સલમાનની જામીન અરજીએ 'લાઇન' ઓળંગી હતી?

સલમાન ખાન જામીન મળ્યા બાદ મુંબઈમાં પોતાના ઘરની બહાર Image copyright SUJIT JAISWAL/Getty Images
ફોટો લાઈન સલમાન ખાને જામીન મળ્યા બાદ મુંબઈમાં પોતાના ઘરની બહાર ફેન્સનું અભિવાદન કર્યું હતું.

કાળિયારના શિકારના કેસમાં જોધપુરની સેશન્શ કોર્ટે પાંચ વર્ષના કારાવાસની સજા ગુરુવારે ફરમાવી પછી સલમાન ખાન જોધપુર જેલમાં ગયા, પણ તેમની જામીન અરજી પર શુક્રવારથી જ સુનાવણી શરૂ થઈ ગઈ હતી અને શનિવારે તેમને વચગાળાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા.

અલબત, સલમાન ખાનને જામીન પર મુક્ત કરવા માટેની કોર્ટની ઉતાવળને કારણે એવી ચર્ચા સર્જાઈ છે કે ન્યાય પ્રક્રિયામાં આવી ઝડપનો લાભ સામાન્ય લોકોને પણ મળે છે કે કેમ?


જજની મરજી પર હોય છે આધાર?

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આલોક કુમાર જણાવે છે કે દેશની તમામ અદાલતોમાં ઘણા કેસો અનિર્ણિત છે અને તેમાં જામીન અરજીઓનો પણ સમાવેશ થાય છે એ વાત સાચી છે.

એક વકીલ તરીકે કહું તો આ અસમાનતા પાછળનાં કેટલાંક કારણો છે, જે કાયદાકીય રીતે યોગ્ય છે.

આલોક કુમારના જણાવ્યા મુજબ, હોશિયાર વકીલ હોય તો કેસની સુનાવણી પહેલાં જ જામીનની અરજીના કાગળ તૈયાર રાખે છે.

સજા થાય તો તરત અરજી દાખલ કરી દેતા હોય છે, પણ સામાન્ય રીતે વકીલો સુનાવણીની રાહ જોતા હોય છે અને ચુકાદાને વાંચીને જ જામીન અરજી કરવા વિચારતા હોય છે.

આલોક કુમારે કહ્યું હતું, "ચુકાદો જાહેર કર્યાના દિવસે, તેના પછીના દિવસે કે એક સપ્તાહ પછી જામીન અરજી સાંભળવાની સત્તા જજને છે કે કેમ, એ સવાલનો જવાબ છેઃ હા."

"ક્યારેક આ વિશેષાધિકારનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યારેક કરવામાં આવતો નથી."

તમને આ વાંચવું પણ ગમશે:

આલોક કુમારની આ વાત અલાહાબાદ હાઈ કોર્ટમાં ચાલેલા અમરાવતી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર (2004) કેસના ચુકાદાના સંદર્ભમાં સાચી છે.

એ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે હાઈ કોર્ટે સામાન્ય રીતે લૉઅર કોર્ટને એવો આદેશ ન આપવો જોઈએ કે તે જામીન અરજી વિશે એ જ દિવસે નિર્ણય કરે, કારણ કે એ આદેશ કોર્ટના ન્યાયિક વિશેષાધિકારમાં દખલ ગણાશે.

સીઆરપીસીની કલમ ક્રમાંક 437 અને 439 મુજબ, અરજી દાખલ કરવામાં આવ્યાના દિવસે જ જામીન આપવા એ મેજિસ્ટ્રેટનો વિશેષાધિકાર છે અને તેઓ એ જ દિવસે નિર્ણય કરવા ન ઈચ્છતા હોય તો તેનું લેખિત કારણ રેકોર્ડમાં રાખે.


જજોને શા માટે હોય છે 'એસીઆર'ની ચિંતા?

Image copyright Getty Images

એક રસપ્રદ વાત જણાવતાં આલોક કુમારે કહ્યું હતું, "જિલ્લા કોર્ટ કોઈ કેસમાં જામીન અરજીની સુનાવણીનો ઘણીવાર એટલે ઇન્કાર કરતી હોય છે કે હાઈ કોર્ટ તેમના આદેશને ઉલટાવશે તો તેમનો એન્યુઅલ કોન્ફિડેન્શલ રિપોર્ટ (એસીઆર) ખરાબ થઈ જશે."

"એસીઆર એક વાર્ષિક રિપોર્ટ હોય છે અને તેનો પ્રભાવ જજોની બઢતી પર પડતો હોય છે."

આલોક કુમારના જણાવ્યા અનુસાર, જામીન અરજીઓની સુનાવણી સંબંધે સુપ્રીમ કોર્ટમાં પણ અસમાનતા છે.

એક જ પ્રકારના એક કેસમાં કોઈને ચાર વર્ષ સુધી જામીન ન મળ્યા હોય અને કોઈને ચાર મહિનામાં જામીન મળી ગયા હોય એવું ઘણીવાર જોવા મળ્યું છે.

આલોક કુમારે કહ્યું હતું, "જિલ્લા કોર્ટના કે હાઈ કોર્ટના જજે કોઈ ગરીબ કે સાધનવિહીન વ્યક્તિઓના કેસમાં અગ્રતા આપી હોય તેવા ઉદાહરણો પણ છે."

"એવું પણ થયું છે કે કોઈ વરિષ્ઠ વકીલે કરેલી જામીન અરજીની સુનાવણી જલદી થઈ હોય અને જુનિયર વકીલ કહેવામાં આવ્યું હોય કે આવા હજ્જારો કેસ પહેલાંથી જ કોર્ટ પાસે છે."


સામાન્ય લોકો માટે કેવો હોય છે ન્યાય?

Image copyright Getty Images

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ માને છે કે સલમાન ખાનના કેસમાં પ્રક્રિયાથી અલગ કશું થઈ રહ્યું નથી. જામીન અરજીની સુનાવણી જલદી જ થવી જોઈએ.

પ્રશાંત ભૂષણે કહ્યું હતું, "વાસ્તવમાં કોઈ પણ જામીન અરજીની સુનાવણી જલદી થવી જોઈએ, પણ ગરીબ અને હાંસિયા પરના લોકોના કિસ્સામાં એવું થતું ન હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે."

"આપણી સીસ્ટમ જ આવી બની ગઈ છે. વીઆઈપી લોકો પાસે મોટા વકીલો હોય છે, પૈસા હોય છે, પ્રભાવ હોય છે. તેથી તેમના માટે ન્યાય સુલભ હોય છે."

વીઆઈપી લોકોના કેસ સંબંધે સુપ્રીમ કોર્ટે કરેલી બે ટિપ્પણી ન્યાય પ્રક્રિયા બાબતે ઘણા અંશે સ્પષ્ટતા કરે છે.

સુપ્રીમ કોર્ટના જજ બી. એસ. ચૌહાણે 2013માં કહ્યું હતું કે વીઆઈપી લોકોના વકીલો કોર્ટનો વધુ સમય લેતા હોવાથી સામાન્ય લોકોના કેસ માટે સમય ઓછો બચે છે.

જસ્ટિસ ચૌહાણ અને જસ્ટિસ એ.એસ. બોબડે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પોલીસ અધિકારી પી. પી. પાંડેની અરજીની સુનાવણી કરી રહ્યા હતા.

જસ્ટિસ ચૌહાણે કહ્યું હતું, "સામાન્ય નાગરિકોને અમારો બહુ ઓછો સમય મળે છે એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. આ કમનસીબ પરિસ્થિતિ છે."

"અમે આગોતરા જામીન અને સમન્સ ઇસ્યુ કરવાના મામલાઓની કાર્યવાહી ચલાવી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટની હાલત ટ્રાયલ કોર્ટ જેવી થઈ ગઈ છે."

વીઆઈપી કેસો સંબંધે સુપ્રીમ કોર્ટે 2014માં પણ ટિપ્પણી કરી હતી.

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાના જામીન સ્વાસ્થ્યના કારણોસર લંબાવવાની અરજી સંબંધે કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી.

એચ.એલ. દત્તુ અને એસ.જે. મુખોપાધ્યાયની ખંડપીઠે કહ્યું હતું, "કોઈ મોટી વ્યક્તિ દોષી સાબિત થાય કે તરત જ એ હોસ્પિટલમાં જવા ઇચ્છતો હોય છે. તેને પ્રોત્સાહન આપીશું તો સિસ્ટમ ફેઈલ થઈ જશે."


'જજ પર પણ હોય છે દબાણ'

Image copyright Getty Images

વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું હતું, "સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી કોર્ટ જલદી કરી રહી છે એ સામાન્ય બાબત છે. એ કોર્ટનો વિશેષાધિકાર છે."

"ઘણીવાર જજ પર પણ એક પ્રકારનું દબાણ હોય છે. જે કેસમાં મીડિયા તથા લોકોને વધારે રસ હોય તેનું નિરાકરણ જલદી કરવાનું જજ વિચારતા હોય છે."

જસ્ટિસ માર્કંડેય કાત્જુ અને જસ્ટિસ દીપક વર્માની ખંડપીઠે વચગાળાના જામીન બાબતે 2009માં સ્પષ્ટ કર્યું હતું કે "કોઈ વ્યક્તિ જામીન અરજી કરે તો કોર્ટ સામાન્ય રીતે એ સંબધી સુનાવણી થોડા દિવસ પછી કરતી હોય છે, જેથી કોર્ટ પોલીસની કેસ ડાયરી જોઈ શકે. ત્યાં સુધી અરજદારે જેલમાં રહેવું પડે છે."

અરજદારને પછી જામીન મળી જાય એવું શક્ય છે, પણ ત્યાં સુધીમાં સમાજમાં તેના માન-સન્માનમાં નુકસાન થઈ ચૂક્યું હોય છે.

દરેક વ્યક્તિ માટે તેનું સન્માન બહુ કિંમતી હોય છે અને બંધારણની કલમ ક્રમાંક 21 અનુસાર વ્યક્તિને તેનો અધિકાર પણ છે.

વચગાળાના જામીન આપવા કે નહીં તે કોર્ટ પર નિર્ભર હોય છે, પણ તેની પાસે વિશેષાધિકાર તો હોય જ છે.

જામીનના મામલામાં કોર્ટ પાસે વિશેષાધિકાર છે એ તો સ્પષ્ટ છે, પણ વરિષ્ઠ વકીલો સાથેની વાતચીતના આધારે એ વાતનો પણ ઇન્કાર ન કરી શકાય કે એ વિશેષાધિકારના ઉપયોગમાં અસમાનતા પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ