વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ : મેરી કોમનો છ ગોલ્ડમેડલ મેળવી વર્લ્ડરૅકૉર્ડ

મેરી કૉમની તસવીર Image copyright Getty Images

ભારતીય બૉક્સર મેરી કોમે દેશ માટે વિશ્વ ચૅમ્પિયનશિપની આશા ઊજળી કરી દીધી છે. વીમૅન વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ સેમિફાઇનલમાં પ્રવેશી ગયાં છે.

હવે તેઓ યુરોપિયન ચૅમ્પિયન બુઝેનાઝ ચાકિરોગ્લુ સાથે ટકરાશે.

આ સાથે જ મેરીએ પોતાના નામે છ સુવર્ણચંદ્રક પણ અંકે કરી લીધા છે અને હવે સાતમાં ચંદ્રક પર તેમની નજર છે. હાલ સુધી મેરીએ ત્રણ અલગઅલગ શ્રેણીમાં ચંદ્રકો મેળવ્યા છે.

થોડા મહિના પૂર્વે 35 વર્ષની ઉંમરે મેરી કોમે એશિયન ચૅમ્પિયનશિપમાં મેડલજીત્યા બાદ કૉમેનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

કૉમનવેલ્થ ગેમ્સ જ એક એવી સ્પર્ધા હતી જેમાં મેરી કોમે સુધી મેડલ નહોતો જીત્યો.

તેમના રોજિંદા જીવનની વાત કરીએ, તો સવારે તેઓ દિલ્હીના રાષ્ટ્રીય કેમ્પમાં તાલીમ લઈને ત્યાંથી સીધા જ સંસદ સત્ર પહોંચે છે.

જેથી તેઓ એક સાંસદ તરીકે રાજ્ય સભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે અને તેમના નામ આગળ ગેરહાજર ન લખાય.


આયર્ન લેડી

Image copyright Getty Images

તે એમ જ આયર્ન લેડી તરીકે નથી ઓળખાતાં. મેરી કોમ બોક્સિંગ રિંગમાં જેટલાં લડાયક છે એટલાં જ અસલ જીવનમાં પણ છે. તેમણે જીવનમાં મુશ્કેલીઓનો મજબૂતીથી સામનો કર્યો છે.

વર્ષ 2011માં મેરી કોમના સાડા ત્રણ વર્ષના પુત્રના હૃદયનું ઓપરેશન થવાનું હતું.

આ જ સમયે તેમને ચીનમાં એશિયા કપના પ્રવાસે જવાનું હતું. આથી નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો.

આખરે તેમના પતિ પુત્ર સાથે રહ્યા અને મેરી કૉમ એશિયા કપમાં ભાગ લેવા ગયાં.

તેઓ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ જીતીને આવ્યાં.

પણ આ બધું તેમના માટે સરળ નહોતું. મેરી કોમ પાંચ વખત વિશ્વ ચૅમ્પિયન રહી ચૂક્યાં છે અને બોક્સિંગમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.

વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


મેરી કોમનું બાળપણ

Image copyright Getty Images

મણિપુરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા મેરી કોમનો પરિવાર નહોતો ઇચ્છતો કે તેઓ બૉક્સિંગ કરે.

બાળપણમાં તેઓ ઘરનું કામકાજ કરતાં અને ખેતરમાં જતાં, ભાઈ-બહેનની સારસંભાળ રાખતાં.

તેમ છતાં આ તમામ કામકાજ સાથે પણ તેઓ પ્રૅક્ટિસ કરતાં રહેતાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

એ સમયે ડિંકો સિંહે 1998માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઘટનાએ મેરી કોમમાં બૉક્સિંગ પ્રત્યે આકર્ષણ જન્માવ્યું હતું.

ઘણા લાંબા સમય સુધી તેમના માતાપિતાને ખબર જ ન હતી કે તેઓ બૉક્સિંગ કરી રહ્યાં છે.

Image copyright Getty Images

વર્ષ 2000માં અખબારમાં મેરી કેમની સ્ટેટ ચૅમ્પિયનશિપની તસવીર છપાઈ હતી. આથી તેમના માતાપિતાને તેની જાણ થઈ ગઈ.

તેમના પિતાને ડર હતો કે બૉક્સિંગમાં ઈજા થશે, તો તેની સારવાર કરાવવી મુશ્કેલ હશે અને લગ્ન મામલે પણ મુશ્કેલીઓ નડશે.

જોકે, મેરી કોમ મક્કમ રહ્યાં અને તેમના માતાપિતાએ તેમની જીદ સામે ઝૂકવું પડ્યું.

મેરી કોમે 2001 બાદ ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી છે. આ દરમિયાન તેમનાં લગ્ન થયા અને તેમને ત્રણ બાળકો છે.

પાંચ વખતના વર્લ્ડ ચૅમ્પિયન મેરી કોમે તેમની આખરી બે વિશ્વ ચૅમ્પિયનશિપ અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ માતા બન્યાં પછી જીત્યાં છે.


જ્યારે ઓલિમ્પિક માટે પણ ક્વૉલિફાય ન થયાં

વર્ષ 2012માં ઓલિમ્પિકમાં તેમની સામે એ પણ પડકાર હતો કે, તેમણે 48 કિલોગ્રામ કૅટેગરીની જગ્યાએ 51 કિલોગ્રામ કૅટેગરીમાં બોક્સિંગ કરવું પડ્યું હતું.

અગાઉ આ કૅટેગરીમાં તેમણે માત્ર બે જ મેચ રમી હતી. તેમણે કારકિર્દીમાં ખરાબ સમયનો પણ સામનો કર્યો, જ્યારે તેઓ 2014માં ગ્લાસગોમાં ક્વૉલિફાય નહોતાં થઈ શક્યાં.

મેરી કોમ રિયો ઓલિમ્પિક માટે પણ ક્વૉલિફાય નહોતાં કરી શક્યાં.

તેમણે અંગત જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ સહન કરી છે.

Image copyright Getty Images

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા તેમનાં બન્ને પુત્રોને સંબોધતાં પત્રમાં તેમણે લખ્યું હતું કે કઈ રીતે તેઓ 17 વર્ષની વયે યૌન શોષણનો શિકાર બન્યાં હતાં.

મણિપુરમાં તેઓ પ્રથમ વખત તેનો શિકાર બન્યાં હતાં. ત્યાર પછી દિલ્હીમાં અને હિસ્સારમાં તેમની સાથે આવું થયું હતું.

આ એ સમય હતો જ્યારે મેરી કોમ બોક્સિંગમાં તેમની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં.

તેઓ જ્યારે તેમની ત્રીજી વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતીને ઘરે પરત ફર્યાં હતાં, ત્યારે કેટલાંક સમય બાદ તેમના સસરાની હત્યા કરી દેવામાં આવી હતી.


બોક્સિંગ રિંગમાં અલગ જ રૂપ

Image copyright Getty Images

જોકે, દર વખતે મેરી કોમે વિકટ પરિસ્થિતિને માત આપી છે. પણ બોક્સિંગ રિંગમાં તેઓ અલગ જ રૂપમાં જોવા મળે છે.

વર્લ્ડ બોક્સિંગ ચૅમ્પિયન, ઓલિમ્પિક ચૅમ્પિયન, સાંસદ, બોક્સિંગ અકાદમીના માલિક, રમતગમત મામલે દેખરેખ રાખનારા સરકારી અધિકારી અને એક માતા તથા પત્ની...એમ મેરી કોમ એક સાથે આ તમામ ભૂમિકા બખૂબી નીભાવી રહ્યાં છે.

વળી તેઓ આ દરેક કામમાં એટલું જ ધ્યાન આપે છે જેટલું તેઓ બોક્સિંગ રિંગમાં આપતા હોય છે.

બીબીસીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે એક વાર કહ્યું હતું કે, "રિંગમાં માત્ર બે જ બોક્સર હોય છે. આથી જ્યારે તમે રિંગમાં જાવ, ત્યારે તમે જો આક્રમક ન હોવ, તો તમે અસલ બોક્સર નથી."

પોતાની અંદરના આ જ આક્રોશને રિંગમાં ઊતારીને કદાચ મેરી કોમ અહીં સુધી પહોંચ્યાં છે.

તેમનું સપનું તેમનાં જેવાં 1000 મેરી કોમ બનાવવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો