'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસ એ ઉપવાસ નથી ઉપહાસ છે'

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

દેશમાં હાલમાં ઉપવાસની મોસમ ચાલી રહી હોય એવું કેમ લાગે છે?

દેશમાં દલિતો વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધીએ રાજઘાટ પર એક દિવસનો ઉપવાસ કર્યો.

તો એ જ રીતે વિપક્ષ દ્વારા બજેટ સત્રને બરબાદ કરી દેવાના આરોપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા.

ઉપવાસને ગાંધીજીએ એક પવિત્ર અને અસરકારક હથિયાર તરીકે અપનાવ્યા હતા.

ગાંધીજી ઉપવાસનો ઉપયોગ આત્મશુદ્ધિ માટે અને અંતિમ પ્રયાસ તરીકે કરતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ગાંધીજીનો આશય અને શુદ્ધતાની જ અસર હતી કે જે દેશમાં ભૂખમરાને કારણે લોકો મરતા હતા એ જ દેશમાં ઉપવાસ એક સફળ શસ્ત્ર બની શક્યું હતું.

ગાંધીજીને કારણે દેશમાં લોકપ્રિય બનેલું ઉપવાસનું શસ્ત્ર એટલું અસરકારક હતું કે ગાંધીજીથી એકદમ સામા છેડાની વિચારધારા ધરાવતા ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓએ જેલમાં ઉપવાસ કર્યા હતા.

પણ, વર્તમાન સમયમાં જોવા મળી રહેલા રાજનેતાઓના ઉપવાસનો શો અર્થ તરે છે?


ઉપવાસનો અર્થ

Image copyright Getty Images

વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી બીબીસી સાથે વાત કરતા પૂછે છે, ''જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ પર બેઠા હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે ઉપવાસ પર બેસવાનું હોય કે સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય એવું પૂછનારા કોણ હતા? ''

કોઠારી ઉમેરે છે, '' ગાંધીજી જે ઉપવાસ કરતા એમનો ઉદ્દેશ આત્મશુદ્ધિનો હતો. મોદીએ જ્યારે 'સદ્દભાવના ઉપવાસ' કર્યા હતા એમા થોડા ઘણા અંશે એ ભાવ હતો પણ હાલના ઉપવાસમાં એવો કોઈ જ ભાવ નથી દેખાઈ રહ્યો.''


ગાંધીજીનો ઉપવાસ

Image copyright Getty Images

ગાંધીજીની વાત કરતા કોઠારી કહે છે, '' ગાંધીજી માટે ઉપવાસ 'અંતિમ સાધન' હતું. એમનાથી બનતા પ્રયાસો કરી લેવાયા બાદ પણ જો કોઈ કાર્ય સિદ્ધ ના થાય તો ઉપવાસ કરતા હતા. આવા જ ભાવ સાથે એમણે 1924માં હિંદુ-મુસ્લિમ એકતા માટે 21 દિવસના ઉપવાસ કર્યા હતા.''

ઉપવાસ કરનારા વ્યક્તિની નૈતિક્તા પણ ઉપવાસ સાથે મહત્વનો ભાગ ભજતી હોવાની જણાવતા વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહ કહે છે, '' ગાંધી વખતની પરિસ્થિતિ પણ અલગ હતી અને ગાંધીજીનું વ્યક્તિત્વ પણ અલગ હતું. તેમનું 'નૈતિક ધોરણ' બહુ જ ઉચ્ચ હતું. જ્યારે આજના રાજકારણી 'અનૈતિક લોકો' છે.''


ઉપવાસ કે નાટક?

Image copyright Getty Images

મોદીના ઉપવાસને નાટક માત્ર ગણાવતા શાહ ઉમેરે છે, ''ઉપવાસના નામે આ નાટક થઈ રહ્યું છે. આવા ઉપવાસનો કોઈ જ અર્થ નીકળતો નથી.''

વરિષ્ઠ પત્રકાર અને સામાજિક વિશ્લેષક પ્રકાશ ન. શાહ આ અંગે વાત કરતા કહે છે, ''આ એક પ્રકારનો નાટકીય વ્યવહાર માત્ર છે. એ સિવાય કશુ જ નથી.''

તેઓ ઉમેરે છે, ''શાસક પક્ષે ઉપવાસ પર બેસવાને બદલે સંસદ ગૃહ કેમ ચાલતું નથી એ વાતનો ઉકેલ લાવવો જોઈએ."

"વિપક્ષ સાથે કેવો વ્યવહાર કરવો એની જવાબદારી શાસક પક્ષની છે. પણ, એવું કશું જ કર્યા વગર સીધા જ ઉપવાસ પર બેસી જવાનું 'વાસ્તવિક મૂલ્ય' કશું જ નીકળતું નથી.''


ઉપવાસ કે ઉપહાસ?

Image copyright Getty Images

લોકો ઉપવાસ પર ક્યારે વિશ્વાસ કરે એ અંગે વાત કરતા શાહ જણાવે છે, ''જો એ કક્ષાની કોઈ વ્યક્તિ ઉપવાસ કરે તો લોકો એના પર ચોક્કસથી વિશ્વાસ કરે. ''

અન્ના હજારેનું ઉદાહરણ આપતા તેઓ જણાવે છે, ''અન્ના ગાંધીજી કે જયપ્રકાશ નારાયણ નહોતા. પણ, તેઓ હાલના રાજકારીઓ જેવા પણ નહોતા."

"એટલે જ એ જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે હજારો લોકોએ એમને સાથ આપ્યો. બાકી, આજના રાજકારણીઓના મોંમા ઉપવાસ શોભતા નથી.''

તો ઈતિહાસકાર અને ગાંધી જીવનના અભ્યાસુ સુધિર ચંદ્રા વર્તમાન નેતાઓના ઉપવાસને માત્ર એક પંક્તિમાં આલેખે છે. ચંદ્રા કહે છે કે, 'મોદી દ્વારા કરાઈ રહેલા ઉપવાસ, ઉપવાસ નથી પણ ઉપવાસનો 'ઉપહાસ' છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ