નહેરુને ડૉ. બાબાસાહેબ આંબેડકર કેમ પસંદ નહોતા?

ડો. બાબાસાહેબ આંબેડકર Image copyright Getty Images
ફોટો લાઈન ડો. બાબાસાહેબ આંબેડકર

ડૉ. બાબાસાહેબ આંબેડકરને કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીમાં પ્રવેશતા રોકવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસ કર્યા હતા.

બાબાસાહેબ લાગણીશીલ વ્યક્તિ હતા. તેમની સામાજિક પરિવર્તનપ્રિયતા કોંગ્રેસ માટે ચિંતાનું કારણ હતી.

તેથી કોંગ્રેસે તેમને કોન્સ્ટિટ્યૂશનલ એસેમ્બ્લીથી દૂર રાખવાના પ્રયાસ કર્યા હતા અને સમાન વિચારવાળા કેટલાક દલિત નેતાઓથી કામ ચલાવ્યું હતું.

કોન્સ્ટિટ્યૂશનલ એસેમ્બ્લીમાં પ્રારંભે મોકલવામાં આવેલા 296 સભ્યોમાં ડૉ. આંબેડકર જેવા બુદ્ધિજીવીને સ્થાન ન મળ્યું હતું એ દુઃખદ બાબત છે.

પ્રાંતિય વિધાનસભાઓએ કોન્સ્ટિટ્યૂશનલ એસેમ્બ્લી માટે સભ્યોને ચૂંટવાના હતા ત્યારે મુંબઈ પ્રાંતના શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના સભ્યોની ઓછી સંખ્યાને કારણે ડૉ. આંબેડકરના ચૂંટાઈ આવવાની શક્યતા ઘટી ગઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

મુંબઈના તત્કાલીન મુખ્ય પ્રધાન બી. જી. ખૈરે સરદાર પટેલની સૂચના અનુસાર સુનિશ્ચિત કર્યું હતું કે 269 સભ્યોવાળી કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીમાં ડૉ. આંબેડકર ચૂંટાઈ ન શકે.

ડૉ. આંબેડકર ચૂંટાઈ ન શકે એટલા માટે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ એકેય બેઠક ખાલી ન રાખી ત્યારે અવિભાજિત બંગાળમાં દલિત-મુસ્લિમ એકતાના સ્થપતિ જોગેન્દ્રનાથ મંડલે મુસ્લિમ લીગની મદદથી ડૉ. આંબેડકરને બંગાળમાંથી ચૂંટીને કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીમાં મોકલ્યા હતા.


મુસ્લિમ લીગે કરી મદદ

Image copyright Getty Images

એ જાણવું પણ રસપ્રદ છે કે આપણે આજે જે ડૉ. આંબેડકરને જાણીએ છીએ તે મુસ્લિમ લીગનું સર્જન હતા.

કોંગ્રેસે જેમને ઇતિહાસની કચરા પેટીમાં ફેંકી દીધા હતા એ ડૉ. આંબેડકરને મુસ્લિમ લીગે તેમાંથી બહાર કાઢ્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ મુસ્લિમ લીગને ટેકો આપતા હતા તેનું એક કારણ હતું.

તેઓ માનતા હતા કે દલિત વિરોધી અને કોમી કોંગ્રેસ પક્ષ શાસિત ભારતને બદલે મહમ્મદ અલી ઝીણાના પાકિસ્તાનમાં અનુસૂચિત જાતિના લોકોનું ભવિષ્ય બહેતર હશે.

જોગેન્દ્રનાથ મંડલ લઘુમતીના રખેવાળ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ કરતાં મહમ્મદ અલી જિન્નાના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને વધારે આદરણીય ગણતા હતા.

તેથી જોગેન્દ્રનાથ મંડલે ભારત છોડ્યું હતું અને પાકિસ્તાનના પહેલા કાયદા પ્રધાન જ નહીં, તેના સ્થાપકો પૈકીના એક પણ બન્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ પાકિસ્તાન સરકારમાં ભારે આદર ધરાવતા હિંદુ હતા અને મુસ્લિમોની બહુમતીવાળા પાકિસ્તાનમાં બિનસાંપ્રદાયિકતાના પ્રખર હિમાયતી હતા.

જોકે, ઝીણાના મૃત્યુ પછી તેમનાં સપના ચકનાચૂર થઈ ગયાં હતાં.


અનેક અવરોધ

Image copyright EPA

કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીમાં પ્રવેશતાં પહેલાં ડૉ. આંબેડકરે થોડા અવરોધ પાર કરવાના હતા.

વિભાજનની યોજના અનુસાર, જે પ્રદેશમાં 51 ટકાથી વધારે વસતી હિંદુઓની હોય તે ભારતનો હિસ્સો બનશે, જ્યારે જેમાં 51 ટકાથી વધારે મુસ્લિમો હોય એ પ્રદેશ પાકિસ્તાનને મળશે.

ચાર જિલ્લા- જસ્સોર, ખુલના, બોરિશાલ અને ફરિદપુરે મહાત્મા ગાંધી અને કોંગ્રેસની ઇચ્છાથી વિપરીત ડૉ. આંબેડકરને ચૂંટ્યા હતા.

આ ચાર જિલ્લામાં વસતા લોકો પૈકીના 71 ટકા હિંદુ હતા.

કરાર અનુસાર આ ચારેય જિલ્લા ભારતના હિસ્સામાં આવવા જોઈતા હતા, પણ ડૉ. આંબેડકરને ચૂંટવા બદલ લોકોને સામુહિક શિક્ષા કરતા હોય તેમ જવાહરલાલ નહેરુએ એ જિલ્લા પાકિસ્તાનને આપી દીધા હતા.

તેના પરિણામે ડૉ. આંબેડકર પાકિસ્તાનની કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીના સભ્ય બન્યા હતા. તેમનું ભારતીય કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

બંગાળના વિભાજન બાદ પશ્ચિમ બંગાળમાં કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લી માટે નવેસરથી ચૂંટણી યોજવી જરૂરી હતી.

ડૉ. આંબેડકર એસેમ્બ્લીના સભ્ય રહ્યા નથી, પણ બંધારણને નહીં સ્વીકારવાનું અને તેને રાજકીય મુદ્દો બનાવવાનું વલણ તેમણે લીધું હોવાનું સ્પષ્ટ થયા બાદ કોંગ્રેસના મોવડીઓએ તેમને પોતાની સાથે લેવાનો નિર્ણય કર્યો હતો.

બોમ્બેના ન્યાયવિદ્ એમ. આર. જયકરે એસેમ્બ્લીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેમનું સ્થાન જી. વી. માવલંકર લેવાના હતા.

કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લી 15 ઓગસ્ટ, 1947થી સાર્વભૌમ ભારતની કેન્દ્રીય ધારાસભા તરીકે કાર્યરત થાય, ત્યારે જી. વી. માવલંકર તેનું વડપણ સંભાળે એવી યોજના હતી, પણ જયકરના સ્થાને ડૉ. આંબેડકરને લાવવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો હતો.


રાજીનામા પછીનું નિવેદન

Image copyright DEEKSHABHOOMI/BBC

એ પછી ડૉ. આંબેડકરે 1951ના સપ્ટેમ્બરમાં કેબિનેટમાંથી રાજીનામું આપ્યું ત્યારે લોકસભામાં સ્પીકરે તેમને તેમનું નિવેદન રજૂ કરવા દીધું ન હતું.

નિયમ અનુસાર, પોતે શા માટે રાજીનામું આપ્યું છે તે જણાવવા માટે કોઈ પણ પ્રધાન વ્યક્તિગત નિવેદન કરી શકે છે.

ડૉ. આંબેડકરે નિવેદનમાં તેમના રાજીનામાનાં કારણો દર્શાવ્યાં હતાં. જવાહરલાલ નેહરુને તેમના વિશ્વાસ ન હતો.

એ ઉપરાંત અનુસૂચિત જાતિઓ પ્રત્યેની સરકારની બેદરકારીથી પણ ડૉ. આંબેડકર નારાજ હતા.

હિંદુ કોડ બિલ સાથે કરવામાં આવેલા વ્યવહારને કારણે આખરે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.

આ ખરડો 1947માં ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એ વિશે ચાર વર્ષ સુધી કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

ડૉ. આંબેડકર હિંદુ કોડ બિલને "દેશની ધારાસભાએ લીધેલું સામાજિક સુધારણાનું મહાનતમ પગલું" ગણતા હતા.

હિંદુ કોડ બિલ પસાર કરાવવા માટે પોતે પ્રતિબદ્ધ છે એવું વચન વડાપ્રધાને ગૃહને વારંવાર આપ્યું હતું.

તેમ છતાં એ ખરડો આખરે પડતો મૂકવામાં આવે તે વડાપ્રધાને કઈ રીતે સુનિશ્ચિત કર્યું હતું. તેનો વિગતવાર ખુલાસો ડૉ. આંબેડકરે કર્યો હતો.

ડૉ. આંબેડકરે લખ્યું હતું, "વડાપ્રધાનના વચન અને કામ વચ્ચે ફરક હોઈ શકે છે એવું મેં વિચાર્યું ન હોય તો દોષ નિશ્ચિત રીતે મારો ન ગણાય."


કોંગ્રેસે પછી પણ હેરાન કર્યા

Image copyright Getty Images

કોંગ્રેસે એ પછી પણ ડૉ. આંબેડકરને શાંતિથી રહેવા દીધા ન હતા.

1952માં ડૉ. આંબેડકર ઉત્તર મુંબઈ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને એન. એસ. કાજોલકરે તેમને હરાવ્યા હતા.

કાજોલકર ડૉ. આંબેડકરના ભૂતપૂર્વ અંગત મદદનીશ હતા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા હતા.

કોંગ્રેસે એ માટે એવું કારણ આપ્યું હતું કે ડૉ. આંબેડકર સોશિયલ પાર્ટી સાથે હતા અને તેમનો વિરોધ કરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો.

હકીકત એ હતી કે ડૉ. આંબેડકરે થોડા સમય પહેલાં જ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને રાજીનામાનું મુખ્ય કારણ હિંદુ કોડ બિલ વિશેનું તેમનું અંગત વલણ હતું.

ડૉ. આંબેડકર સામે કોંગ્રેસ જ્ઞાતિવાદી રાજકારણ રમ્યો હતો અને ડૉ. આંબેડકરને સંસદમાં પ્રવેશતા રોકવા માટે તેમના જ ભૂતપૂર્વ મદદનીશને તેમના પ્રતિસ્પર્ધી બનાવ્યા હતા.

ચૂંટણી દરમ્યાન જવાહરલાલ નહેરુએ ઉત્તર મુંબઈ મતવિસ્તારની બે વખત મુલાકાત લીધી હતી અને ડૉ. આંબેડકરનો પરાજય સુનિશ્ચિત કરવા માટે સામ્યવાદી પક્ષનો ટેકો માગ્યો હતો.

જવાહરલાલ નહેરુના ભરપૂર પ્રયાસને કારણે ડૉ. આંબેડકરનો 15 હજાર મતથી પરાજય થયો હતો.

જોકે, એ કથાનો ત્યાં અંત આવ્યો ન હતો. 1954માં ભંડારા લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસે વધુ એકવાર ડૉ. આંબેડકરને હરાવ્યા હતા.


ડૉ. આંબેડકર પ્રત્યે નહેરુનો અણગમો

Image copyright Getty Images

આ ઘટનાઓ પૂરવાર કરે છે કે કોંગ્રેસ તથા તેના નેતાઓ, ખાસ કરીને જવાહરલાલ નહેરુએ ડૉ. આંબેડકરનો ક્યારેય વિશ્વાસ કર્યો ન હતો અને ડૉ. આંબેડકર પ્રત્યેના તેમના અણગમાને છૂપાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.

હિંદુ સમાજમાં વાસ્તવિક સમાનતા અને સુધારા વિશેના ડૉ. આંબેડકરના ક્રાંતિકારી વિચારો કોંગ્રેસને તથા તેના સહિષ્ણુ, લોકશાહીપ્રેમી તેમજ ઉદારમતવાદી નેતાઓને સ્વીકાર્ય ન હતા.

(લેખક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગમાં પ્રોફેસર છે. આ તેમના અંગત વિચારો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો