નિર્ભયા મુદ્દે વાચાળ મોદી કઠુઆ-ઉન્નાવ મુદ્દે મૌન

નિર્ભયા સમયે લોકોએ કરેલા વિરોધ પ્રદર્શનોની તસવીર Image copyright Getty Images

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા સાથે તથા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની સાથે ગેંગરેપની ઘટના બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

વિપક્ષનો આરોપ છે કે, આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે કેન્દ્ર સરકાર ગંભીર નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.

તાજેતરની રેપની ઘટનાઓએ 2012માં નવી દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપની યાદ તાજી કરાવી દીધી છે.

સોશિયલ મીડિયા યૂઝર્સ વર્ષ 2014નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શેર કરી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'નિર્ભયાને ભૂલશો નહીં.'

સોશિયલ મીડિયા યૂઝર્સ સવાલ ઊઠાવી રહ્યા છે કે હવે વડાપ્રધાન મોદી મૌન કેમ છે?


શું હતું મોદીના ટ્વીટમાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 29મી એપ્રિલ 2014ના રોજ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું, 'નિર્ભયાને ભૂલશો નહીં.' તેમણે @narendramodi_in હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું.

મોદીએ ટ્વીટમાં લખ્યું હતું, "નિર્ભયાને ભૂલશો નહીં. બેકાર યુવાનોને ભૂલશો નહીં. ખેડૂતોની આત્મહત્યાને ભૂલશો નહીં. દેશના સૈનિકોના માથા કેવી રીતે વાઢી લેવામાં આવ્યા હતા, તે ભૂલશો નહીં."

મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર હતા.

30 એપ્રિલના 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશની 89 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.


નિર્ભયાકાંડ પછી સ્થિતિ સુધરી?

Image copyright COURTESY FAMILY OF ASIFA BANO
ફોટો લાઈન આસિફા બાનો

2012માં 23 વર્ષીય ફિઝિયોથેરેપીની વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. મીડિયાએ તેને 'નિર્ભયા' નામ આપ્યું હતું.

લોકોમાં આક્રોશને પગલે સરકારે રેપ-વિરોધી કાયદાને વધુ કડક બનાવ્યા. અમુક કિસ્સાઓમાં દુષ્કર્મીઓને ફાંસીની સજા ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

હવે જાતીય સતામણી અને બળાત્કાર પર લોકો જાહેરમાં કે પરિવાર સાથે ચર્ચા કરતા થયા છે.

જોકે, મહિલાઓ તથા બાળકો સાથે જાતીય દુષ્કર્મની સંખ્યાઓ ઘટી નથી અને સતત વધી રહ્યા છે.


બાળકો સાથે સતામણી

Image copyright NOAH SEELAM/AFP/GETTY IMAGES

- 2016 દરમિયાન 19,765 ચાઇલ્ડ રેપ કેસ પોલીસના ચોપડે નોંધાયા હતા.

- લગભગ 24 કરોડ મહિલાઓ 18 વર્ષની થઈ તે પહેલાં જ તેમનાં લગ્ન કરી દેવાયાં હતાં.

- બાળકોનું શોષણ કરનારા 50 ટકા લોકો 'નજીકના કે જેમની ઉપર ભરોસો મૂકેલો હોય' તેવા હોય છે.

સ્રોત - ભારત સરકાર, યુનિસેફ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો