BBC SPECIAL: કઠુઆ ગેંગરેપ કેસ - 'અમે અમારી દીકરીને કબ્રસ્તાનમાં દફન સુદ્ધાં ન કરી શક્યાં'

બાળકીની માતાની તસવીર
ફોટો લાઈન બાળકીની માતા

સવાલ....એક માતાના સેંકડો સવાલ, એ માતા જેની આઠ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કરીને ગળું દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. એ માતાના સવાલ, જેની દીકરી સાથે થયેલા દુષ્કર્મે કોમવાદની ખાઈને વધુ ઊંડી કરી નાખી.

'અમારી દીકરી...તેણે ક્યાં દુનિયા જોઈ હતી? શું તેણે ચોરી કરી હતી? તેમણે શા માટે એની હત્યા કરી?'

'ત્યાંથી લઈ ગયા. ખબર નહીં કે ગાડીમાં લઈ ગયા કે ઉપાડીને લઈ ગયા. ખબર નહીં કઈ રીતે હત્યા કરી?...'

'અમને એજ અફસોસ છે....કેવી નિર્મમ રીતે તેની હત્યા કરી'

આટલેથી તેના સવાલ અટકતા નથી. એક પછી એક. એક માતાનાં દિલનાં ઊંડાણમાંથી નીકળતું દર્દ.

ફોટો લાઈન બકરવાલ સમુદાયની મહિલાઓ

કઠુઆના દૂધર નાળાના પહાડી વિસ્તારમાં જ્યારે અમારી સામે એક પછી એક સવાલ કરવામાં આવ્યા, ત્યારે મનમાં વારંવાર આઠ વર્ષીય બળાત્કાર પીડિત આરિફાનો ચહેરો આવી જતો હતો.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
કઠુઆ ગેંગરેપ કેસ: શું કહે છે ગામના લોકો

એકદમ માતા જેવો ચહેરો. મોટી ચમકતી આંખો અને ગોરો વાન.

એક સેકન્ડમાં ફરી ધ્યાન ગયું તો તેમણે કહ્યું, "મારી દીકરી ખૂબ સુંદર હતી, ચાલાક હતી. હોશિયાર પણ હતી, તે જંગલમાં જઈને પરત આવી જતી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

"પરંતુ એ દિવસે પરત ન ફરી અને અમને તેની લાશ મળી."

પાસે જ ઘેટાં-બકરાં તથા ગાયો ફરી રહ્યા હતા. બકરવાલોના શ્વાન સાંકળથી બંધાયેલા છે. ઘોડા ચરી રહ્યા હતા.

બહેને કહ્યું કે આરિફાને પણ ઘોડા ખૂબ જ પસંદ હતા અને ઘોડાઓ સાથે રમવાનો શોખ હતો. આરિફા સારી રીતે ઘોડેસવારી કરી શકતી હતી.

એ દિવસે પણ આરિફા ઘોડા ચરાવવા જંગલોમાં ગઈ હતી. જ્યાંથી તેનું અપહરણ કરી લેવાયું હતું. સાત દિવસ બાદ તેની લાશ મળી આવી હતી. તેની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

દુખી માતા કહે છે, "અગાઉ મારે ત્રણ દીકરીઓ હતી, હવે બે રહી."

ભાઈની દીકરીનું અકસ્માતે મૃત્યુ થયું હતું. જેના પરિણામે પરિવારે આરિફાનો કબ્જો ભાઈને સોંપી દીધો હતો.

જ્યારે દુર્ઘટના ઘટી, ત્યારે પીડિતા તેના અસલી માતા પિતા સાથે સાંબામાં રહેતા હતાં. જયારે કે આરિફા તેમના મામાની સાથે કઠુઆમાં રહેતી હતી.

સાત દિવસ બાદ લાશ મળી. જોકે, તેનો કબજો મેળવવો પણ સરળ ન હતો.

પિતાના કહેવા પ્રમાણે, "પોલીસવાળાઓએ કહ્યું કે તમારા બકરવાલોમાંથી જ કોઈકે હત્યા કરી હશે. તેઓ કહી રહ્યાં હતાં કે ગ્રામજનો આવું દુષ્કૃત્ય ન કરી શકે."

માતા કહે છે, "મોતે મરી હોત તો અમે ધીરજ ધરી લીધી હોત. કહેત કે મોતે મરી. દુનિયા મરે છે એ પણ મરી ગઈ."

પિતા કહે છે, "અમે તેને અમારા કબ્રસ્તાનમાં દફન સુદ્ધાં ન કરી શક્યા. રાત્રે જ અમારે તેને બીજા ગામમાં ખસેડવી પડી હતી."

(આરિફા એ પીડિતાનું બદલેલું નામ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ