TOP NEWS : ગુરુવારે ઉપવાસ પર બેસશે વડાપ્રધાન મોદી; ધરણા દેશે શાહ

વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની તસવીર Image copyright Getty Images

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ઉપવાસ રાખશે. તેમની સાથે ભાજપના સાંસદો પણ જોડાશે. જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલી ખાતે ધરણા પર બેસશે.

હોબાળાને કારણે સંસદનું બજેટસત્ર ધોવાઈ ગયું હતું, જેથી મોદી ઉપવાસ રાખશે. સમાચાર સંસ્થા પીટીઆઈએ સૂત્રોને ટાંકતા જણાવ્યું છે કે, ઉપવાસને કારણે વડાપ્રધાનનો નિત્યક્રમ નહીં ખોરવાય.

વડાપ્રધાન દિનચર્યા મુજબ જ લોકો અને સરકારી અધિકારીઓને મળશે અને સરકારી કામો પતાવશે.

ભાજપના સાંસદો તેમના મતવિસ્તારોમાં ઉપવાસ પર બેસશે.

બીજી બાજુ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુરૂવારે કર્ણાટકના હુબલી ખાતે ધરણા પર બેસશે.

શુક્રવારે ભાજપના સાંસદોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ દ્વારા વિભાજનકારી નીતિ અપનાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે કોંગ્રેસ દ્વારા સામાજિક સૌહાર્દ માટે પ્રતીકાત્મક ઉપવાસ આપવામાં આવ્યા હતા.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી નવી દિલ્હી ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા.


આધાર કાર્ડની ઉપયોગિતા!

Image copyright NOAH SEELAM/Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ દિલ્હીમાં માનસિક બીમાર મહિલાનું 'આધાર'ને કારણે પરિવાર સાથે પુન:મિલન થયું છે.

આ મહિલા ચાર મહિના પહેલાં લાપતા થયા હતાં. 31 વર્ષીય આ મહિલા રસ્તા પર રઝળતા હતા.

પોલીસે તેમને બચાવી એક મહિલા ગૃહમાં મોકલાવ્યા હતા. કોર્ટે જે બાદ આધારકાર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ આધારકાર્ડ બનાવતી વખતે સામે આવ્યું કે તેમનો બાયોમેટ્રિક ડેટા સિસ્ટમમાં પહેલેથી જ હતો. પરિણામે તેમની માહિતી યુડીઆઈએ પાસેથી લેવામાં આવી.

જે બાદ માહિતી પરથી રાજસ્થાનના અલવર જિલ્લામાં પરિવારની શોધ થઈ શકી હતી. જ્યાં નવેમ્બર 2017માં ફરિયાદ પણ નોંધાઈ હતી. પૂરેપૂરી તપાસ બાદ મહિલાને તેમના પતિને સોંપવામાં આવ્યાં હતાં.


સરકારની 'રેડ એલર્ટ સિસ્ટમ'

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ગુજરાત સરકાર સચિવાલયમાં થતી મુશ્કેલીઓથી બચવા 'રેડ એલર્ટ સિસ્ટમ' પર કામ કરી રહી છે.

બધા પોલીસ સ્ટેશન પરથી ક્રિમિનલ રેકોર્ડ અને આત્મ-વિલોપનની ચીમકી આપનારાઓની માહિતી મગાવવામાં આવી છે.

આ યાદી તૈયાર થતાં જ તેમને સચિવાલયમાં પ્રવેશ મળશે નહીં.

છેલ્લા કેટલાક સમયમાં થયેલા આત્મ-વિલોપનના પ્રયાસોને કારણે આ પગલું લેવામા આવ્યું હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાતથી અજાણ હોવાનું કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ