મોદી બિહારમાં શૌચાલય અંગે ખોટું બોલ્યા કે કાચું કાપ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર Image copyright PRAKASH SINGH/AFP/GETTY IMAGES

દરરોજ, ચોવીસેય કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ કામ ચાલે તો પણ એક અઠવાડિયામાં વધુમાં વધુ કેટલા શૌચાલયોનું નિર્માણ થઈ શકે?

'ચંપારણ્ય સત્યાગ્રહ શતાબ્દિ વર્ષના સમાપન સમારંભ' સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપ્યો.

મોતીહારી ખાતે વડાપ્રધાન મોદીએ કહ્યું, "ગત સપ્તાહે બિહારમાં આઠ લાખ પચાસ હજાર શૌચાલયોનું નિર્માણ થયું."

એક અઠવાડિયામાં સાત દિવસ હોય. એક દિવસના 24 કલાકના હિસાબે કુલ 168 કલાક.

વડાપ્રધાનના દાવા મુજબ નિર્માણ થયું હોય તો એનો મતલબ એ થયો કે દર કલાકે 5059 શૌચાલયોનું નિર્માણ થયું.

મતલબ કે દર મિનિટે 84 શૌચાલયનું નિર્માણ થયું હોય.

તમે આ વાંચ્યું કે નહીં?


સત્ય શું છે?

Image copyright PRAKASH SINGH/AFP/GETTY IMAGES

બિહાર સરકારના કહેવા પ્રમાણે, ગત એક સપ્તાહ નહીં, પરંતુ એક મહિનામાં સાડા આઠ લાખ શૌચાલયોનું નિર્માણ થયું હતું.

બિહાર સરકાર દ્વારા 'લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે.

અભિયાનના કો-મિશન ડાયરેક્ટર બાલામુરુગણ ડી.એ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "તેર માર્ચથી નવ એપ્રિલ દરમિયાન 8.5 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું."

તેમના કહેવા પ્રમાણે, દોઢ વર્ષની તૈયારીઓને કારણે આ લક્ષ્યાંકને હાંસલ કરવું સરળ બન્યું હતું. જેમાં કડિયાઓ તથા મિસ્ત્રીઓને તાલીમ આપવામાં આવી હતી ઉપરાંત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બિહારમાં હાલમાં કુલ લગભગ 86 લાખ શૌચાલય છે. રાજ્યની કુલ વસ્તીમાંથી લગભગ 43 ટકા ઘરોમાં જ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે.

હજુ સુધી બિહારનો એકપણ જિલ્લો 'જાહેરમાં શૌચ-મુક્ત' જાહેર નથી થયો. બિહાર સરકારના દાવા પ્રમાણે, ટૂંક સમયમાં રોહતાસ આ સિદ્ધિ હાંસલ કરી લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો