Top News: જસ્ટિસ ચેલમેશ્વરએ કહ્યું, 'રંજન ગોગોઈને ચીફ જસ્ટિસ નહીં બનાવાય તો અમારી ચિંતા સાચી પુરવાર થશે

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright Getty Images

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટની કામગીરી પર સવાલ સર્જ્યો છે. તેમણે ખાસ કરીને સુપ્રીમ કોર્ટના 'ચીફ જસ્ટિસ' દ્વારા કરવામાં આવતી કામની ફાળવણી અંગે સવાલ ઊભા કર્યા હતા.

અહેવાલ અનુસાર ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે કહ્યું કે જો ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને મુખ્ય ન્યાયમૂર્તિ નહીં બનાવવામાં આવે, તો સુપ્રીમના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ દ્વારા કોર્ટની કામગીરી અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ સાચી પુરવાર ઠરશે.

તેમણે કહ્યું કે ત્રણ મહિના પૂર્વે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદની બાબતને કારણે રંજન ગોગોઈને 'ચીફ જસ્ટિસ' નહીં બનાવવામાં આવે, તો કામગીરી અંગે અમારા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા સાચી પુરવાર થશે.


'મને આશા છે કે આવું નહીં થશે'

'હાવર્ડ ક્લબ ઓફ ઇન્ડિયા' દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મને આશા છે કે આવું નહીં થાય."

અત્રે નોંધવું રહ્યું કે 12 જાન્યુઆરીના રોજ ન્યાયમૂર્તિ ચેલમેશ્વર અને ન્યાયમૂર્તિ ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર તથા જસ્ટિસ કુરિયન જોસેફે પત્રકાર પરિષદમાં એક પત્ર જાહેર કર્યો હતો.

આ પત્રમાં તેમણે સુપ્રીમ કોર્ટની કામગીરી પર સવાલ સર્જ્યા હતા. તેમાં ખાસ કરીને ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસની વહેંચણીની બાબત મુખ્ય હતી.

વળી ન્યાયમૂર્તિ ચેલમેશ્વર જૂન મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી ન્યાયમૂર્તિ ગોગોઈ ચીફ જસ્ટિસ બનવા માટે સૌથી વરિષ્ઠ જજ છે.


IITsમાં મહિલાઓ માટે વધારાની વિશેષ 779 બેઠકો

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર દેશની તમામ આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્વોલૉજી) નવા શૈક્ષણિક સત્રથી માત્ર વિદ્યાર્થિનીઓ માટે વધારાની 779 બેઠકો ઓફર કરશે.

ઇજનેરીમાં સ્ત્રી-પુરુષનો રેશિયો સુધારવા માટે આ વધારાની બેઠકો ફાળવવામાં આવશે.

ગત વર્ષે આઈઆઈટીમાં પ્રવેશ લેનારી વિદ્યાર્થિનીઓ કરતા આ બેઠકો બે ગણી છે.

કુલ 779 બેઠકોમાંથી સર્વાધિક 113 બેઠક આઈઆઈટી-ખડગપુર તરફથી ઓફર કરવામાં આવશે.

જ્યારે આઈઆઈટી ધનબાદ, કાનપુર, બીએચયુ, રુરકી, દિલ્હી, બોમ્બે, ગુવાહાટી તરફથી અનુક્રમે વધારાની 95, 79, 76, 68, 59, 58, 57 વિદ્યાર્થિનીઓ માટે 'એક્સક્લૂસિવ' બેઠકોની જોગવાઈ કરવામાં આવશે.


ઇજનેરીમાં 80,000 જેટલી બેઠકો ઘટશે

બીજી તરફ 'ટાઇન્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર આ વર્ષે ઇજનેરીમાં 80,000 જેટલી બેઠકો ઓછી હશે.

જેનો અર્થ કે ચારથી ઓછા વર્ષના ગાળામાં 3.1 લાખ જેટલી બેઠકોનો ઘટાડો નોંધાશે.

ખરેખર વર્ષ 2012-13થી 'એનરોલમેન્ટ'માં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઘટાડો ઘટીને 1.86 લાખ બેઠકોને સ્પર્શી ગયો છે.

ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન અનુસાર નીચા ધારાધોરણોવાળી 200થી વધુ કોલેજોએ કોર્સ બંધ કરવા માટેની અરજી કરી છે.

આ કોલેજોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 20 ટકાથી પણ ઓછું 'એનરોલમેન્ટ' થઈ રહ્યું છે. આથી વર્ષ 2014-15થી કોલેજો બેઠક ક્ષમતામાં ઘટાડો કરી રહી છે.


ફેસબુકની આ નીતિથી ભારતની ચૂંટણી પર અસર થશે?

Image copyright Getty Images

'સીએનબીસી'ના અહેવાલ અનુસાર ટૂંક સમયમાં ફેસબુક પર રાજકીય જાહેરખબરો આપવા માટે ઓળખની ખરાઈ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવશે.

ફેસબુક ભવિષ્યમાં કોણ આવી જાહેરખબરો ખરીદી શકશે તે અને તેને ખરીદનારની ઓળખ અને લોકેશનનું ઑથરાઇઝેશન ફરજિયાત બનાવશે.

વળી મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા પેજના મેનેજરે પણ આજ પ્રકારની ઑથરાઇઝેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, "આ પગલાથી સિસ્ટમમાં છેડખાની કરતા તમામ લોકોને રોકી નહીં શકાશે.

"પણ 2016ની ચૂંટણીમાં રશિયન ફેક એકાઉન્ટ્સ અને પેજ દ્વારા જે દખલગીરી કરવામાં આવી હતી એવી બાબત પર નિયંત્રણ આવશે.

"ચૂંટણીઓમાં આ પ્રકારની દખલગીરી સૌથી મૌટી સમસ્યાઓમાંની એક છે. આથી અમે ઑનિસ્ટ એડ્ઝ એક્ટના સમર્થન છીએ.

"આનાથી તમામ રાજકીય જાહેરખબરોનું ધોરણ ઊંચું આવી જશે."

ફેસબુક આવી જાહેરાત પર તેને કોના દ્વારા આપવામાં આવી છે તેનું લેબલ પણ લગાવશે.

વળી આવી જાહેરાતોનો ડેટા પણ જાહેર કરશે. કેનેડામાં આ પ્રોજેક્ટ કામચલાઉ ધોરણે લાગુ કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ હવે તેને વૈશ્વિક સ્તરે લાગુ કરવાની હિલચાલ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો