છત્તીસગઢ પોલીસ શા માટે શોધી રહી છે 120 કબૂતર?

છત્તીસગઢના દુર્ગ જિલ્લાની પોલીસ કબૂતરોને શોધી રહી છે. શહેરના દરેક મહોલ્લામાં કબૂતરોની તપાસ કરવામાં આવી રહી છે. એ પણ એક-બે નહીં, પુરા 120 કબૂતરોની.
પોલીસનું કહેવું છે કે 'ખાસ કારણસર' કબૂતરોની તપાસ કરવામાં આવી રહી છે.
આ કબૂતરો સામાન્ય નહીં, પણ 'ચેમ્પિયન' કબૂતરો હોવાનો દાવો થઈ રહ્યો છે.
દુર્ગના કસારીડિહ વિસ્તારમાં રહેતા રથિન્દ્રનાથ માયતી કબૂતરબાજી કરે છે.
તેમની પાસે સેંકડો કબૂતર છે. અલગ-અલગ નસલનાં આ કબૂતરોની કિંમત લાખો રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રથિન્દ્રનાથ માયતીએ બીબીસીને જણાવ્યું હતું, "મારા ત્રણ માળના મકાનના ઉપરના હિસ્સામાં રાખવામાં આવેલાં 120 કબૂતર મંગળવારે ચોરાઈ ગયાં હતાં."
"કબૂતરબાજીની વિવિધ સ્પર્ધાઓમાં એમના મોટાભાગનાં કબૂતરોએ રાષ્ટ્રીય સ્તરે અનેક ચંદ્રક મેળવ્યા છે."
"એ કબૂતરો થાક્યા વિના કલાકો સુધી ઊડી શકે છે, જાતજાતના કરતબ દેખાડી શકે છે."
"તમે એમ સમજો કે હું બરબાદ થઈ ગયો છું."
તમને આ પણ વાંચવું ગમશે
- VIP અને સામાન્યજન માટે ન્યાયમાં ફરક કેટલો?
- દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના 'મોદીકેર' કામ કરશે?
- બકરી માટે વાઘ સામે લડી મહારાષ્ટ્રની ‘ચારણકન્યા’
રથિન્દ્રનાથ માયતીએ તેમના ઘરની આસપાસના વિસ્તારોમાં કબૂતરોની તપાસ કરી હતી, પણ કોઈ ભાળ ન મળતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દુર્ગ પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.
'મારાં કબૂતર પાછાં આવશે'
પદ્મનાભપુર પોલીસ ચોકીના પ્રભારી પ્રમોદ શ્રીવાસ્તવે કહ્યું હતું, "કબૂતર ક્યાં ગયાં એ તો તપાસનો વિષય છે, પણ છત્તીસગઢમાં આ પ્રકારની કદાચ આ પહેલી ચોરી હોવાનું હું સમજું છું."
"અમે આ ફરિયાદમાં ખાસ રસ લઈને કબૂતર તથા આરોપીઓને શોધી રહ્યાં છીએ."
રથિન્દ્રનાથ માયતીને શંકા છે કે આ વર્ષે મે-જુનમાં કબૂતરબાજીની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાવાની છે. તેમનાં 'ચેમ્પિયન' કબૂતરોને એ સ્પર્ધામાંથી દૂર રાખવા માટે ચોરી કરવામાં આવી છે.
હૈદરાબાદમાં રહેતા એક મોટા પોલીસ અધિકારીએ રથિન્દ્રનાથને લાખો રૂપિયાની કિંમતનાં 25 કબૂતર ભેટ આપ્યાં હતાં. એ પૈકીનાં 10 કબૂતર પણ ગાયબ થયાનો રથિન્દ્રનાથ માયતીને અફસોસ છે.
રથિન્દ્રનાથ માયતી દુર્ગ ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ તેમનાં કબૂતરો બાબતે તપાસ કરાવી રહ્યા છે.
રથિન્દ્રનાથ માયતીને ખાતરી છે કે તેમનાં કબૂતરોને માત્ર એક જ વાર મોકો મળશે એટલે ગમે ત્યાંથી તેમની પાસે પાછાં ફરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો