સુરત રેપ કેસ પર સોશિયલ મીડિયામાં પ્રગટ્યો રોષ, રાજ્ય બાળ અધિકાર પંચે માગ્યો રિપોર્ટ

રેપ

શરીર પર 86 ઘાવની પીડા અને રાક્ષસી કૃત્યનો ભોગ બનેલી સુરતની બાળકીના મૃતદેહને મળે અઠવાડિયાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ અપરાધીઓ પર શીકંજો કસવામાં પોલીસના હાથ હજી પણ ખાલી છે.

બીજી તરફ ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ પંચે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. પંચે પોલીસ પાસેથી આ મુદ્દે રીપોર્ટ માંગ્યો છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનાં ચેર પર્સન જાગૃતિબહેન પંડ્યાએ કહ્યું, "આ કેસ સંદર્ભે આયોગ સુરત પોલીસના સંપર્કમાં છે અને પોલીસ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

"આ રિપોર્ટ અમને સોમવારે સુરત પોલીસનો રિપોર્ટ મળે તેવી શક્યતા છે."

Image copyright Getty Images

આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.

જાણીતી સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ, સૌ કોઈ આ ઘટના સાંભળીની સમસમી ગયા છે.

મે આ વાંચ્યું કે નહીં?

ટ્વિટર પર લોકોએ ટ્વીટ કરી આ વિશે ગુસ્સો પ્રગટ કર્યો છે.

ફિલ્મ અભિનેત્રી સોનાલી બેંદ્રેએ ટવિટ કર્યું અને લખ્યું, 'અને હોરર ચાલુ છે... આ બધાનો ક્યારે અંત આવશે? ન્યાય મળવો જ જોઇએ.'

ફિલ્મ અભિનેતા રાહુલ બોસે પણ ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું કે આપણે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે કાળજી રાખવી પડશે. આપણા સમાજને આના કરતાં વધારે સારો બનાવવો પડશે.

રોડ્ડિઝ ફેમ ટીવી સેલિબ્રિટી રઘુરામે લખ્યું, 'ભારતમાં આ શું થઈ રહ્યું છે?

બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓ માટે મોતની સજાનો કાયદો ક્યારે બનશે?'

મીસ એશિયા રહી ચૂકેલી ઇપ્સિતા પતીએ કઠુઆ, ઉન્નાવ અને સુરતને હેશટેગ કરીને પૂછ્યું કે શું છોકરીઓ આવા ગુનાનો ભોગ બનવા જન્મ લે છે?

દુષ્કર્મ અને હત્યા - એનો શું વાંક હતો? આવું કેમ બની રહ્યું છે?

રાજેન નાયર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે રેપની સ્ટોરીઝ દિવસે દિવસે વધારે ભયાનક બની રહી છે.

કે. એસ. વિજય ભાસ્કર નામના એક યૂઝરે રોષ પ્રકટ કરતાં સવાલ ઉઠાવ્યો કે શું આપણે નિર્દય અને જંગલી પ્રાણીઓની વચ્ચે જીવી રહ્યાં છીએ?

સોશિયલ મીડિયામાં લોકોની પ્રતક્રિયા વચ્ચે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું, "ગુમ થયેલા બાળકોના 8000 ફોટાઓ સાથે મૃત બાળકીના ફોટાને મેચ કરાવવામાં આવ્યો હતો.

"પરંતુ હજી સુધી બાળકીની ઓળખ થઈ શકી નથી."

મૃતક બાળકીની ઓળખ પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોનો પણ સહકાર મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા મદદરૂપ થનારને રૂ. 20 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

દરમિયાન સુરત પોલીસ અન્ય રાજ્યોની પોલીસ પાસ પણ મદદ લઈ રહી છે.


બાળકી સુરત બહારની હોવાની સંભાવના

Image copyright Getty Images

સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું, "આ બાળકી ગુજરાત કે સુરતની નથી લાગી રહી. તે ઓડિશા કે પશ્ચિમ બંગાળની હોઈ શકે છે."

પોલીસને એ પણ શક છે કે બાળકી સાથે દુષ્કર્મ સુરત બહાર કરવામાં આવ્યું હશે. ત્યાર બાદ તેના મૃતદેહને ભેસ્તાન વિસ્તારના રોડ પાસેની ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો છે.

સુરત પોલીસ ઓડીશાની પોલીસ સાથે સંપર્કમાં છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે.

પોલીસે મૃત બાળકીના ફોટાના 1200 પોસ્ટર બનાવી સુરતમાં લગાડ્યા છે.


ગુજરાતમાં મહિલાઓ/બાળકીઓની સ્થિતિ

Image copyright Thinkstock
  • નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 'ક્રાઇમ ઇન ઇન્ડિયા-2016' અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં મહિલાઓ સામે અત્યાચારના 8,532 કેસ નોંધાયા હતા.
  • આ રિપોર્ટ મુજબ, સુરતમાં 2015માં 502 તથા 2016માં 565 કેસ નોંધાયા હતા. જોકે, 2014માં આ આંક 694નો હતો.
  • ફેબ્રુઆરી 2018માં નીતિ આયોગ દ્વારા 'Healthy States, Progressive India'ના નામે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે મુજબ 2011-13 દરમિયાન ગુજરાતમાં બાળકીઓનો જન્મદર દર 100 બાળકોએ 911નો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ