સૌરવ ગાંગુલીની આગાહી સાચી પડશે? '…તો કોહલી ઑક્સફર્ડ સ્ટ્રીટ પર અર્ધનગ્ન ફરશે'

સોમવારે સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે, જે તેમના ચાહકોમાં 'દાદા'ના નામથી વિખ્યાત છે. ગત વર્ષે તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું, "જો ઇંગ્લૅન્ડમાં ટીમ ઇંડિયા વિશ્વ કપ જીતી જશે, તો વિરાટ કોહલી ઑક્સફર્ડ સ્ટ્રીટ પર શર્ટ ઉતારીને ચક્કર લગાવશે."
ગત વર્ષે કોલકતા ખાતે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજર કોહલીએ 'દાદા'ની આગાહી અંગે કહ્યું હતું, '120 ટકા.'
જોકે, આની વચ્ચે 'જો...અને તો...'ની બે મૅચની મજલ કોહલીસેનાએ કાપવાની છે.
મંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ રમાશે અને તા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે ફાઇનલની મૅચ રમાશે.
અત્રે નોંધવું રહ્યું કે, ગાંગુલીનો આવો જ કિસ્સો ભારતીય ક્રિકેટ ટીમમાં આક્રમકતાના ઐતિહાસિક અધ્યાય તરીકે નોંધાયેલો છે.
17 વર્ષ પહેલાં વર્ષ 2002માં જ્યારે ભારતીય ટીમે લૉર્ડ્ઝના મેદાન પર નેટવેસ્ટ સિરીઝની આખરી મૅચ અને સિરીઝ બન્ને જીતી લીધા હતા.
- એ સેમિફાઇનલ, મૅચ જેમાં કોહલી સેનાએ ન્યૂઝીલૅન્ડને હરાવ્યું
- કર્ણાટક : મોદી માટે બેઠક ખાલી કરનારા વાળા પાસે હુકમનું પત્તું
'સિક્સ-પૅક હાર્દિક હશે સાથે'
મૅચમાં વિજયી થતા જ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કપ્તાન સૌરવ ગાંગુલીએ ઉજવણી કરતા પોતાની જર્સી ઉતારીને હવામાં લહેરાવી હતી.
એપ્રિલ-2018ના એ કાર્યક્રમમાં ગાંગુલીએ કહ્યું, "હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જો 2019માં લૉર્ડ્ઝના મેદાન પર વિશ્વ કપ ફાઇનલ જીતી જઈશું, તો કૅમેરા તૈયાર રાખવા પડશે.
"કેમ કે કોહલી પાસે 'સિક્સ પૅક' છે. વિરાટ કોહલી ઓક્સફર્ડ સ્ટ્રીટ પર જર્સી વગર જ ચક્કર લગાવશે, તો મને જરાય આશ્ચર્ય નહીં થાય."
ગાંગુલીએ કહ્યું, "હું તમને એ પણ કહી શકું છું કે તેમની સાથે આવું કરવામાં હાર્દિક પંડ્યા પણ સાથે હશે."
કોહલીએ શું જવાબ આપ્યો?
વળી કોહલીએ આ વાત પર જવાબ આપતા કહ્યું,"120 ટકા."
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાને કહ્યું, "મને નથી લાગતું કે આવું હું ફક્ત એકલો જ કરીશ કેમ કે ટીમમાં અન્ય લોકો પાસે પણ સિક્સ પૅક છે.
"અમે જર્સી ઉતારીને ફરીશું. હાર્દિક પંડ્યા છે, બુમરાહ પણ છે. અમારી પાસે આ માટે અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઉમેદવાર છે."
એ કાર્યક્રમમાં ગાંગુલીએ 2002માં નેટવેસ્ટ સિરીઝ દરમિયાન ખુદ જર્સી ઉતારવાની ઘટનાને પણ યાદ કરી.
તેમણે કહ્યું, "લૉર્ડ્ઝના મેદાન પર થયેલી સૌથી સારી વાત એ હતી કે જ્યારે હું જર્સી ઉતારી રહ્યો હતો, ત્યારે લક્ષ્મણ તેને નીચે ખેંચી રહ્યો હતો."
"એ સમયે મારી બાજુમાં હરભજને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? મેં કહ્યું કે તમે પણ જર્સી ઉતારી દો."
'હું તો ઉદાસ થઈને સૂઈ ગયો હતો '
કોહલી એ સમયે 13 વર્ષના હતા. સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, તેમણે આ ઘટનાને યાદ કરતા કહ્યું :
"ભારતની સારી શરૂઆત થઈ હતી. દાદા અને વીરુએ (વીરેન્દ્ર સહેવાગ) સારા રન ફટકાર્યા હતા."
"મને લાગ્યું કે આપણે મૅચ જીતી રહ્યા છીએ, કેમ કે એ સમયે મૅચના મોટા ટાર્ગેટ પાર કરવા મુશ્કેલ હતા."
"પરંતુ જ્યારે 150 રન પર પાંચ વિકેટ પડી ગઈ, પછી હું સૂઈ ગયો, કેમ કે હું ઘણો ઉદાસ થઈ ગયો હતો."
તેમણે કહ્યું કે જ્યારે મને જાણ થઈ કે ભારત જીતી ગયું છે, તો મને તે એક સપના જેવું લાગ્યું.
'ખેલાડી રોબૉટ ન હોઈ શકે'
કપ્તાન કોહલીએ ગાંગુલીએ જર્સી ઉતારી નાખી એ ઘટના વિશે વધુમાં કહ્યું,"જ્યારે મેં તે ઘટના બનતી જોઈ, મને લાગે છે કે લોકો માટે આ સમજવું મુશ્કેલ છે પણ આ બાબતો ઘણી જ સ્વાભાવિક હોય છે."
તેમણે કહ્યું, "આ લૉર્ડ્ઝની બાલ્કની હતી પણ વિશ્વમાં આવું કોઈ પણ જગ્યાએ થઈ શકે છે."
"આ સાચી ખુશી હતી જે કંઈક પ્રાપ્ત કરવા બાદ મળતી હોય છે.
"આવી જ રીતે હું અભિવ્યક્ત કરું છું. મને ક્યારેય નથી લાગ્યું કે આ ખોટું છે. કેમ કે ત્યારે ખરેખર વ્યક્તિની ભાવનાઓ બહાર આવતી હોય છે."
ગાંગુલી જેવી જ આક્રમકતા માટે પ્રખ્યાત વિરાટ કોહલીએ કહ્યું કે કોઈ ખેલાડી રોબૉટ ન હોઈ શકે.
તે દર વખતે એવું ન વિચારી શકે કે લોકો તેમના વિશે શું વિચારશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો