#BBCShe: ગુજરાતમાં આ વિધવાઓનું પેન્શન ક્યાં જાય છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
એક ટંકનું ભોજન માટે પાડોશીઓની મદદ પર નિર્ભર રહેવું પડે છે, પણ પેન્શન મળતું નથી

તૂટેલી તેમજ નાની ખાલી ઝૂંપડી, અને તેની અંદર રહેતા દુઃખી ચહેરા. આવું જ કંઈક દૃશ્ય જોવા મળે છે હસીના સોટાનાં ઘરમાં.

ન તો પાણીનું કનેક્શન, ન વીજળીની સુવિધા, ન રાંધણ ગેસ, ન કેરોસીન અને જમવા માટે ભોજન પણ નહીં. આ હસીનાનું જીવન છે.

હસીના સોટા ગુજરાતની એવી મહિલાઓમાનાં એક છે કે જેઓ રાજ્ય સરકાર પાસેથી પેન્શનની રાહ જોઈને બેઠાં છે.

2015માં પતિનાં મૃત્યુ બાદ હસીના પાસે આવકનો કોઈ સ્રોત નથી. હસીના તેમજ તેમના ચાર દીકરાએ કેટલીક વખત તો એક ટંકનું ખાવાનું મેળવવા માટે પાડોશીઓની મદદ પર નિર્ભર રહેવું પડે છે.

માળિયાના સ્થાનિક કાર્યકર્તા જ્યોત્સના જાડેજાએ BBCShe સાથે વાત કરતાં જણાવ્યું, "હસીના જેવી મહિલાઓને વિધવા પેન્શનનો લાભ ના મળે તો કોને મળવો જોઈએ?"


વિધવા પેન્શન સ્કીમના 1.52 લાખ લાભાર્થીઓ!

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં જુમ્માવાડી ગામ આવેલું છે.

જ્યારે BBCSheની ટીમ હસીનાનાં ગામમાં પહોંચી અને તેમની સાથે વાત કરી, તો તેમણે એક જ વાત વારંવાર કહી, "જો મને પેન્શન મળે, તો હું મારા બાળકોને જમાડી શકું."

અમારી સાથે વાત કરતાં હસીનાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. આંખોમાં આંસુ સાથે તેમણે કહ્યું કે બાળકો જ્યારે ભૂખ્યાં સૂઈ જાય છે, તે જોઈને ખૂબ તકલીફ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

સરકારના નિયમાનુસાર, 18થી 60 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ એક હજાર રૂપિયાનું માસિક વિધવા પેન્શન મેળવવાને હકદાર છે. તેના માટે તેમણે કલેક્ટર કચેરીના માધ્યમથી ઔપચારિક પ્રક્રિયા અંતર્ગત અરજી કરવાની રહે છે.

જોકે, અનેક વખત વિધવાઓ સુધી પેન્શન પહોંચતું નથી. અરજદારે વારંવાર અરજી અંગે માહિતી લેવા જવું પડે છે.

વર્ષ 2016માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં વિધવા પેન્શન સ્કીમના દોઢ લાખ કરતાં વધારે લાભાર્થીઓ છે.


બે વર્ષ થયાં પણ હજુ પેન્શન નહીં

હસીનાના પતિ સાદ્દિકનું 19 નવેમ્બર 2015નાં રોજ મૃત્યુ થયું હતું જેના થોડાં મહિના બાદ હસીનાએ વિધવા પેન્શન માટે અરજી કરી હતી.

હસીના કહે છે, "બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી મને પેન્શન મળ્યું નથી. જ્યારે પણ હું તેમની ઑફિસે જાઉં છું, તેઓ કહે છે કે તેઓ મને પત્ર મોકલશે. પરંતુ હજુ સુધી મને કોઈ પત્ર મળ્યો નથી."

હસીનાની અરજી મામલે જ્યારે BBCSheએ માળિયા તાલુકાના મામલતદાર એમ.એન. સોલંકી સાથે વાત કરી

સોલંકીએ કહ્યું, "જુમ્માવાડી ગામમાં કોઈ સરપંચ નથી કે જેઓ તેમની અરજી પર હસ્તાક્ષર કરી શકે. પણ હવે અરજી પર મેં હસ્તાક્ષર કરી દીધા છે. હું હવે એ સુનિશ્ચિત કરું છું કે તેમની અરજી આગળ વધે અને તેમને પેન્શન મળે."

જુમ્માવાડી ગામમાં કોઈ સરકારી અધિકારી કે ગ્રામ પંચાયત નથી કે આ પ્રકારનાં કામ સરળતાથી થઈ શકે.


શહેરી વિસ્તારની પરિસ્થિતિ પણ ગ્રામ્ય વિસ્તાર જેવી જ

જોકે, આ પરિસ્થિતિ માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ છે એવું નથી. શહેરી વિસ્તારમાં પણ આવી જ હાલત છે.

પુષ્પાદેવી નામનાં મહિલા અમદાવાદ જેવાં શહેરમાં રહે છે અને તેઓ પણ વર્ષ 2016થી પેન્શનની રાહ જોઈને બેઠાં છે.

પુષ્પાદેવી કહે છે, "તેઓ મને વારંવાર જુદા જુદા દસ્તાવેજ લાવવા અંગે કહે છે. મેં તેમને બધા જ દસ્તાવેજ આપી દીધા છે અને અરજીની વારંવાર તપાસ માટે મેં આશરે 3 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા છે. પરંતુ હજુ સુધી મને પેન્શન મળ્યું નથી."

પુષ્પાદેવી તેમના 16 વર્ષના દીકરા અને 14 વર્ષની દીકરી સાથે રહે છે.

તેઓ કહે છે, "મારા દીકરાએ કામ પર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળમજૂરીના કાયદાના કારણે કોઈએ તેને નોકરી ન આપી. જો તેને ક્યાંક નોકરી મળે તો પણ તેને યોગ્ય મહેનતાણૂં મળતું નથી."


દીકરી સ્કૂલે ટિફિનબૉક્સ પણ લઈ જઈ શકતી નથી

પુષ્પાદેવીનાં દીકરી નવમાં ધોરણમાં ભણે છે અને તેમણે ઘણી વખત મોડી ફી ચૂકવવા બદલ અપમાનનો સામનો કરવો પડે છે.

પુષ્પાદેવી કહે છે, "આગામી વર્ષે મારી દીકરી દસમાં ધોરણમાં આવશે. મારી દીકરીએ મને કહ્યું છે કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તે ટ્યૂશન વગર પણ ખૂબ મહેનત કરીને ભણશે. તે ખૂબ બુદ્ધિશાળી છે અને તે પરિસ્થિતિ સમજે છે."

તેઓ ઉમેરે છે, "જો મને પેન્શન મળશે, તો હું મારી દીકરીના ભણતરમાં તેને મદદ કરી શકીશ."

પુષ્પા દરરોજ ભરતકામ કરીને 200 રૂપિયા કમાય છે. જોકે, તેમની આ આવક અમદાવાદમાં રહેવા માટે પૂરતી નથી.

વર્ષ 2016માં જ્યારે પુષ્પાના પતિનું મૃત્યુ થયું, ત્યારથી તેમનાં દીકરી કુમકુમ સ્કૂલમાં ટિફિનબૉક્સ પણ લઈ ગયાં નથી.

અમદાવાદનાં એક સામાજિક કાર્યકર્તા અંકિતા પંચાલે BBCShe સાથે વાત કરતાં જણાવ્યું, "રાજ્ય સરકારના નિયમાનુસાર એક મહિલાને અરજી બાદ 90 દિવસમાં પેન્શન મળી જવું જોઈએ. પરંતુ સરકારી અધિકારીઓ પર કોઈની દેખરેખ હોતી નથી."

"અધિકારીઓને સજા થવાનો પણ કોઈ ડર હોતો નથી, તેના કારણે તેઓ વિધવા પેન્શનની અરજીને ગંભીરતાથી લેતા નથી અને તેના કારણે મોડું થાય છે."

અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું, "ગુજરાતનું વિકાસ મૉડલ શહેરના અને વેપારના વિકાસ પર ધ્યાન આપે છે. તેમાં સામાજિક ક્ષેત્રની સંપૂર્ણપણે અવગણના થઈ રહી છે."


મહિલાઓ માટે અવાજ ઊઠાવનારું કોઈ નહીં?

ગૌરાંગ જાનીના કહે છે, "વિધવા પેન્શનની અરજીઓ મોટાભાગે ગરીબ મહિલાઓની જ હોય છે અને તેમના માટે અવાજ ઊઠાવવા વાળું કોઈ હોતું નથી."

"એ જ કારણ છે કે સરકાર પર કોઈ દબાણ બનતું નથી અને મહિલાઓની અરજી ગંભીરતાથી લેવામાં આવતી નથી."

ગૌરાંગ જાની માને છે કે વિધવા પેન્શન સ્કીમ ફંડ કરતાં વધારે દાન છે.

તેઓ કહે છે, "મેં અનુભવ્યું છે કે અધિકારીઓ આ અરજી સાથે એ રીતે વ્યવહાર કરે છે જાણે તે મહિલાઓનો હક નહીં પણ કોઈ દાન આપી રહ્યા હોય."

આ તરફ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે કહ્યું કે વિભાગને વિધવા પેન્શનમાં મોડું થવાને કારણે ઘણી ફરિયાદ મળી છે.

"વિધાનસભાનું સત્ર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલે હવે હું અધિકારીઓ સાથે બેઠક કરીશ અને તેમાં દિશાસૂચન અને નિયમો ઘડવામાં આવશે કે જેનાથી જે અધિકારીઓ પેન્શનમાં મોડું કરે છે તે અધિકારીઓની જવાબદારી નક્કી કરી શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ