દિલ્હી : કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર ઘટનાના વિરોધમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ

રાહુલ ગાંધીની તસવીર Image copyright TWITTER/INC

ઉન્નાવ અને કઠુઆમાં થયેલા બળાત્કાર કેસને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે દિલ્હીમાં કેન્ડલ માર્ચ યોજી હતી.

આ માર્ચમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો.

વળી કેન્ડલ માર્ચમાં રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રૉબર્ટ વાડ્રા પણ જોડાયા હતા.

દિલ્હીના માનસિંહ રોડથી શરૂ થયેલી આ રેલી ઇન્ડિયા ગેટ પર પૂરી થઈ હતી.

મધ્યરાત્રિએ કેન્ડલ માર્ચને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.


રાહુલ ગાંધીએ રેલીમાં શું કહ્યું?

રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "દેશમાં મહિલાઓ સામે એક પછી એક બળાત્કાર અને હિંસાની જે ઘટનાઓ બની રહી છે, અમે તેનો વિરોધ કરીએ છીએ."

"અમે ઇચ્છીએ છીએ કે સરકાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. આજે ભારતની મહિલાઓને ઘરની બહાર નીકળવામાં ડર લાગે છે."

"આથી અમારી માગણી છે કે સરકાર આ મામલે ઉકેલ લાવે જેથી દેશની મહિલાઓ શાંતિથી જીવી શકે."

કેન્ડલ માર્ચમાં સામેલ લોકોમાં ઉન્નાવમાં સગીરા સાથે ભાજપના ધારાસભ્ય દ્વારા કથિત બળાત્કાર અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ નિર્મમ હત્યાને પગલે રોષ હતો.


માર્ચમાં હાજર મહિલાઓનો રોષ

માર્ચંમાં ઉપસ્થિત મહિલાઓનો આરોપ હતો કે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સરકાર મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા મામલે નિષ્ફળ ગઈ છે.

તેમના હાથમાં બેનર્સ હતાં અને તેમાં મહિલાઓ સામે અત્યાચારના સૂત્રો લખેલાં હતાં.

અત્રે નોંધવું રહ્યું કે રાહુલ ગાંધીએ મોડી સાંજે ટ્વીટ કરીને લોકોને કેન્ડલ માર્ચમાં સામેલ થવા માટે અપીલ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે ટ્વીટમાં લખ્યું હતું, "લાખો ભારતીયોની જેમ હું પણ આજે દુઃખી છું. આજે જે રીતે મહિલાઓ સાથે વ્યવહાર કરવામાં આવે છે, તેને સહન કરવામાં આવશે નહીં."

"હિંસાના વિરોધ અને ન્યાયની માંગ માટે મારી સાથે શાંતિપૂર્ણ કેન્ડલમાર્ચ માટે ઇન્ડિયા ગેટ પર સામેલ થાવ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો