આ અભિનેત્રીએ બધા સામે કપડાં કેમ ઉતાર્યાં?

શ્રીરેડ્ડી Image copyright FACEBOOK/SRI REDDY

"હું મારી લડાઈમાં એકલી છું. કારણ કે મારું દુઃખ કોઈને દેખાતું નથી. જેને કારણે મારે આ પગલું ભરવું પડ્યું અને જાહેરમાં કપડાં ઊતારવાં પડ્યાં."

આ કહેવું છે તેલુગુ ફિલ્મ અભિનેત્રી શ્રીરેડ્ડી મલ્લિડીનું.

તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કથિત જાતીય સતામણીનો વિરોધ કરતાં શ્રીરેડ્ડીએ ગયા અઠવાડિયે હૈદરાબાદ ફિલ્મ સિટીમાં મુવી આર્ટિસ્ટ એસોસિયેશન સામે કપડાં ઊતાર્યાં હતાં.

તેઓ કહે છે કે તેમની પાસે તેમની વાત કહેવાનો અને સરકાર પાસે તેમની માગો પર જવાબ માગવાનો આ એકમાત્ર રસ્તો બચ્યો હતો.

તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, "જ્યારે ફિલ્મી દુનિયામાં લોકો મારા નગ્ન ફોટા અને વીડિયો મોકલવાનું કહેતા હોય, ત્યારે હું શા માટે જાહેરમાં કપડાં ન ઊતારું?"


સસ્તી લોકપ્રિયતા માટે ભર્યું પગલું?

Image copyright FACEBOOK/SRI REDDY

શ્રીરેડ્ડીએ પોતાની કારકિર્દી સ્થાનિક ટીવી ચેનલમાં પ્રેઝેન્ટર તરીકે શરૂ કરી હતી. પાંચ વર્ષ પછી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

તેમણે કેટલીક તેલુગુ ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે અને આ બનાવ પછી તેઓ હેડલાઇન્સમાં આવી ગયાં છે.

અત્યાર સુધી તેમણે જાતીય સતામણીના કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

એટલે પ્રશ્નો ઊઠી રહ્યા છે કે શું તેમણે આવું લોકોનું ધ્યાન ખેંચવા અને લોકપ્રિયતા મેળવવા કર્યું?

શું મીડિયાએ તેમને 'સસ્તી લોકપ્રિયતા' મેળવવા માટે પ્રોત્સાહન આપ્યું?

તેમણે આ બન્ને વાતો નકારી દીધી છે.


'અમે તમને રોલ આપશું, બદલામાં અમને શું?'

Image copyright FACEBOOK/MADHVI LATA

હિંદી અને તમિલ ફિલ્મ ઉદ્યોગ પછી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ એટલે કે ટૉલીવુડ સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે.

સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2015-16માં તેલુગુ સિનેમાએ 269 ફિલ્મો બનાવી હતી.

'કાસ્ટિંગ કાઉચ' એક મોટી સમસ્યા છે. પરંતુ ઘણી વખત તેને છુપાવવામાં આવે છે અને ફિલ્મ ઉદ્યોગના લોકો જાહેરમાં કંઈ બોલતા નથી.

તેલુગુ ફિલ્મ અભિનેત્રી માધવી લતાએ વર્ષ 2017માં બીબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે ઉદ્યોગમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે જાતીય સતામણી એક પ્રશ્નથી શરૂ થાય છે. "જો અમે તમને ફિલ્મમાં રોલ આપીશું તો અમને બદલામાં શું મળશે?"

એક નવા ગીતકાર શ્રેષ્ઠાએ ચોંકાવનારી વાત જણાવી કે માત્ર પુરુષોથી જ નહીં, પરંતુ સ્ત્રીઓથી પણ આવી જોખમી માગ આવતી હોય છે.

પોતાના અંગત અનુભવને યાદ કરતા તેઓ કહે છે કે એક વખત એક નિર્માતાની પત્નીએ તેમના પતિની જાતીય માગ સ્વીકારી લેવાનું કહ્યું હતું.

હોલિવૂડમાં પણ હાર્વી વાઇન્સ્ટાઇન સામે આક્ષેપો લાગ્યા હતા. ન્યૂયૉર્ક ટાઇમ્સના એક લેખથી આ વાત બહાર આવી હતી.

એ પછી ઘણી મહિલાઓએ બહાર આવીને વાઇન્સ્ટાઇન સામે જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. જોકે તેઓ તો આ મહિલાઓના આરોપોને નકારતા રહ્યા.


શ્રીરેડ્ડીની વિરોધની રીત સાચી કે ખોટી?

Image copyright FACEBOOK/SIVAJI RAJA

મૂવી આર્ટિસ્ટ એસોસિયેશને હવે શ્રીરેડ્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સંગઠનના પ્રમુખ શિવાજી રાજાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને ખોટા વર્તનને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

તેઓ પૂછે છે કે શા માટે શ્રીરેડ્ડીએ પોલીસમાં ફરિયાદ કરી નહોતી અને તેઓ કોઈપણ પુરાવા વિના જ વાતો કરે છે.

તેલુગુ ફિલ્મ નિર્માતા દગ્ગુબત્તી સુરેશ બાબુએ કહ્યું કે શ્રીરેડ્ડીએ જે રીતે વિરોધનો માર્ગ અપનાવ્યો, તેમણે ભારતની તમામ મહિલાઓનું અપમાન કર્યું છે.

ફિલ્મ આર્ટિસ્ટ એસોસિયેશનના સભ્યપદની માગણી સિવાય શ્રીરેડ્ડીએ કહ્યું કે સરકારે ફિલ્મ સ્ટુડિયોને બંધ કરી દેવો જોઇએ. તેમનો આક્ષેપ છે કે તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને તેમનો બળાત્કાર પણ ત્યાં થયો હતો.


લોકોની પ્રતિક્રિયા

Image copyright FACEBOOK/SRI REDDY

શ્રીરેડ્ડીના આ સમગ્ર પ્રકરણમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે.

મહિલા અધિકારો માટે કામ કરતી સંસ્થા 'ચેતના'ના સેક્રેટરી કટ્ટી પદ્મા કહે છે, "ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણી થાય છે. પણ શ્રીરેડ્ડીએ જે વર્તન કર્યું છે, અમે તેના કારણે તેમની સાથે ઊભા ન રહી શકીએ."

કેટલાક લોકોએ શ્રીરેડ્ડીને સોશિયલ મીડિયા પર સમર્થન આપ્યું છે.

વૈજયંતી વસંત મોગલી એક પ્રસિદ્ધ ટ્રાન્સજેન્ડર કાર્યકર છે. તેમણે પણ શ્રીરેડ્ડીને ટેકો આપ્યો છે.

ફેસબુક પોસ્ટમાં તેઓ લખે છે, "તેણે(શ્રીરેડ્ડીએ) ફિલ્મ ઉદ્યોગમાં હિંમત સાથે જાતીય સતામણી વિશે વાત કરી ઇતિહાસ રચ્યો છે. આવું પહેલાં ક્યારેય જોયું નથી. હોલીવૂડના '#MeToo' કેમ્પેઇન બાદ જાતીય સતામણી અને હિંસા અંગે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટેન્ડની દરેક રાહ જોઈ રહ્યા છે અને આશા છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની સાથે કોઈપણ સમાધાન નહીં કરે. તેવું કહેવું કે આવું તો બધે થાય છે, કામ કરવાની સુરક્ષિત જગ્યા નક્કી કરવાની જવાબદારીમાંથી ભાગવા જેવું છે."

શ્રીરેડ્ડીની વિરોધ કરવાની રીતને કારણે ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ