દૃષ્ટિકોણ : તોગડિયાની વિદાયમાં છૂપાયેલું છે સંઘનું મોદીને સમર્થન

મોહન ભાગવત, પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી Image copyright Getty Images

દિલ્હીની નજીક ગુરુગ્રામમાં દેખાતા દૃશ્યો આશ્ચર્યજનક હતા. કડક સુરક્ષા વચ્ચે એક ચૂંટણી યોજાઈ રહી હતી.

ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા વિશે નવાઈ પામવા જેવું કંઈ નથી હોતું. પરંતુ આ ચૂંટણી પણ અનોખી હતી અને સુરક્ષા વ્યવસ્થા પણ થોડી અલગ હતી.

53 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મતદાન કરવામાં આવ્યું હતું.

આવું શા માટે થયું તે માટે પડદા પાછળની વાત સમજવી ખૂબ જ જરૂરી છે.

સમગ્ર વિવાદની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાથી થઈ. તોગડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો ખટરાગ કોઈ છૂપી વાત નથી.

એક સમયે બન્ને નેતાઓ સાથે હતા. પરંતુ ધીમેધીમે બંનેના સંબંધમાં ખટાશ આવતી ગઈ.


તોગડિયાના આરોપ

Image copyright SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ખટાશ એટલી વધી ગઈ કે તાજેતરમાં જ તોગડિયાએ ગુજરાત અને રાજસ્થાનની ભાજપની સરકાર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ મૂક્યા હતા.

તેઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને તે જ રીતે અચાનક એક હૉસ્પિટલમાં પ્રગટ થયા હતા.

નિષ્ણાતો માને છે કે આ તોગડિયાનું પોતાનું જ નાટક હતું.

આ પહેલાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકાને વિશે સંઘ પરિવારમાંથી જ વિરોધના સ્વર ઉઠ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

એવું કહેવાયું હતું કે તોગડિયાએ પટેલ આંદોલનને ભડકાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

ચૂંટણી દરમિયાન તેમની ઘણી વીડિયો ક્લિપ્સ વૉટ્સઍપ પર ચાલતી રહી હતી.

પરંતુ 9 એપ્રિલની પ્રેસ કૉન્ફરન્સ બાદ સ્થિતિ વણસી ગઈ. આ કૉન્ફરન્સમાં તોગડિયાએ ભાજપ પર રામ મંદિરની અવગણના કરવાનો આરોપ મૂક્યો.


વીએચપીનું અધ્યક્ષ પદ

Image copyright PTI
ફોટો લાઈન વીએચપીના નવા અધ્યક્ષ કોકજે જ્યારે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લઈ રહ્યા હતા ત્યારની તસવીર

તોગડિયાએ આરોપ મૂક્યો હતો કે સરકાર રામ મંદિરના સ્થાને મસ્જિદ બનાવી શકે છે.

સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ, એ પછી નક્કી થઈ ગયું હતું કે તોગડિયાનું વીએચપીમાં રહેવું શક્ય નથી.

ત્યારબાદ જ 14મી એપ્રિલની ચૂંટણીની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી.

જોકે, તોગડિયાને તેનો અણસાર આવી ગયો. તેઓ સમજી ગયા કે વીએચપીના અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તૈયારી થઈ રહી છે.

વાસ્તવમાં વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી હતા. જેમને તોગડિયાના નજીકના માનવામાં આવતા હતા.

આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જ કાર્યકારી અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને નામાંકિત કરે છે.


સંઘની યોજના

Image copyright SANJAY KANOJIA/AFP/GETTY IMAGES

એટલે જ રાઘવ રેડ્ડીના સ્થાને કોઈ અન્યને અધ્યક્ષ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી.

વીએચપીના અધ્યક્ષની ચૂંટણી માટેના બોર્ડની યાદી બનાવવામાં આવી હતી.

દરેકને આવવા માટેનું કહેવામાં આવ્યું હતું. આમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય મતદાતાઓ પણ હતા.

તોગડિયાએ મતદાતા યાદીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો અને આરકે પુરમમાં વીએચપીના સમર્થકો સાથે હંગામો કર્યો. મારપીટની ફરિયાદો પણ થઈ.

ત્યારબાદ 14 એપ્રિલના મતદાન દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિણામ સંઘની યોજના મુજબનું જ નીકળ્યું.

હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને પૂર્વ ન્યાયમૂર્તિ વિષ્ણુ સદાશિવ કોકજે ચૂંટાઈ આવ્યા હતા.


નિશાના પર મોદી

Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

પૂર્વ ન્યાયમૂર્તિ વિષ્ણુ સદાશિવ કોકજેને 161 મત મળ્યા હતા અને રાઘવ રેડ્ડીને 60 મત મળ્યા હતા. એક મત અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પછી તરત જ કોકજેએ પદાઅધિકારીઓને નામાંકિત કર્યા હતા. તોગડિયાની જગ્યાએ આલોક કુમારને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આલોક કુમાર આરએસએસના દિલ્હીના વરિષ્ઠ નેતા છે. તેમણે ભાજપમાં પણ લાંબો સમય કામ કર્યું છે.

આ પછી તોગડિયાએ વીએચપી છોડવાની જાહેરાત કરી. તેમણે ભૂખ હડતાળ પર બેસવાની પણ વાત કરી હતી.

નિષ્ણાતો માને છે કે વીએચપી વિના હવે તેમની શક્તિ લાંબા સમય સુધી રહેશે નહીં.

ભાજપ અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી હવે તોગડિયાના નિશાના પર રહેશે.


વિવાદાસ્પદ છા

Image copyright NARINDER NANU/AFP/GETTY IMAGES

સમાચાર છે કે તેઓ એક પુસ્તક પણ લખી રહ્યા છે જેમાં પીએમ મોદી પર પણ કેટલાય આરોપો લગાવી શકે છે.

છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસી નેતાઓ અને હાર્દિક પટેલ સાથેના તેમના સંબંધો ચર્ચામાં રહ્યા છે.

રહસ્યમય રીતે અદ્રશ્ય થયા બાદ હૉસ્પિટલમાં ઉપસ્થિત થયા ત્યારે હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તેમને મળવા ગયા હતા.

પરંતુ તોગડિયાની વિવાદાસ્પદ છાપ અને ઉશ્કેરણીજનક નિવેદનોને લીધે કોંગ્રેસની નજીક આવાની શક્યતા ઓછી છે.

પરંતુ ભાજપ અને ખાસ કરીને પીએમ મોદીને નિશાન બનાવવા માટે તોગડિયાના ખભે બંદૂક ન મૂકવાનું કોંગ્રેસ પાસે ભાગ્યે જ કોઈ કારણ હોય.


અનુભવોમાંથી શીખ

Image copyright MANPREET ROMANA/AFP/GETTY IMAGES

પરંતુ આ એપિસોડે એક વસ્તુ સ્પષ્ટ કરી છે. આરએસએસ વડા પ્રધાન મોદીના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરવા તત્પર છે.

આ વાજપેયી સરકાર વખતના કડવા અનુભવોની શીખ છે.

કારણ કે તે સમયે સંઘ એક સુપર પાવરની જેમ જ નહીં પણ અસલી હાઈ કમાન્ડની જેમ સરકારને નિયંત્રિત કરતું જણાતું હતું.

એ ન તો સંઘની છબી માટે સારું રહ્યું કે, ન તો વાજપેયી સરકાર માટે.

ત્યારે સંઘના સંલગ્ન સંગઠનો જેવા કે સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ વગેરે એ જે અવરોધો ઊભા કર્યા તેનાથી સરકારની છાપ ખરડાઈ હતી.


સંઘ અને ભાજપ

Image copyright PRAKASH SINGH/AFP/GETTY IMAGES

એટલું જ નહીં, સરકાર ગઈ એ પછી પણ તત્કાલીન સંઘ પ્રમુખ કે. એસ. સુદર્શને વાજપેયીની વડાપ્રધાન ઓફિસ અને તેમના દત્તક પુત્ર રંજન ભટ્ટાચાર્ય વિશે આકરી ટિપ્પણીઓ કરી હતી.

આથી વાજપેયીની છાપને નુક્સાન થયું હતું.

ગત ચાર વર્ષ દરમિયાન આવા બનાવોની સંખ્યા નહીં જેવી જ રહી હતી. સ્વદેશી જાગરણ મંચ નીતિ આયોગના કામ પર ટીકા કરે છે.

પરંતુ રસપ્રદ રીતે આયોગની કામગીરીની સમીક્ષા માટે યોજવામાં આવેલી મેરેથોન બેઠકમાં સ્વદેશી જાગરણ મંચના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા, જેથી ફરિયાદોને સામેસામે બેસીને દૂર કરી શકાય.

આરએસએસ અને ભાજપ વચ્ચે પણ દર ત્રણ મહિને સંકલન બેઠક યોજવામાં આવે છે.

સંઘના વડા, પીએમ અને ભાજપના અધ્યક્ષ સતત એકબીજા સાથે સંપર્કમાં રહે છે, જેથી કોઈ ગેરસમજ ન થાય અને મહત્ત્વના મુદ્દાઓ પર પરસ્પર અભિપ્રાય આપી તરત જ નિર્ણયો લઈ શકાય.


સંઘની મહત્ત્વાકાંક્ષા

Image copyright NARINDER NANU/AFP/GETTY IMAGES

આરએસએસ પર નજર રાખી રહેલા વૉલ્ટર એન્ડરસન અને શ્રીધર કામલે નવું પુસ્તક લખી રહ્યા છે.

બન્ને લેખકોએ અલગ-અલગ ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે કે મોદીને માટે સંઘ લાંબાગાળાની યોજના ધરાવે છે. .

એમ કહેવામાં આવ્યું છે કે સંઘ ઇચ્છે છે કે મોદી સરકાર લાંબા સમય સુધી સમય સત્તામાં રહે.

જેથી સંઘની ભારતને જગતગુરુ બનાવવાની મહત્ત્વાકાંક્ષાને આગળ વધારી શકાય.

કદાચ આ જ કારણસર જ સંઘ દ્વારા સરકારની કામગીરીમાં અવરોધ ઊભા કરવામાં આવે છે, તેવા કોઈ સંકેત આપવા નથી માંગતું.

ઉલ્ટું તે સરકારનો રસ્તો સરળ બનાવવા માગે છે.

તોગડિયા જેવા કાંટાને આ જ વ્યૂહરચનાને કારણે દૂર કરવામાં આવે છે.


શક્તિશાળી મોદી

Image copyright PTI

મોહન ભાગવત જાણે છે કે સંઘનો ઉદ્દેશ્ય પૂરો કરવામાં સરકાર મોટી ભૂમિકા ભજવી શકે છે અને ભજવી પણ રહી છે.

તેઓ એ પણ જાણે છે કે ભાજપમાં આજની તારીખે નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી અને મત મેળવી શકનારા બીજા કોઈ બીજા નેતા નથી.

આવી પરિસ્થિતિમાં સંઘ મોદીના હાથ મજબૂત કરવા માગે છે.

આ જ કારણ છે કે તોગડિયા હોય કે બીજા કોઈપણ નેતા, તેમના માટે મોદીથી વ્યક્તિગત સંઘર્ષ અને લડાઈને સમર્થન આપવાનો આ સમય નથી.

એટલે જ તોગડિયાને તેમનો માર્ગ પસંદ કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવી. અશોક સિંઘલના મૃત્યુ બાદ વીએચપીને મોટો ઝાટકો લાગ્યો હતો.

જે વીએચપીની સ્થાપના એમએસ ગોલવલકર અને એસએસ આપ્ટેએ કેએમ મુન્શી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માસ્ટર તારા સિંહ અને સ્વામી ચિન્મયાનંદ જેવા દિગ્ગજો સાથે મળીને કરી, સિંઘલના મૃત્યુ પછી તેનો પ્રભાવ ઓછો થઈ ગયો.


સિંઘલ પછી...

Image copyright MANPREET ROMANA/AFP/GETTY IMAGES

તોગડિયા તેમની જગ્યા લઈ શક્યા નહીં. આ પાછળ તેમની મહત્ત્વકાંક્ષા તથા મોદી સાથે વ્યક્તિગત સંઘર્ષ કારણભૂત રહ્યા.

હવે કોકજે અને આલોક કુમારને વીએચપીની કમાન સોંપવામાં આવી છે. તેઓ સંઘની 'હા' માં 'હા' કરનારા નેતાઓમાંના છે.

આગામી સમયમાં રામ મંદિરને લઈ ફરી એક વખત વીએચપીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.

જુદા-જુદા પક્ષોને સાથે લાવી કોર્ટ બહાર જ આ વિવાદ ઉકેલવાનો પણ પ્રયાસ થઈ શકે છે.

આ રીતે વીએચપીનું નરમ નેતૃત્વ મોટી ભૂમિકા ભજવી શકે છે. કોકજે અને આલોક કુમાર પાસેથી સંઘની આ જ અપેક્ષા હોઈ શકે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ