Top News : રક્ષામંત્રાલની વેબસાઇટ પર ચાઇનીઝ લખાણ પોસ્ટ

હેકિંગની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'સંદેશ' દૈનિકના અહેવાલ અનુસાર દેશની સરકારી વેબસાઇટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવી હતી.

હેકર્સે રક્ષામંત્રાલયની વેબસાઇટ હેક કરી હતી. તેના હોમપેજ પર ચાઇનીઝ ભાષામાં લખાણ પોસ્ટ કરવામાં આવ્યું હતું.

વળી રક્ષામંત્રાલયની વેબસાઇટ હેક થયા બાદ ગૃહમંત્રાલયની વેબસાઇટ પણ સ્લો-ડાઉન થઈ ગઈ હતી.

જોકે, ગૃહમંત્રાલયની વેબસાઇટ સાથે પણ હેકિંગ થયું છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ.

રક્ષામંત્રી નિર્મલા સીતારામને આ મામલે ટ્વીટ કરતાં સમગ્ર જાણકારી મળી હતી.

આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ક્યા જૂથે હેકિંગ કર્યુ છે તે હજુ જાણી શકાયું નથી.

'હેક નથી થઈ, હાર્ડવેરમાં ખામી છે'

દરમિયાન 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બીજી તરફ ભારતના સાયબર સુરક્ષા ચીફ ગુલશન રાયે શુક્રવારના રોજ સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે સરકારી વેબસાઇટ્સ હાર્ડવેરમાં ખામી થતાં સ્લો-ડાઉન થઈ હતી.

તેમણે સાયબર એટેકના રિપોર્ટનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું, "સરકારી વેબસાઇટ પર કોઈ પણ પ્રકારનું હેકિંગ નથી કરવામાં આવ્યું. કે ન કોઈ સાયબર એટેક કરાયો છે."

"હાર્ડવેરની ખામીને લીધે દસ જેટલી વેબસાઇટને અસર થઈ હતી. ડ્રુપલ નામના 'કોન્ટેન્ટ'થી વેબસાઇટને અસર થાય છે. ટૂંક સમયમાં વેબસાઇટ રિસ્ટોર કરી દેવાશે."

'મોદી વટવૃક્ષ તેમની સામે બધા ધરાશાયી'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'દિવ્યભાસ્કર' દૈનિકમાં પ્રકાશિત અહેવાલ મુજબ શુક્રવારે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પક્ષના અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં એક જનસભાને સંબોધન કર્યું હતું.

સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પૂર સાથે કરતા કહ્યું કે તેમની આગળ બધા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પૂર આવે છે, ત્યારે બધાં વૃક્ષો તૂટી પડે છે અને એક વટવૃક્ષ બચે છે.

આ વૃક્ષ પર જ નોળિયો, સાપ, બિલાડી અને કૂતરાં બધા ચઢી જાય છે. આ રીતે મોદીના પૂરમાં બધા સાથે આવી ગયા છે.

અમારો પક્ષ દસ માણસોથી શરૂ થયો હતો આજે ભાજપમાં 11 કરોડ સભ્ય છે.

ગુજરાત : ફી નિર્ધારણ સમિતિએ જાહેર કરેલી ફી અંગે વાલીઓ અસંતુષ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ગુજરાત સમાચાર' દૈનિકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં ફી નિર્ધારણ કાયદા હેઠળ ફી સમિતિએ 169 સ્કૂલોની હંગામી ધોરણે ફી નક્કી કરી છે. સ્કૂલોની ફીમાં 5થી 55 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ફી સમિતિએ પ્રસ્તાવિત ફીને લીલીઝંડી પણ આપી દીધી છે. જાહેર થયેલી ફીમાં જોવા મળ્યું છે કે સ્કૂલોએ બેફામ ફી માંગી છે.

સમિતિએ વર્ષ 2017-2018માં અમદાવાદ ઝોનમાં દરખાસ્ત કરનારી સ્કૂલોમાંથી બાકી રહેલી 169 સ્કૂલોની હંગામી ફી વધારા ઘટાડા સાથે મંજૂર કરી છે.

જાણીતી સ્કૂલોમાં એક સ્કૂલ એવી છે જેણે માત્ર ધો.1માં શિક્ષણ આપવા માટે 1.15 લાખ રૂપિયા ફી માંગી હતી. જોકે, એટલી ફી મંજૂર નથી કરવામાં આવી.

સર્વાધિક 88 હજાર રૂપિયા ફી મંજૂર કરવામાં આવી છે. જ્યારે 28 હજાર સૌથી ઓછી ફી રહી છે.

જાહેર થયેલી ફી મામલે વાલીઓને વિરોધ છે. વાલીઓ અનુસાર ફીનું ધોરણ ઘણું જ ઊંચું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો