મનુ ભાકર: નાનકડા ગામમાંથી આવતી છોકરી આ રીતે બની ચેમ્પિયન!

મનુ ભાકર Image copyright RAM KISHAN BHAKER

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જ્યારે મનુ ભાકરે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે ઑસ્ટ્રેલિયાથી 10,375 કિલોમીટર દૂર હરિયાણાના જઝ્ઝરમાં મનુ ભાકરનાં માતા પોતાની દીકરીઓ માટે દુવા કરી રહ્યાં હતાં.

કોઈ પણ માતા પિતા માટે આ ખૂબ જ ગર્વનો અવસર હોય છે, જ્યારે દીકરી કૉમનવેલ્થ ગેમ્સ જેવા મંચ પર દેશનું નામ રોશન કરે.

મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઉપરાંત મનુ ભાકરે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો વિક્રમ સર્જ્યો હતો.

તેમણે 240.9 પોઇન્ટ્સ સ્કોર કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મનુ ભાકર સુમેધા ભાકર અને રામ કિશન ભાકરનું બીજું સંતાન છે.

મનુનાં જૂનાં દિવસો માતા સુમેધા ભાકરે બીબીસી સાથે શૅર કર્યાં.

Image copyright Sat Singh/BBC

સુમેધાએ કહ્યું, "જ્યારે 2002માં મનુનો જન્મ થયો હતો, ત્યારે હું ઓરિએન્ટલ ટ્રેઇનીંગ લઈ રહી હતી. મનુનો જન્મ સોમવારની સવારે 4.20 કલાકે થયો હતો અને મારે 10 કલાકે પરીક્ષા આપવા જવાનું હતું."

તે સમયે ડૉક્ટર રજા આપવા તૈયાર ન હતા. પરંતુ સુમેધાના બહેને ડૉક્ટર અને પરીક્ષા નિરીક્ષકને આજીજી કર્યા બાદ સુમેધાને પરીક્ષા આપવા જવાની પરવાનગી મળી હતી.

સુમેધા એ દિવસને યાદ કરતા જણાવે છે, "મારી આંખોની સામે મારી બહેને પરીક્ષા નિરીક્ષકના પગ પકડી લીધા હતા. મેં છ વિષયોની પરીક્ષાની તૈયારી તો કારમાં સૂતાં સૂતાં જ કરી હતી."


મનુ પર માતાને ગર્વ છે

Image copyright Sat Singh/BBC

સુમેધા તેમની દીકરીને પરિવારનું અભિમાન ગણાવે છે. તેઓ કહે છે કે મનુએ તેમને તેના જન્મ સમયે પણ ઝૂકવા દીધાં ન હતાં.

પરીક્ષાના સમયે પણ તેમની દીકરી ક્યારેય રડતી નહીં.

તમને આ પણ વાંચવું ગમશે

મનુનાં માતા પોતે સ્કૂલમાં પ્રિન્સીપાલ છે. તેમણે પોતાની દીકરીનું નામ મનુ એટલે રાખ્યું કે તેમને તેની અંદર ઝાંસીની રાણીની ઝાંખી દેખાતી હતી.

સુમેધા જણાવે છે કે તેમનાં જીવનના સંઘર્ષથી મનુને પ્રેરણા મળી હતી.

હરિયાણામાં એક મહિલા માટે જીવન ખૂબ કપરું છે. જ્યાં છોકરીઓનાં જલદી લગ્ન કરી દેવામાં આવે છે અને તેમનાં પર ઘરનો બોજ નાખી દેવામાં આવે છે.


મનુના દાદા આર્મીમાં હતા

Image copyright Sat Singh/BBC

ભાકર પરિવાર જઝ્ઝર અને રેવાડીની સીમા પર આવેલા ગોરિયા ગામમાં રહે છે. આ ગામમાં જાટ તેમજ આહિરોની વસતિ વધારે છે.

આ ગામની વસતી 3500 જેટલી છે અને ગામના સરપંચ એક દલિત મહિલા નીરજ દેવી છે.

મનુના દાદાએ ભારતીય સેનાને સેવાઓ પૂરી પાડી હતી અને તેઓ કુશ્તી માટે પણ જાણીતા હતા.

મનુના પિતા રામ કિશન ભાકર જણાવે છે, "અમે પાંચ ભાઈઓ અને એક બહેન છીએ. અમે બધાં જ શિક્ષિત છીએ અને અમારી પોતાની સ્કૂલ ચલાવીએ છીએ."

"ગામના લોકો અમને શિક્ષણ માટે ઓળખતા હતા પરંતુ મનુએ કૉમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને પરિવારને નવી ઓળખ આપી છે."

મનુની સફળતા મામલે રામ કિશન કહે છે કે તેમની દીકરી પહેલા ડૉક્ટર બનવા માગતી હતી અને સાથે ટેનિસ રમવું પણ ખૂબ ગમતું હતું.

પરંતુ બે વર્ષ પહેલાં અચાનક તેણે બંદૂક ઉઠાવી અને પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

રામ કિશનને આશા છે કે કૉમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન કર્યા બાદ હવે તેમની દીકરી એક દિવસ ઑલિમ્પિકમાં પણ પોતાને સાબિત કરશે અને મેડલ જીતીને આવશે.


કેવું છે મનુનું ગામ?

Image copyright Sat Singh/BBC

મનુ જે ગામમાં રહે છે તે ગામ પહેલી દૃષ્ટિએ થોડું પછાત લાગે છે કે જ્યાં રસ્તાઓ પર ખાડા જ ખાડા છે.

ક્યાંય જઈ રહ્યાં હોવ ત્યારે રસ્તામાં ગમે ત્યારે ઘેટાં, ગાય કે ભેંસો સામે મળી શકે છે.

ગામની મહિલાઓ પારંપરિક પોષાક પહેરીને ઘૂંઘટ ઓઢીને પાણીની ભરવા જતી જોવા મળે છે.

જોકે, ગામ બહુ સમૃદ્ધ ન હોવા છતાં અહીંના બાળકોની સિદ્ધી અનોખી છે.

ગામનાં સરપંચ નીરજ દેવીના પતિ સતિષ કુમાર કહે છે કે તેમના ગામમાંથી ઘણા યુવાનો IAS અને આર્મી ઑફિસર્સ પણ બન્યા છે.

હાલ જ સુનેના ભાકર નામની એક યુવતીની લેફ્ટનન્ટ તરીકે પસંદગી થઈ હતી.

બે યુવાનો રણબીર અને દીપકની પણ વર્ષ 2010માં IAS તરીકે પસંદગી થઈ હતી.

ગામમાં રહેતા યુક્તા ભાકરે પણ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુક્તા મનુ ભાકર સાથે જ ભણે છે.


દરેક ઘરમાં વસે છે એક મનુ

Image copyright ISSF-SPORTS

સતિષ કુમાર આ ઉદાહરણોથી કહેવા માગે છે કે ગામનાં દરેક ઘરમાં એક મનુ ભાકર વસે છે.

તેમાં પણ હાલ તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ બાદ ગામના દરેક લોકો તેમના પર ગર્વ અનુભવે છે અને તેમને અનુસરવા માગે છે.

મનુ જેવા બનવા માટે આશરે 70 યુવક અને યુવતીઓ ગામની ખાનગી શાળામાં મનુ સાથે મળીને શૂટીંગની પ્રેક્ટીસ કરે છે.

દુર્ભાગ્યપણે વર્ષ 2011માં જઝ્ઝરમાં 1000 છોકરાઓની સરખામણીએ માત્ર 774 છોકરીઓ હતી.

પરંતુ હવે સારી વાત એ છે કે વર્ષ 2017માં આ આંકડો 920 પર પહોંચી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો