારૂં છે. શું ખરેખર શુભબ્રત પોતાનાં માને પુનર્જીવિત કરવા માગતા હતા કે તેની પાછળ બીજું કોઈ કારણ હતું?

પોલીસે આ મામલે આર્થિક ફાયદાની વાતથી ઇનકાર કર્યો નથી.

ડીસીપી બિસ્વાસ કહે છે, "શુભબ્રતના માતા પિતા ફૂડ કૉર્પોરેશનમાં કામ કરતા હતા અને સેવાનિવૃત્તિ બાદ તેમને પેન્શન મળી રહ્યું હતું. પરંતુ પેન્શનરના મૃત્યુ બાદ પેન્શન મળતું બંધ થઈ જાય છે."

"પરંતુ આ મામલે જાણવા મળ્યું કે મૃત્યુ બાદ પણ આટલા વર્ષો સુધી સતત પેન્શનની રકમ ઉપાડવામાં આવી રહી હતી. તેમના દીકરા પાસે ડેબિટ કાર્ડ છે અને તેઓ પોતાના માના મૃત્યુ બાદ પણ સતત તેમના પેન્શન ખાતાથી પૈસા કાઢતા રહ્યા છે."

તેઓ એક મૃત વ્યક્તિના અકાઉન્ટથી આટલા વર્ષો સુધી પૈસા કાઢતા રહ્યા એ વાત હાલ સ્પષ્ટ નથી.

શું તેમણે પોતાના માનું અકાઉન્ટ ચાલુ રાખવા માટે નકલી લાઇફ સર્ટિફિકેટ આપ્યા? શું તેમણે તેના માટે પોતાના માના અંગૂઠાના નિશાનનો ઉપયોગ કર્યો કે બીજા કોઈ કારણોસર મૃતદેહને સંરક્ષિત કરીને રાખ્યો? શું આ મામલે બૅન્ક પણ સામેલ છે?

ડીસીપી નિલાંજન બિસ્વાસ કહે છે, "આ વિશે હાલ વધારે જાણકારી નથી. અમે બૅન્કને સૂચિત કરી દીધી છે. તેમની પાસેથી સંપૂર્ણ જાણકારી મળ્યા બાદ જ અમે આ મામલે ટિપ્પણી કરી શકીશું."

તેઓ એક મૃત વ્યક્તિના અકાઉન્ટમાંથી આટલા વર્ષો સુધી પૈસા કેવી રીતે કાઢી રહ્યા હતા, તે વાત હાલ સ્પષ્ટ નથી.

રૉબિન્સન સ્ટ્રીટ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

થોડાં વર્ષો પહેલા સેન્ટ્રલ કોલકાતામાં આ જ પ્રકારની વધુ એક ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી.

એક પૂર્વ સૉફ્ટવેર એન્જિનીયર પાર્થ ડે તેમનાં મોટા બહેનનાં મૃતદેહ સાથે લગભગ છ મહિના સુધી રહ્યા હતા. આ ઘટનાને લોકો રૉબિન્સન સ્ટ્રીટ કેસ તરીકે પણ ઓળખે છે.

બેહાલા મામલાની વિપરિત પાર્થના બહેનનો મૃતદેહ વૈજ્ઞાનિક ઢબે સંરક્ષિત કરવામાં આવ્યો ન હતો અને તેણે સડીને હાડપિંજર બની ગયું હતું.

ત્યારબાદ પાર્થ ડે માનસિક રૂપે બીમાર થઈ ગયા હોવાની માહિતી મળી હતી. લાંબા સમય સુધી ઇલાજ બાદ તેઓ સામાન્ય બની ગયા હતા. જોકે, ગત વર્ષ અચાનક તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો