સલમાન ખાન જેલમાં ગયા તો કપિલ શર્માને શું થઈ ગયું?

કપિલ શર્મા Image copyright Getty Images

કાળિયારના શિકારના કેસમાં દોષિત સાબિત થયેલા બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને શુક્રવારે પણ જામીન મળી શક્યા નથી.

જોધપુરની સેશન્સ કોર્ટમાં કાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલે એ વાત તો નક્કી છે કે સલમાને શુક્રવારની રાત પણ જેલમાં જ વિતાવવાની રહેશે.

સલમાન ખાનના જેલ જવાથી સૌથી વધારે નુકસાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થશે કેમ કે તેમના પર ઇન્ડસ્ટ્રીનો કરોડો રૂપિયાનો દાવ લાગેલો છે.

પરંતુ આ બધી ઘટનાઓની વચ્ચે ટીવીના પ્રખ્યાત કૉમેડિયન કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કરી દીધું છે કે તેનાથી હોબાળો મચી ગયો છે.

Image copyright TWITTER

તેમણે સાંજે આશરે ચાર કલાકે એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા જેમાં સલમાન ખાનના વખાણ અને મીડિયા પર નિશાન તાક્યું હતું.

સાથે જ તેમણે ટ્વીટ કરતા ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. કપિલ શર્માએ ટ્વિટર પર લખ્યું, "*** **** ગઈ અહીંની સિસ્ટમ. સાલા ઘટિયા લોકો... જો હું વડાપ્રધાન હોત તો ફેક ન્યૂઝ બનાવતા લોકોને ફાંસીની સજા આપી દેતો... *** ઘટિયા."

તેમણે એવું પણ લખ્યું, "મેં ઘણા એવા મહારાજા ટાઇપ લોકોને જોયા છે કે જેઓ ગર્વથી કહે છે કે અમે સિંહનો શિકાર કર્યો છે... હું એવા લોકોને મળ્યો છું. સલમાન ઘણા લોકોની મદદ કરે છે.. તેઓ સારા વ્યક્તિ છે. મને ખબર નથી કે તેમણે આવું કંઈ કર્યું છે કે નહીં.. પરંતુ તેમના સારા કામ પણ તો જુઓ.. ઘટિયા સિસ્ટમ.. મને સારૂં કામ કરવા દો."

તમને આ પણ વાંચવું ગમશે

"મીડિયાને આગ્રહ છે.. તમારા સમાચાર વેચવા આ પ્રકારના નકારાત્મક સમાચાર ન બનાવો. તેઓ સારા વ્યક્તિ છે અને જલદી જેલની બહાર આવી જશે. આટલાં મોટા મોટા કૌભાંડ થયાં, ત્યારે તો તમે કંઈ ન બોલ્યા. કેટલા પૈસા લો છો નેગેટિવ ન્યૂઝ ફેલાવવા માટે. ***** પેઇડ મીડિયા."

"આ સમાચારના સૂત્રોના આધારે,.... તમે ***** જણાવતા કેમ નથી કે તમારા સૂત્રો કોણ છે."

આ બધા જ ટ્વીટ થોડાં સમય બાદ જ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

Image copyright TWITTER

જોકે, ગત વર્ષ પણ કપિલ માટે ઓછું વિવાદીત ન હતું. કો-એકટર સુનીલ ગ્રોવર સાથે તેમની લડાઈ અને કલર્સ ચેનલ સાથે તેમના મતભેદની ખૂબ ચર્ચા થઈ હતી.

આ સિવાય બીએમસી પર પાંચ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લગાવવા અને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'અચ્છે દિન' પર સવાલ ઉઠાવવાનો મામલો પણ સમાચારોમાં છવાયેલો હતો.

કપિલ પર ઘણી વખત એવા આરોપ પણ લાગ્યા છે કે તેઓ સેટ પર આવતા સ્ટાર્સને પણ લાંબો સમય રાહ જોવડાવે છે. હાલ કપિલ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા' નામના શોને હોસ્ટ કરી રહ્યા છે. આ શો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવીઝન પર પ્રસારિત થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો