કિડની ટ્રાન્સપ્લાન્ટ: એક વ્યક્તિની કિડની બીજાના શરીરમાં કેવી રીતે ફીટ થાય?

સાંકેતિક તસ્વીર Image copyright Getty Images

સોમવારે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીની કિડની દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ(એમ્સ) ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

મે મહિનામાં તેમની ટ્રાન્સપ્લાન્ટની આ સર્જરી થવાની હતી, પણ અરુણ જેટલીને ડાયાબિટિસ હોવાથી તેમાં વિલંબ થયો હતો.

છેલ્લા એકાદ મહિનાથી જેટલી ઘરેથી જ કામ કરી રહ્યા હતા. તેમને શનિવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અરુણ જેટલીને કિડનીદાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

સવાલ એ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે શું? એક વ્યક્તિના શરીરમાંથી કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલી કિડની બરાબર કામ કરતી હોય છે? ટ્રાન્સપ્લાન્ટ સફળ કે નિષ્ફળ થઈ શકે?


કિડનીની જવાબદારી કેટલી?

Image copyright Getty Images

આપણે જાણીએ છીએ તેમ દરેક માણસના શરીરમાં બે કિડની હોય છે. એ બેમાંથી એક ખરાબ થઈ જાય કે તેને કાઢી નાખવામાં આવે તો પણ કામ ચાલતું રહી શકે છે.

કિડની 'બીન'નાં આકારનું એક અંગ છે અને માનવશરીરમાં એ કરોડરજ્જુની બન્ને બાજુ પર હોય છે.

કિડની પેટની પાસે હોવાનું માનવામાં આવે છે, પણ વાસ્તવમાં તે આંતરડાની પાછળ અને પેટની પાછળના ભાગમાં હોય છે.

કિડનીનું કદ ચાર કે પાંચ ઇંચનું હોય છે. તેનું મુખ્ય કામ રક્તની સફાઈનું હોય છે. કિડની ચાળણીની માફક સતત કામ કરતી રહે છે અને કચરો દૂર કરે છે.

શરીરનું પ્રવાહી સંબંધી સંતુલન જાળવી રાખવાની સાથે ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય સ્તર પણ કિડની જાળવી રાખતી હોય છે.

શરીરમાંનું લોહી દિવસમાં અનેકવાર કિડનીમાંથી પસાર થતું હોય છે.

લોહી કિડનીમાં પહોંચ્યા પછી તેમાંનો કચરો દૂર થાય છે અને જરૂર પડ્યે નમક, પાણી તથા મિનરલ્સનું સ્તર એડજસ્ટ થાય છે.

રક્તમાંનો કચરો પેશાબમાં પરિવર્તિત થાય છે અને શરીરની બહાર નીકળી જાય છે.


નેફ્રોન શું હોય છે?

Image copyright Getty Images

કિડની તેની કુલ ક્ષમતાનાં સરેરાશ દસ ટકાનાં સ્તરે જ કામ કરી રહી હોય અને શરીર તેનાં લક્ષણ ન દેખાડે એ શક્ય છે.

એ સંજોગોમાં ઘણી વાર કિડનીનાં ગંભીર ઇન્ફેક્શન તથા કિડની ફેઇલ થવા સંબંધી સમસ્યા વિશે બહુ મોડી ખબર પડે છે.

દરેક કિડનીમાં નાનાં-નાનાં લાખો ફિલ્ટર્સ હોય છે, જેને 'નેફ્રોન' કહેવામાં આવે છે.

લોહી કિડનીમાં જતું બંધ થઈ જાય તો તેનો એ હિસ્સો કામ કરતો બંધ થઈ શકે છે. તેને કારણે કિડની ફેઇલ થઈ શકે છે.


કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું?

Image copyright Getty Images

એક વ્યક્તિના શરીરમાંથી સ્વસ્થ કિડની કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં આરોપિત કરવાની પ્રક્રિયા એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ.

કોઈ વ્યક્તિની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હોય અથવા ખરાબ થવાની હોય તેને બદલવી પડે છે.

સામાન્ય રીતે કિડનીનાં 'ક્રોનિક ડિસીઝ' અથવા કિડની ફેઇલ થઈ જાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.

અરુણ જેટલીના કિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ડાયાલિસીસની પ્રક્રિયા ચાલી હતી. એ લોહી સાફ કરવાની પ્રક્રિયા છે, જે ટ્રાન્સપ્લાન્ટ પહેલાં કરવી જરૂરી હોય છે.


આખી પ્રક્રિયા આસાન નથી

Image copyright Getty Images

આ પ્રક્રિયા એકમેકની સાથે વાત કરવા જેટલી આસાન છે? આ સવાલનો જવાબ છેઃ ના. તેમાં સમય જરૂર લાગે છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના ડૉ. ડી. એસ. રાણાના જણાવ્યા મુજબ, "જેની બન્ને કિડની એકદમ સ્વસ્થ હોય તેવી વ્યક્તિ આ પ્રક્રિયા માટે જરૂરી હોય છે. એ વ્યક્તિ કિડનીદાતા હોય છે."

ડૉ. રાણાએ ઉમેર્યું હતું, "સામાન્ય રીતે કિડનીદાતા જાણીતી વ્યક્તિ હોય છે, પણ એવું જરૂરી નથી. એ વ્યક્તિ સ્વૈચ્છાએ પોતાની કિડનીનું દાન કરતી હોય એ પણ એટલું જ જરૂરી છે."

કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બ્લડ ઉપરાંત બ્લડ ગ્રૂપનાં મહત્ત્વની વાત કરતાં ડૉ. રાણાએ કહે છે, "દર્દી અને કિડનીદાતાનું બ્લડ ગ્રૂપ સમાન હોય તો ઉત્તમ. અન્યથા કિડનીદાતાનું બ્લડ ગ્રૂપ 'ઓ' હોવું જોઈએ. તેને 'યુનિવર્સલ બ્લડ ગ્રૂપ' કહેવામાં આવે છે.

"જોકે, દર્દી અને દાતાનું બ્લડ મેચ નહીં થવા છતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે."


કેટલી કલાક ચાલે ઓપરેશન?

Image copyright Getty Images
ફોટો લાઈન કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલી

ડૉ. રાણાએ કહ્યું હતું, "ઓપરેશનમાં બેથી ચાર કલાક લાગે છે. કિડની કામ કરતી થવાની સાથે દર્દીની રિકવરી શરૂ થઈ જાય છે.

"સામાન્ય રીતે કિડનીદાતાને પણ ચાર-પાંચ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે."


કિડની બદલ્યા પછી દર્દીનું જીવન કેવું?

Image copyright Getty Images

ડૉ. રાણાના જણાવ્યા મુજબ, "કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સામાન્ય નથી. તેમાં અન્ય વ્યક્તિની શરીરમાંથી મહત્ત્વનું એક અંગ કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

"તેથી આ પ્રક્રિયા જટિલ તો છે જ."

ડૉ. રાણાના અભિપ્રાય પ્રમાણે, "કિડની રિજેક્શનનું જોખમ હંમેશા તોળાયેલું રહે છે. એ જોખમ કિડની બદલ્યાના પ્રારંભિક 100 દિવસોમાં વધારે હોય છે. એ પછી પણ જોખમ સર્જાઈ શકે છે.

"કિડની ટ્રાન્સપ્લાન્ટના એક વર્ષ પછી પણ એ સફળ થવાની શક્યતા 90 ટકાની આસપાસ છે."


ટ્રાન્સપ્લાન્ટમાં શું જરૂરી?

Image copyright Getty Images

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિના શરીરમાંથી કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં કિડનીનું આરોપણ કરવામાં ઉંમરની ભૂમિકા બહુ મહત્ત્વની હોતી નથી.

જોકે, નીચે મુજબની બાબત જરૂરી હોય છે

• દર્દીમાં સર્જરીની અસર તથા પ્રભાવનો સામનો કરવાની ક્ષમતા હોય.

• ટ્રાન્સપ્લાન્ટ પછી એ સફળ થવાની શક્યતા હોય.

• ઓપરેશન પછી જરૂરી દવાઓ અને ઇલાજ માટે દર્દી તૈયાર હોય.

• દર્દીને પહેલાંથી કોઈ ઇન્ફેક્શન હોય તો તેનો ઈલાજ કરવામાં આવે છે.

• કિડની ફેઇલ થવાના કિસ્સામાં દરેક ત્રણમાંથી એક વ્યક્તિ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે.


કિડની ક્યાંથી મળે?

કિડની આપનારી વ્યક્તિ જીવંત હોય તો ઓપરેશન માટે તૈયારી કરવામાં આવે છે, પણ કોઈ મૃત વ્યક્તિની કિડની લેવાની હોય તો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કિડની ઉપલબ્ધ હોવાની માહિતી આપે છે.

એ પછી સર્જરી કરવામાં આવે છે, જેમાં દર્દીની શરીરમાં નવી કિડની આરોપિત કરીને તેને દર્દીની બ્લડ વેસલ તથા બ્લેડર સાથે જોડવામાં આવે છે.

નવી કિડનીનું આરોપણ પેટના નીચલા હિસ્સામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે કિડની શરીરના જમણા હિસ્સામાં હોય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જોખમ ઘણું હોય છે.

ટૂંકા ગાળામાં લોહી જામી જવાનું કે ઇન્ફેક્શનનું જોખમ હોય છે. લાંબા ગાળામાં ડાયાબિટીસ અને ગંભીર ઇન્ફેક્શનનું જોખમ હોય છે. તેથી દર્દીની નિયમિત તપાસ થવી જરૂરી હોય છે.


ટ્રાન્સપ્લાન્ટ પછી શું?

Image copyright Getty Images

જે દર્દીને નવી કિડની મળે તેણે તબિયતને બહુ સંભાળવી પડે છે.

દર્દી ધૂમ્રપાન કરતો હોય તો એ તેણે છોડવું પડે છે. સ્વસ્થ ડાયેટ લેવું પડે છે. વજન વધારે હોય તો ઘટાડવું પડે છે અને ઇન્ફેક્શનથી બચવાના પ્રયાસ કરવા પડે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દી કેટલો સમય જીવતો રહી શકે છે?

તેનો આધાર ઘણી બાબતો પર હોય છે. તેમાં કિડની કોની પાસેથી મળી છે, બ્લડ ગ્રૂપ, ટિશ્યૂ ટાઇપ શું છે અને જેના શરીરમાં કિડનીનું આરોપણ કરવાનું છે તેની તબીયત કેવી છે તેનો સમાવેશ થાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી સરેરાશ જીવનકાળનું પ્રમાણ આ મુજબ છેઃ

• એક વર્ષ - 95 ટકા

• પાંચ વર્ષ - 85થી 90 ટકા

• દસ વર્ષ - 75 ટકા.

કિડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ રહે તો બીજા ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી કરવી પડે છે અને ત્યાં સુધી દર્દીને ડાયાલિસીસ પર રાખવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો