#BBCShe 'મારે જાણવું છે કે ઉગ્રવાદી કેવી રીતે બનાય છે'

જલંધરમાં પત્રકારત્વનો અભ્યાસ કરનારી છોકરીઓ

જલંધર શહેર નાનું ભલે હોય પણ અહીંની છોકરીઓના સપના મોટા છે. BBCSheની મુલાકાત દોઆબા કૉલેજમાં પત્રકારત્વનો અભ્યાસ કરતી આ છોકરીઓ સાથે થઈ.

આ છોકરીઓની ઊંમર 22-23 વર્ષ છે, પરંતુ મુદ્દાઓ પર તેમની સમજ સારી છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેઓ જાણવા માંગે છે કે એક સામાન્ય વ્યક્તિ ઉગ્રવાદી કેમ બની જાય છે?

તેઓ પૂછે છે કે કેસ ચાલતો હોય તે દરમિયાન જેલમાં બંધ આરોપીઓની સાથે શું થાય છે?


પોતાના અભ્યાસ સાથે નોકરી કરી રહેલી આ છોકરીઓને શિક્ષણ અને મહિલાઓ સાથે જોડાયેલી સ્ટોરીઝ પર કામ કરવા મોકલવામાં આવે છે.

આ છોકરીઓ પંજાબી અને હિંદી ભાષાના છાપાઓ અને વેબસાઇટ્સમાં કામ કરે છે.

"મને કહેવામાં આવે છે કે આ તમારા માટે નથી, એ રહેવા દો, એમ કહીને કોઈ પ્રેસ રિલીઝ પકડાવી દેવામાં આવે છે."

જલંધરમાં ઘણી મીડિયા કંપનીઓની ઓફિસ છે. આ શહેરને પંજાબમાં ન્યૂઝ મીડિયાનું ગઢ માનવામાં આવે છે.

પરંતુ આ કંપનીઓમાં કામ કરતી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે.

સેંકડો લોકોની ટીમમાં ક્યાંક દસ તો ક્યાંક સાઇઠ લોકોની વચ્ચે ચાર મહિલાઓ કામ કરે છે.

આ છોકરીઓની ફરિયાદ કેટલાક અંશે સાચી પણ છે.


ક્રાઇમ, રાજકારણ કે ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ માટે ગમે ત્યારે બહાર નિકળવું પડે છે.

ભાતભાતના લોકોને મળવું પડે છે. આથી, તેને છોકરીઓ માટે યોગ્ય કામ નથી ગણવામાં આવતું.

લાંબો સમય કામ કરવાનું અને પગાર પણ ઓછો. એટલે પરિવારજનોને પણ આ કામ પસંદ નથી પડતું.

મોટાભાગે એવી સમજ હોય છે કે છોકરીઓ ભણીને ખાલી બે કે ત્રણ વર્ષ કામ કરશે અને પછી તેમના લગ્ન થઈ જશે.

એટલે કે, છોકરીઓ તેમની કારકિર્દી વિશે ગંભીર નથી હોતી. તેમના માટે આ માત્ર એક વ્યવસ્થા છે, એક શોખ છે. જેને પૂરો કરી તેઓ આગળ વધી જાય છે.

તેથી, ઘણા સંપાદકો મોટી જવાબદારીનું કામ પુરુષ કર્મચારીને આપવાનું વધારે પસંદ કરતા હોય છે.

પણ આવી વાતો તો વીસ વર્ષ પહેલાં સાંભળવા મળતી હતી. શું હજી પણ કંઈ જ બદલાયું નથી?

મોટા શહેરોમાં અથવા અંગ્રેજી મીડિયા કંપનીઓમાં વાતાવરણ ખૂબ જ અલગ જોવા મળે છે.


મહિલાઓને કામ કરવાની વધુ તકો મળે છે અને તેમના પસંદના કામ માટે તેઓ લડી પણ શકે છે.

પરંતુ જલંધરની પ્રાદેશિક ભાષામાં કામ કરતી મહિલા પત્રકારોનું કહેવું છે કે તેમની ઓછી સંખ્યાના કારણે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેઓ નબળા પડી જાય છે.

એવું નથી કે ત્યાં કોઈ ફેરફાર નથી થયા. વીસ વર્ષ પહેલાં સો લોકોના ન્યૂઝરૂમમાં એ કે બે સ્ત્રીઓ હતી અને હવે ત્યાં દસ છે. પરંતુ સંખ્યા હજુ પણ ખૂબ ઓછી છે.

જલંધરમાં છ યુનિવર્સિટીઓ છે અને દરેકમાં પત્રકારત્વનો અભ્યાસ થાય છે. અહીં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધારે છે.

પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા પછી, આ રેશિયો નોકરીમાં એકદમ ઉલટો જોવા મળે છે..

એક વિદ્યાર્થીનીઓએ અમને જણાવ્યું, "મારી માતા કહે છે કે આ કેવું કામ છે, તડકામાં રખડવાનું, ખાસ પૈસા પણ ના મળે. એના કરતાં શિક્ષકની નોકરી શું ખોટી, તારી સાથે લગ્ન કોણ કરશે?"


પરંતુ આ છોકરીઓ તેમના માતાપિતાથી એટલી દુખી નથી જેટલી કે મીડિયાના 'રૂઢિવાદી' વલણથી છે.

કહે છે, "પત્રકારો વિશે એટલું સાંભળ્યું હતું કે તેઓ ખુલ્લા દિમાગના હોય છે. એ લોકો સમયથી આગળ ચાલતાં હોય છે, પરંતુ એવું તો નથી."

"જે લોકો મહિલાઓના મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે, તેમના વિશે લેખો લખે છે, તેઓ પોતે શું કરી રહ્યા છે, તેમણે વિચારવું જોઈએ."

આ બધુ સાંભળ્યા પછી જલંધરમાં લાંબા સમયથી કામ કરી રહેલાં એક વરિષ્ઠ મહિલા પત્રકારે કહ્યું, "પોતાના પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે.

"પછી તમે પોતાને એક મહિલા તરીકે અને તમારા સંપાદકને એક પુરુષ તરીકે જોશો.

"આપણે બધા જ પત્રકારો છીએ, અને આપણા અધિકારો માટે લડવું આપણા જ હાથમાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો