અંગ્રેજને મારવા મદનલાલ ઢીંગરાને પિસ્તોલ આપનારા ગુજરાતી કોણ હતા?

સરદારસિંહ રાણા તેમના પત્ની સાથે Image copyright www.Sardarsinhrana.com

સરદારસિંહ રાણાનો ટૂંકો પરિચય શું હોઈ શકે? ગુજરાતમાં જન્મ અને બ્રિટિશર્સ સામે યુરોપમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ચળવળ. કદાચ આટલો કે કદાચ આનાથી ક્યાંય વધુ!

વિદેશમાં રહીને સ્વદેશની સ્વંતંત્રતા માટે લડનારા શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને સરદારસિંહે ચળવળ ચલાવી હતી.

સરદારસિંહ કાયદાનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા અને અહીં તેઓ વર્માના પરિચયમાં આવ્યા હતા.

વર્માના સંપર્કમાં આવ્યા બાદ સરદારસિંહે ભીખાજી કામા સાથે મળીને લંડનમાં 'ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી.

વિદેશની ધરતી પર ભારતીય સ્વતંત્રતાની ચળવળને 'ઇન્ડિયા હાઉસ'માંથી જ વેગ મળતો હતો.

સરદારસિંહ રાણાની વેબસાઇટ અનુસાર લંડનથી પ્રસિદ્ધ થતાં 'ઇન્ડિયન સોશિઑલૉજિસ્ટ' અખબારના સ્થાપક રાણાએ વર્મા અને કામા સાથે મળીને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષની ઓળખાણ પિસ્તોલ અને બૉમ્બથી કરાવી હતી.

એટલું નહીં, એ સરદારસિંહ રાણા જ હતા કે જેમની પિસ્તોલથી ભારતીય ક્રાંતિકારી મદનલાલ ઢિંગરાએ બ્રિટિશ ઑફિસર કર્ઝન વાયલીની લંડનમાં હત્યા કરી હતી.


સરદારસિંહની શિષ્યવૃતિ

Image copyright www.Sardarsinhrana.com

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રાણાએ ત્રણ પ્રકારની શિષ્યવૃતિ જાહેર કરી હતી. સાવરકર સહિત કેટલાય વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ થકી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શક્યા હતા.

રસપ્રદ વાત એ છે કે સ્વતંત્રતા બાદ ભારતની જે પ્રથમ સંસદ રચાઈ એમાં 60 સાંસદો એવા હતા, જેમણે એ શિષ્યવૃતિથી વિદેશમાં અભ્યાસ કર્યો હતો.

સરદારસિંહ રાણાની વેબસાઇટ

અમદવાદમાં પંડિત દિનદયાલ ઑડિટોરીયમમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવતે સરદારસિંહ રાણાની વેબસાઇટ લૉન્ચ કરી.

બીબીસી સાથેની વાતચીતમાં આ અંગે વાત કરતા રાણાના પૌત્ર અને ભાજપના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રસિંહે જણાવ્યું, ''અમારા પરિવાર પાસે સરદારસિંહને લગતું અઢળક સાહિત્ય હતું. અમારો ઉદ્દેશ હતો કે આ સાહિત્ય જાહેર જનતા સુધી પહોંચે. અને એટલે જ, આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.''

તમને આ વાંચવું પણ ગમશે:

રાજેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, 'આ વેબસાઇટમાં દસ્તાવેજો ઉપરાંત સરદારસિંહના અઢળક પત્રો જાહેરમાં મૂકાયા છે. એમા કેટલાય પત્રો તેમણે કવિ કલાપી, રવિન્દ્રનાથ ટાગોરને પણ લખેલા છે.'

'1905માં શરૂ કરાયેલા 'ઇન્ડિયન સોશિઑલૉજિસ્ટ' અખબારની તમામ નકલો પણ વેબસાઇટમાં મૂકવામાં આવી છે. જે એ વખતના રાજકીય માહોલને સમજવામાં મદદરૂપ થશે.'

સરદારસિંહ રાણાની વેબસાઇટને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતના હાથે કરવામાં આવ્યું.

આ અંગે રાજેન્દ્રસિંહે બીબીસીને જણાવ્યું, ''સરદારસિંહ રાણા એક આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ હતા. અને એટલે જ એમની વેબસાઇટને મોહન ભાગવત જેવી 'વેઇટેજ' ધરાવતી વ્યક્તિના હાથે લૉન્ચ કરાવવાનું વિચારાયું હતું.''


સરદાર સિંહની વિચારધારા

Image copyright www.Sardarsinhrana.com

કેટલીય વખત એવો દાવો પણ કરવામાં આવે છે કે સરદારસિંહનો ઝૂકાવ દક્ષિણ પંથ તરફ હતો.

જોકે, એવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી મળતા કે એવું કહી શકાય કે સરદારસિંહની વિચારધારા સંપૂર્ણ રીતે દક્ષિણપંથી હતી.

પત્રકાર અને લેખક પ્રકાશ ન.શાહ બીબીસીને કહે છે, ''સરદારસિંહ રાણાની વિદેશની ધરતી પર ચોક્કસથી બહોળી કામગીરી રહી છે. પણ એવું તો ના જ કહી શકાય કે સરદારસિંહ દક્ષિણપંથી હતા.''

શાહ ઉમેરે છે, ''જે રીતે ભગતસિંહ માર્ક્સથી પ્રભાવિત હતા અને એ સ્પષ્ટ વાત છે. એમ સરદારસિંહ વિશે ના કહી શકાય કે એમની વિચારધારા દક્ષિણપંથી હતી.''

''કારણ કે એમની ત્રણેય શિષ્યવૃતિના નામ રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને બાદશાહ અકબરના નામ પર હતા. ભિખાજી કામા સાથે મળીને તેમણે જ પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો હતો. એટલું જ નહીં, યુરોપની ધરતી પર ચાલી રહેલી ભારતીય સમાજવાદી ચળવળ સાથે તેઓ જોડાયેલા હતા.''

રાજેન્દ્રસિંહ રાણા આ અંગે વાત કરતાં કહે છે, ''સરદારસિંહ સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત હતા. યુરોપની ધરતી પર જે સમાજવાદી ઉદ્દામવાદી પ્રવૃતિ ચાલતી એમાં સરદારસિંહ આગળ પડતું નામ હતું.''


સરદારસિંહ રાણા અને સંઘ

Image copyright www.Sardarsinhrana.com

સરદારસિંહ રાણાના વંશજોનો સંઘ અને ભાજપ સાથે ઘરોબો રહ્યો છે. પણ એનો એવો અર્થ નથી થતો કે રાણા અને સંઘ વચ્ચે સંબંધ હોય.

શાહ આ અંગે વાત કરતા જણાવે છે, ''સંઘની એક મર્યાદા છે કે આઝાદીની ચળવણમાં એના કોઈ નેતાએ ભાગ નહોતો લીધો.''

''પોતાના કોઈ નેતા ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં સામેલ ના હોવાને કારણે સંઘ ક્રાંતિકારી કે સત્યાગ્રહીઓને 'ઍડોપ્ટ' કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે.''

''એટલે જ, આવી બાબતો પર જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. 'હીરોઝ'ના કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમના વાસ્તવિક યોગદાન અને દસ્તાવેજોને સાથે જાહેરમાં મૂકવા જોઈએ. જેથી લોકો સાચી હકીકત જાણી શકે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો