કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને જિતેન્દ્ર સિંહે પોસ્ટ કર્યા ફેક ન્યૂઝ

સ્મૃતિ ઇરાનીની તસવીર Image copyright AFP

ફેક ન્યૂઝ પર કડક વલણ અપનાવનારા સૂચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ખુદ ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે.

તેમણે 1990ના દાયકાના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન શેષનના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા.

આ ફેક ન્યૂઝની જાળમાં માત્ર સ્મૃતિ ઇરાની જ નહીં પણ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ ફસાયા હતા.

જિતેન્દ્ર સિંહે એક ટ્વીટમાં લખ્યું, "છ એપ્રિલના રોજ ટી. એન શેષનનું નિધન થયું. એક દિવસ પહેલાં જ તેમના પત્નીનું મૃત્યુ થયું હતું.

"બન્નેને બાળકો નથી. એક ઇમાનદાર કેબિનેટ સચિવ અને બાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમણે તેમની છાપ છોડી. અનેક રીતે...એક યુગનો અંત."

સ્મૃતિ ઇરાનીએ આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં લખ્યું- ઓમ શાંતિ.


ટી. એન. શેષન જીવિત છે

બન્ને નેતાએ જે ટી. એન. શેષનને શ્રદ્ધાંજલિ આપી છે, તેઓ ખરેખર જીવિત છે.

જોકે, એ વાત ખરી છે કે કેટલાક દિવસો પહેલાં ટી. એન. શેષનના પત્નીનું મૃત્યુ થયું હતું.

બાદમાં આ બન્ને ટ્વીટ્સને ડિલિટ કરી દેવાયા છે. પણ સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટના સ્ક્રિનશોટ લઈ ચૂક્યા હતા.

સ્મૃતિ ઇરાનીની આ ભૂલ એટલા માટે પણ સમાચારમાં છવાઈ ગઈ, કેમ કે કેટલાક દિવસ પહેલાં તેમણે ફેક ન્યૂઝ પર લગામ કસવા એક વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો.


સોશિયલ મીડિયા પર મજાક

કેટલાક દિવસ પૂર્વે સ્મૃતિ ઇરાનીએ એક નિર્ણય સંભળાવ્યો હતો.

આ નિર્ણય હેઠળ ફેક ન્યૂઝ બનાવનાર અથવા તેનો પ્રચાર-પ્રસાર કરતા પત્રકારોની માન્યતા રદ કરવાની વાત કહેવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરી બાદ પાછો ખેંચી લેવાયો હતો.

સમગ્ર બાબતે સોશિયલ મીડિયા યુઝર સ્વાતિ ચતુર્વેદી લખે છે, "પ્રિય સ્મૃતિ ઇરાની, તમે સ્પષ્ટીકરણ આપ્યા વગર જ ફેક ન્યૂઝવાળું તમારું ટ્વીટ ડિલિટ કરી નાખ્યું."

Image copyright AFP

"પણ એવું તો શું છે કે તમે ઑનલાઇન ન્યૂઝને નિયંત્રિત કરી શકો છો."

એક અન્ય યુઝર હેમંત કુશવાહાએ લખ્યું, "આ સ્મૃતિ ઇરાની સુધરવાના નથી. જીવિત ટી. એન. શેષનને શ્રદ્ધાંજલિ આપી દીધી."


જ્યારે સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝનો પ્રચાર-પ્રસાર કર્યો

આ જ વર્ષની શરૂઆતમાં સ્મૃતિ ઇરાનીએ એક ખબર ટ્વીટ કરી હતી.

આ ટ્વીટના કેપ્શનમાં લખ્યું હતું - "શ્રીનગરથી 15 મિનિટમાં લેહ. કેબિનેટ દ્વારા જોજિલા પાસે ટનલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી"

સ્મૃતિ ઇરાનીએ આ ખોટી ખબર ટ્વીટ કરી હતી. બાદમાં મીડિયા સંસ્થાએ તેનો ખુલાસો પણ કર્યો હતો. પણ સ્મૃતિ ઇરાનીનું આ ટ્વીટ આજે પણ તેમના એકાઉન્ટ પર યથાવત છે.

જો સ્મૃતિ ઇરાની દ્વારા ફેક ન્યૂઝ અંગે લાવવમાં આવેલો નિર્ણય લાગુ થઈ ગયો હોત, તો એ નિર્ણય અંતર્ગત તેઓ પણ ફેક ન્યૂઝના પ્રચાર-પ્રસાર કરનારની શ્રેણીમાં આવી ગયા હોત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો