#BBCShe : 'રસ્તે પડેલા કૂતરાની લાશ જોઈ નશો કરવાનું છોડી દીધું'

તુષાર નટુની તસવીર

"હું મારા બાળકની સામે બ્રાઉન સુગર લેતો હતો. એટલું જ નહીં, એના નામે મેં ભીખ પણ માગી છે."

એ દિવસોને યાદ કરતાં ક્યારેક નશાના બંધાણી રહેલા તુષાર નાટુના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય છે.

18 વર્ષની ઉંમરેથી જ તેમણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લગભગ તમામ પ્રકારના નશા કર્યા છે.

"એક વખત કંટાળીને મારી માએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મારી પત્નીએ મારા વિરુદ્ધ કરેલી ફરિયાદને લીધે મારે જેલમાં પણ જવું પડ્યું હતું."

તુષાર માનસિક સારવાર કેન્દ્ર અને નશા મુક્તિ કેન્દ્રમાં પણ રહી ચૂક્યા છે. જોકે, દર વખતે નશો વધુ તીવ્રતા સાથે તેમના પર ત્રાટકતો હતો.

"પણ, મારા અહંમને લીધે હું નશો કર્યા વગર રહી નહોતો શકતો."

એક યુવાન સામાજીક કાર્યકરે અમને તુષારની વાત કરી. જે બાદ અમે તેમને નાગપુરના નશા મુક્તિ કેન્દ્રમાં જઈને મળ્યાં.

BBCShe સાથેની ચર્ચા દરમિયાન તેમણે સૂચવ્યું કે મીડિયાએ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે, અમને જે જોવા મળ્યું એ ખૂબ જ ચોંકાવનારું હતું.


'ઉડતા' મહારાષ્ટ્ર?

પંજાબને લાગેલી ડ્રગ્સની લતની દેશ આખામાં ભારે ચર્ચા થાય છે.

પંજાબની સ્થિતિ પર બનેલી બોલિવૂડની ફિલ્મમાં પણ આ વાત ઉજાગર કરી હતી.

પણ, મહારાષ્ટ્રમાં ડ્રગ્સની લતે ચડેલા લોકોની સંખ્યા ચોંકાવનારી છે.

હકીકત તો એ છે કે મહારાષ્ટ્રમાં ડ્રગ્સને કારણે કરેલા આપઘાતની સંખ્યા બહુ જ મોટી છે.

વર્ષ 2014માં ભારતમાં નશાના કારણે આપઘાતના 3,647 કિસ્સા નોંધાયા હતા. જેમાંથી એકલા મહારાષ્ટ્રમાં જ 1,372 આપઘાત થયા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : 'મેં મારા બાળકના નામે ભીખ પણ માગી છે'

જ્યારે તામિલનાડુમાં 552 અને કેરળમાં 475 મોત નિપજ્યા હતા. નશા માટે સૌથી બદનામ પંજાબમાં આ સંખ્યા 38ની હતી.

'નૅશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરો' (NCRB) દ્વારા આ ડેટા મેળવાયા છે. જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિજય સાંપલા દ્વારા ગત વર્ષે રાજ્યસભામાં રજૂ કરાયા હતા.

એનો અર્થ એવો થયો કે દેશમાં નશાને કારણે નોંધાયેલા કુલ આપઘાતના કિસ્સામાંથી 37 ટકા કિસ્સા એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે.

સામાજિક કાર્યકરો અને કાઉન્સિલરોને જાણવા મળ્યું છે કે હશીશ, ભાંગ, અફિણ, બ્રાઉન સુગર, ટર્પેન્ટાઇન, વ્હાઇટનર તો ઠીક પણ નેઇલ પૉલિશ અને પેટ્રોલથી પણ લોકો નશો કરે છે.

આમાંથી કેટલાય પદાર્શો ઍલ્કૉહોલની જેમ ગંધ નથી ધરાવતા. એટલે વ્યસનીએ કયો નશો કર્યો છે એ સરળતાથી જાણી શકાતું નથી.


મહિલાઓ અને નશો

મહિલામાં નશાની લતનું પ્રમાણ જાણવું અઘરું છે. કારણ કે વ્યસની મહિલાઓની સંખ્યા મોટા ભાગે નોંધી શકાતી નથી.

મહારાષ્ટ્રના એક મોટા નશા મુક્તિ કેન્દ્ર, મુક્તાંગણના ડિરેક્ટર મુક્તા પન્ટામ્બેકરે આ મુદ્દો ઉઠાવ્યો છે, "નશો કરવો મહિલાઓ માટે લાંછન ગણવામાં આવે છે.

"લોકો એ વાત છૂપાવે છે અને આવી મહિલાઓને ડૉક્ટર્સ પાસે નથી લઈ જતા."

ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર ડૉ. સ્વાતિ ધર્માધિકારી ઉમેરે છે, ''આવા કિસ્સાઓમાં પુરુષોની માફક મહિલાઓને યોગ્ય સારવાર નથી મળતી.

''મહિલાઓ માટે બહુ ઓછા નશા મુક્તિ કેન્દ્રો છે અને સરળતાથી તેઓનું શોષણ કરી શકાય છે.''

મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ નશા મુક્તિ કેન્દ્રો છે. દેશના કુલ 435 કેન્દ્રોમાંથી 69 એકલા મહારાષ્ટ્રમાં છે. જોકે, આમાંથી એકાદ જ મહિલાઓ માટે હશે.

મુક્તાંગણના રિજનલ કૉર્ડિનેટર સંજય ભગત પૂછે છે, ''જો કોઈ સામાજિક કાર્યકરને વ્યસની મહિલાની જાણ પણ થાય તો એ એને ક્યાં લઈ જાય?''

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આ માર્કેટમાંથી ટ્રેનને પસાર થતી જોવા દેશવિદેશથી પર્યટકો અહીં આવે છે

તાલીમ પામેલી મહિલાઓની પણ અછત હોવાને કારણે માત્ર મહિલાઓ માટેના જ નશા મુક્તિ કેન્દ્રો ચલાવવા પણ કાઠું કામ છે.

વર્ષ 2009માં મુક્તાંગણે 'નિશિગંધ' નામે 15 મહિલાઓ રહી શકે એવો ખાસ વિભાગ શરૂ કર્યો હતો.

આ વિભાગમાં કામ કરતો સ્ટાફ પણ મહિલાઓનો જ છે. અહીં મહિલાઓને તાલીમ પણ આપવામાં આવે છે.

જેથી નશાાંથી મુક્તિ મેળવનારી મહિલાઓ માટે અહીં જ નોકરી તક પણ ઊભી કરી શકાય છે.

જોકે, આ મામલે સૌથી મોટી સમસ્યા મહિલા સંબંધિત ડેટાની છે.


'હિમશિલાની ટોચ'

આ મામલે વર્ષ 2001 બાદ કોઈ રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ નથી ધરાયો.

વર્ષ 2016માં કેન્દ્ર સરકારે 'નૅશનલ સર્વે ઑન ઍક્સટન્ટ, પૅટર્ન અને ટ્રૅન્ડ્સ ઑફ ડ્રગ્સ ઍબ્યુઝ' હાથ ધર્યો હતો.

જેમાં 29 રાજ્ય અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોનો અભ્યાસ કરાયો હતો.

આ સર્વેમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરને પણ આવરી લેવાયાં હતાં. આ અંગેનો રિપોર્ટ આ વર્ષે ઑક્ટોબર મહિનામાં આવે એવું મનાઈ રહ્યું છે.

ભગત આ અંગે જણાવે છે, "અમે આ મામલે અત્યાર સુધી કરેલું અવલોકન ચોંકાવનારું છે.

"કારણ કે જે આંકડા મળે છે હિમશિલાની ટોચ માત્ર છે. વ્યસનીઓની સંખ્યા વધી રહી છે અને એમાં સરેરાશ ઉંમર ઘટી રહી છે."


નવી જિંદગી

નાગપુરમાં કારખાના અને ખાલી શેરીઓ વચ્ચે 'મૈત્રી નશા મુક્તિ કેન્દ્ર' આવેલું છે.

એના આંગણમાં પાળતું પ્રાણીઓ અને પક્ષીઓનો કલરવ ગુંજે છે.

જ્યારે મકાનની અંદર લગભગ 115 જેટલા વ્યસનીઓ(એમને અહીં 'મિત્ર' તરીકે ઓળખવામાં આવે છે.) યોગા કરી રહ્યાં છે.

તુષાર નાટુ અહીં જ કાઉન્સેલર તરીકે કામ કરે છે, ''મેં રસ્તા પર મરેલું કૂતરું જોયું અને મને થયું કે મારી હાલત પણ આવી જ થઈ શકે એમ છે.

''બસ ત્યારથી મેં નશો છોડી દીધો. એ વાતને આજે 14 વર્ષ થઈ ગયાં.''

તુષારના જીવનમાં શાંતિ પરત ફરી છે. એનો પુત્ર હવે કોલેજમાં અભ્યાસ કરવા લાગ્યો છે.

તુષારે પોતાના અનુભવો પર એક પુસ્તક પણ લખ્યું છે.

તુષાર 'મૈત્રી'ના સ્થાપક અને એક સમયે નશાના વ્યસની રવિ પાયધેની જેમ લોકોને નશાથી મુક્ત થવામાં મદદ કરે છે.

રવિ કહે છે, ''ઉજવણીની આપણી રીત બદલાઈ ગઈ છે. લોકો પ્રસંગોપાત્ત દારૂ પી લે છે કે ધૂમ્રપાન કરી લે છે અને એમ જ તેમને લત્ત લાગી જાય છે. ''

'મૈત્રી'માં જ અમારી મુલાકાત યશ(બદલાવેલું નામ) સાથે થઈ. જેણે 12 વર્ષ સુધી નશાની આદતથી મુક્તિ મેળવવા સંઘર્ષ કર્યો હતો.''

યશ જણાવે છે, ''મેં મારા શરીરને ભારે નુકસાન કર્યું છે. હું ડાન્સ કરતો હતો. રાષ્ટ્રીય સ્તરે કરાટે રમી ચૂક્યો છું. પણ હવે મારાથી આવું કંઈ જ થતું નથી.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો