ગ્રાઉન્ડ રિપોર્ટઃ મેરઠમાં બનેલા 'દલિતોના હિટ લિસ્ટ'નું પૂર્ણ સત્ય

  • પ્રશાંત ચાહલ
  • બીબીસી સંવાદદાતા, શોભાપુર ગામ (મેરઠ)થી
ગોપી પારિયા

ઇમેજ સ્રોત, PRASHANT PARIYA

ઇમેજ કૅપ્શન,

ગોપી પારિયાના માતા પિતા પાસે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવેલા લોકોમાંથી દરેક બીજી વ્યક્તિએ કહ્યું હતું કે સમાજને કામ લાગતા આવા બાળકો ઓછા હોય છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનાં શોભાપુર ગામમાં એક કથિત હિટ લિસ્ટ જાહેર થયાની વાત સામે આવી હતી.

જે દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી, તેમનાં અસ્થિ શનિવારે સાંજે ગંગામાં વિસર્જિત કરી દેવાયાં.

ભારત બંધમાં ઉત્સાહભેર ભાગ લેનારા દલિત યુવકોને સજા આપવા માટે એક કથિત હિટ લિસ્ટ તૈયાર કર્યાના સમાચાર આવ્યા હતા.

લગભગ સૂમસામ પડેલાં શોભાપુર ગામમાં પીએસી (પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યૂલરી)ના ભૂરા રંગની એક ટ્રક હાલ 'ગોપી ભૈયા'નાં ઘરની ઓળખ કરાવી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગોપી પારિયા કે જેઓ ગામના દલિતો માટે પ્રેમથી ગોપી ભૈયા તરીકે ઓળખાતા હતા.

આરોપ છે કે તેમની શોભાપુર ગામના જ ગુર્જરોએ બુધવારે ગોળી મારી હત્યા કરી નાખી હતી.

નેશનલ હાઈવે નંબર 58 પર મેરઠ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અંતર્ગત આવતું શોભાપુર દલિત વસતી ધરાવતું ગામ છે.

પરંતુ આ ઘટના બાદ દલિત સમાજમાં જેટલો ગુસ્સો છે, તેનાથી ખૂબ વધારે ડરનો માહોલ ફેલાયેલો છે.

હવે થોડા ફ્લેશબેકમાં જઈએ

ગામના કેટલાક લોકો કહે છે કે આ સમગ્ર મામલો જૂની દુશ્મનીનો છે. દલિત ગોપી પારિયાએ ત્રણ વર્ષ પહેલાં હોળીના દિવસે ગુર્જર સમાજના મનોજ અને ગુલવીર ગુર્જરનું માથું ફોડી નાખ્યું હતું.

આ મામલે કેસ થયો ન હતો અને ગામની પંચાયતે મામલાને સંભાળી લીધો હતો. ગોપીની હત્યા માટે ગ્રામજનોને એ ઘટના એક સામાન્ય કારણ લાગે છે.

મોટાભાગના ગ્રામજનો માને છે કે આવા ઝઘડા તો વારંવાર થતા રહે છે, પરંતુ આ ઘટના પહેલાં જાતિય હિંસાનો રંગ ક્યારેય જોવા મળ્યો નથી.

ગામમાં દલિત વિસ્તારના બધા જ રસ્તાઓ પર પોલીસ ચોકી પહેરો કરી રહી છે.

એક શખ્સને અમે પૂછ્યું કે શું આ દલિતોની સુરક્ષા માટે છે? તો તેમનો જવાબ હતો, "જાટવોમાં ખૂબ ગુસ્સો છે, તેઓ સવર્ણો પર હુમલો ન કરી દે, એ માટે પોલીસ અહીં છે. તેઓ અમને, તેમને સુરક્ષા આપી રહ્યા છે."

ભારત બંધ દરમિયાન શું થયું?

સોમવાર, 2 એપ્રિલના રોજ જ્યારે દલિતોના દેશવ્યાપી ભારત બંધનું આયોજન થયું તો એનએચ-58 પર શોભાપુર ગામની નજીક 25-30 યુવાનો (પોલીસના જણાવ્યા અનુસાર) પ્રદર્શન કરી રહ્યા હતા.

ગોપીએ તેમનું નેતૃત્વ કર્યું હતું. ગોપી અને તેમના પિતા તારાચંદ પારિયા બહુજન સમાજ પાર્ટીના સક્રીય કાર્યકર્તા રહી ચૂક્યા છે.

તારાચંદ બસપાની ટિકિટ પર બે વખત મંત્રી પદ માટે ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, "ભારત બંધ દરમિયાન પ્રદર્શન એકદમ શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું. પરંતુ પોલીસે જાતિ-સૂચક શબ્દોનો ઉપયોગ કરતા લાઠીચાર્જ કર્યો હતો."

ત્યારબાદ હિંસા ભડકી. યૂપી રોડવેઝની બસો સળગાવી દેવામાં આવી. શોભાપુરની પોલીસ ચોકી સળગાવી દેવાઈ. કેટલાંક વાહન તોડી નાખવામાં આવ્યાં અને દુકાનો પર હુમલો થયો.

દલિતોનો દાવો છે કે હિંસા ભડકાવનારા લોકો બહારના હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, "તે લોકો શોભાપુરના જ હતા."

સવર્ણોનું કહેવું છે, "જ્યારે હિંસા ભડકી તો તેમણે હથિયાર પથ્થર લઈને દલિતોને રોક્યા કેમ કે તેમનું નુકસાન (દુકાન અને વાહનોનું) થઈ રહ્યું હતું."

ગોપીની હત્યાના મુખ્ય આરોપી મનોજ ગુર્જરના મોટા ભાઈ ઓમવીર સિંહ ગુર્જર કેટલીક દુકાનોના માલિકોનું નામ લેતા કહે છે કે ચાર રસ્તા પર તેમની દુકાનો દલિતોએ લૂંટી હતી. દલિતોએ મહિલાઓ સાથે ગેરવર્તણૂંક કરી. તે માટે તેમને રોકવા જરૂરી હતા.

ત્યારબાદ લિસ્ટ બન્યું?

ઇમેજ કૅપ્શન,

ગોપીની હત્યાના મુખ્ય આરોપી મનોજ ગુર્જરના મોટા ભાઈ ઓમવીર સિંહ ગુર્જર

હત્યાના અન્ય આરોપી કપિલ રાણાના મોટા ભાઈ ઓમવીર સિંહ ગુર્જરે જણાવ્યું, "ભારત બંધની રાત્રે નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું.

"ગામના ગુર્જરો, બ્રાહ્મણો અને વાણિયાઓએ કથિત રૂપે ગામના મંદિરની પાસે એક મીટિંગ કરી. કેટલાક સાક્ષીઓનાં નિવેદનને લઈને અને કેટલાક લોકો પર શંકા નથી, તે 'ઉપદ્રવિઓ'ની એક યાદી તૈયાર કરવામાં આવી."

તેમના અનુસાર, "તેઓ આ લિસ્ટ પોલીસને સોંપવાના હતા. લિસ્ટનું ટાઇટલ હતું- 'દલિત સમાજના ઉપદ્રવી લોકોની યાદી.' તેમાં આશરે સો (દલિતોની સાથે સાથે કેટલાક મુસ્લિમ લોકોના પણ) લોકોનાં નામ હતા."

પરંતુ આ લિસ્ટ પોલીસ સુધી પહોંચતા પહેલાં વૉટ્સએપ પર ફરતું કરી દેવામાં આવ્યું હતું અને તે દલિતો સુધી પણ પહોંચી ગયું.

દલિત વિસ્તારના એક વૃદ્ધ રાજેન્દ્ર કુમારે જણાવ્યું, "ત્રણ તારીખની સાંજે આ લિસ્ટ અમારા મોટાભાગના લોકો પાસે હતું."

તેમણે જણાવ્યું, "બધા જ લોકોને લાગ્યું કે આ યાદી પોલીસે જાહેર કરી છે અને ત્યારબાદ પોલીસ દબાણ કરશે.

"દલિત યુવકોએ પોતાનાં નામ લિસ્ટમાં ચેક કર્યાં અને જે જે લોકોનાં નામ યાદીમાં હતાં તે લોકો ઘરેથી ભાગી ગયા."

દલિતોનું જ લિસ્ટ કેમ બન્યું?

ઇમેજ કૅપ્શન,

ગોપીના નાના ભાઈ પ્રશાંત પારિયાનું નામ પણ કથિત હિટ લિસ્ટમાં પાંચમા નંબર પર છે.

રસપ્રદ વાત એ છે કે શોભાપુરથી દસ કિલોમીટરની હદમાં જે પણ એવાં ગામ છે જ્યાં દલિતોની વધારે વસતી છે, ત્યાં પણ આ યાદીઓ સોશિયલ મીડિયા પર ફરી રહી છે.

શોભાપુર સહિત નજીકનાં દાયમપુર, ડાબકા, મીરપુર, રોહટા અને ફાજલપુર જેવાં ઘણાં ગામોમાં દલિત યુવાનોની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે અને દલિત યુવાનો ગામમાંથી ભાગી ચૂક્યા છે.

મેરઠના એસએસપી મંજિલ સૈની એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આવા કોઈ પણ લિસ્ટ સાથે ઉત્તર પ્રદેશ પોલીસને કોઈ લેવા દેવા નથી.

વીડિયો કૅપ્શન,

પેપર કપથી દલિતોની સ્થિતિમાં સુધારો!

પરંતુ વધુ એક રસપ્રદ વાત એ છે કે પોલીસની FIRમાં જે નામ આવી રહ્યાં છે, તે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા લિસ્ટ સાથે મેળ ખાય છે.

આ જ કારણ છે કે આ વિસ્તારના મોટાભાગના દલિત યૂપી પોલીસ પર સવર્ણોના ઇશારે કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

ગોપી પારિયાના પિતરાઈ ભાઈ અરૂણ પારિયા રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે.

તેમણે કંકરખેડા પોલીસ સ્ટેશનમાં યુવકો સાથે મારપીટ કરતા પોલીસકર્મીઓનો એક વીડિયો બતાવ્યો અને કહ્યું, "યોગી સરકારમાં પોલીસ ખૂબ આક્રમક છે. આટલા એન્કાઉન્ટર થઈ રહ્યાં છે."

"માત્ર નામ આવવાથી અમને પકડીને લઈ જશે, તો પણ ખૂબ મારશે. અમારી કોઈ સુનાવણી નહીં થાય. એટલે જ ઘણા યુવાનો ડરથી ભાગી ગયા છે."

ગોપીની હત્યા કેવી રીતે થઈ?

ઇમેજ કૅપ્શન,

ગોપીના મા જણાવે છે, "હૉસ્પિટલમાં મારા દીકરાએ મને કહ્યું હતું કે મા હું ઠીક થઈ જઈશ, તુ ડરીશ નહીં."

ગોપીના પરિવારજનો જણાવે છે કે 2 તારીખ બાદ તે પણ ઘરની બહાર જ હતા. 4 તારીખની બપોરે ગોપી કપડાં બદલવા માટે ઘરે આવ્યા હતા.

રેલવેના નિવૃત્ત કર્મચારી અને આરોપી કપિલના પિતા સુખબીર સિંહે જણાવ્યું કે ગોપીએ તેમના દીકરાને કહ્યું હતું કે તે હિંસા મામલે પોલીસ સમક્ષ નિવેદન ન આપે. તેનાથી દલિતોની મુશ્કેલી વધી જશે.

ગોપીના પિતા તારાચંદ કહે છે કે ગામનો જ સુનિલ નામનો એક યુવક ગોપીને એમ કહીને ઘરેથી બોલાવીને લઈ ગયો હતો કે મનોજ ગુર્જરે વાત કરવા માટે બોલાવ્યા છે.

એ જ મનોજ જેને ત્રણ વર્ષ પહેલાં ગોપીએ માર માર્યો હતો.

ત્યારબાદ આશરે સવા ચાર કલાકે આખા ગામમાં છ વખત ફાયરિંગના અવાજો સંભળાયા હતા.

ગામની શ્રીરામ વિહાર કૉલોનીના ત્રણ રસ્તા પર, મંદિર પરિસર સામે ગોપીને ગોળીઓ મારવામાં આવી.

ગોળીઓ લાગ્યા બાદ ગોપી ઘરની તરફ ભાગ્યા હતા. લગભગ 200 મીટર દોડ્યા બાદ તેઓ જમીન પર પડી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેમનું ત્યાં તેમનું મૃત્યું થઈ ગયું.

બન્ને પક્ષોના લોકો જણાવે છે કે બસપા અને સમાજવાદી સરકારમાં દલિતોએ ગુર્જરોને કોર્પોરેટરની ચૂંટણી લડાવી હતી અને બન્ને સમાજ સાથે ઊભા હતા.

પરંતુ 4 એપ્રિલની સાંજે સૂર્યાસ્ત થતાં જ ગામનાં રાજકીય અને સામાજિક સમીકરણ બદલાઈ ગયાં.

કોણ હતા ગોપી પારિયા?

ઇમેજ સ્રોત, PRASHANT PARIYA

શોભાપુર 6 હજાર કરતાં થોડી વધારે વસતી ધરાવતું ગામ છે. અહીં ગુર્જરોના 200 કરતાં ઓછા મત છે.

મુસ્લિમ, પાલ, વાણિયા અને પંડિતોની પણ વસતી છે. દલિતોની સંખ્યા સૌથી વધારે છે. દલિતોના ત્રણ વિસ્તાર છે.

પહેલો વિસ્તાર કારીગરોનો છે, બીજા વિસ્તારમાં ચામડાને રંગ કરવાનું કામ કરવામાં આવે છે.

ત્રીજા વિસ્તારમાં એવા લોકો રહે છે કે જેઓ પંડિતો, ગુર્જરો અને વાણિયાને ત્યાં નોકરી કરે છે.

કારીગરોનો વિસ્તાર બાકી વિસ્તારની સરખામણીએ સમૃદ્ધ છે. અહીં કેટલાક લોકો હવે વેપાર પણ કરવા લાગ્યા છે. 27 વર્ષના ગોપી આ જ લોકોમાંથી એક હતા.

મેરઠ રમત ગમતની સામગ્રીનાં ઉત્પાદન માટે પ્રખ્યાત શહેર છે. ગોપીએ મેરઠ શહેરમાંથી બેડમિન્ટનની નેટનું વણાટનું કામ લઈને રાખ્યું હતું.

દલિત સમાજમાં ગોપીની ઇમેજ ખૂબ સારી બતાવવામાં આવી રહી છે.

ગોપીના માતા પિતા પાસે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવેલા લોકોમાં દરેક બીજી વ્યક્તિ એ કહી રહી હતી કે સમાજના કામમાં આવતા આવા યુવાનો ખૂબ ઓછા હોય છે.

જ્યારે ગુર્જર વિસ્તારમાં ગોપી વિશે સાંભળવા મળેલી છેલ્લી વાતો હતી, "દુર્વ્યવ્હાર પર ઉતરી આવ્યો હતો છોકરો", "તેણે તો મરવાનું જ હતું. અમારો નહીં, તો બીજા કોઈનો છોકરો તેને મારી નાખતો."

ગોપીનાં મૃત્યુ બાદ

ગોપીનાં લગ્નને હજુ પાંચ વર્ષ થયાં હતાં. તેઓ ત્રણ બાળકોના પિતા હતા. બે દીકરા અને એક દીકરી, જે હજુ ખોળામાં રમે છે.

ગોપીના માતા પોતાના મોટા દીકરાને યાદ કરી રહ્યાં છે.

તેમના પિતા ધરપકડ પામેલા ચાર આરોપી (મનોજ ગુર્જર, કપિલ રાણા, ગિરધારી અને આશિષ ગુર્જર)ને ફાંસીની સજા આપવાની માગણી કરે છે.

પોલીસ તપાસ અધિકારી પંકજ કુમાર સિંહ જલદી આ મામલે ચાર્જશીટ દાખલ કરવાનો દાવો કરી રહ્યા છે.

આ તરફ દલિત સમાજના લોકો ઘોષણા કરી ચૂક્યા છે કે તેઓ આ વખતે ડૉક્ટર આંબેડકરની જયંતી મનાવશે નહીં.

ગામના યુવાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દલિત ગ્રુપ્સમાં લખી રહ્યા છે, "અમે ગોપી નહીં, પોતાનો ચહેરો ગુમાવ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો