તોગડિયા પર ભારે પડનાર કોણ છે વીએચપીના નવા પ્રમુખ?

વિષ્ણુ સદાશિવ કોક્જેની તસવીર Image copyright TWITTER

છેલ્લા ત્રણ દાયકાથી પ્રવીણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) સાથે જોડાયેલા હતા.

વર્ષ 2011થી તેઓ વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આમ છતાં, તોગડિયાને પરિષદમાંથી ભારે મને વિદાય લેવાનો વારો આવ્યો.

તોગડીયા પોતાના ઉમેદવાર રાઘવ રેડ્ડીને જીતાડી શક્યા નહીં અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિષ્ણુ સદાશિવ કોક્જેના હાથમાં વીએચપીની કમાન આવી ગઈ.

રાઘવ રેડ્ડીને માત્ર 60 મત જ મળ્યા. જ્યારે કોક્જેને 131 મત મળ્યા. મતોની સંખ્યા એ વાત સ્પષ્ટ કરી દે છે કે સંગઠનમાં તોગડિયાનો પ્રભાવ કેટલો ઘટી ગયો છે.

શનિવારે આ માટેનું ગુપ્ત મતદાન કરાયું. નોંધનીય છે કે છેલ્લા 52 વર્ષમાં પ્રથમ વખત વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

આપને આ વાંચવું ગમશે :

6 સપ્ટેમ્બર વર્ષ 1939ના રોજ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના દાહી ગામમાં જન્મેલા વિષ્ણુ સદાશિવ કોક્જેએ પ્રારંભિક શિક્ષણ ધારમાં જ લીધું હતું.

એ બાદ ઇંદોરની હોલકર કોલેજમાંથી તેમણે ગણિત, આંકડાશાસ્ત્રમાં અનુસ્નાતક કર્યું. તેમણે કાયદાનો અભ્યાસ પણ ઇંદોરમાંથી જ કર્યો.

તેમણે અહીની ક્રિશ્ચિયન કોલેજમાંથી જ સામાજિક વિજ્ઞાનમાં અનુસ્નાતક પણ કર્યું અને વર્ષ 1964માં વકીલાત શરૂ કરી.

Image copyright Getty Images

વર્ષ 1964માં કોક્જે મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ બન્યા. વર્ષ 1994માં તેમની બદલી રાજસ્થાનમાં થઈ. જ્યાં ચાર વર્ષ માટે તેમણે ઍડમિનિસ્ટ્રેટિવ જજ તરીકે ફરજ બજાવી.

કોક્જે 11 મહિના સુધી રાજસ્થાન હાઇકોર્ટના પ્રભારી મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યા અને વર્ષ 2001માં તેઓ નિવૃત થયા.

જૈન મુનિ લોકેન્દ્ર વિજય પર બળાત્કારનો આરોપ અને બાદમાં આત્મહત્યાની તપાસ માટે ગઠીત આયોગમાં કોક્જેની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વર્ષ 2003માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલાં કોક્જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયા.

એપ્રિલ 2012થી 2014 સુધી તેઓ ભારત વિકાસ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ રહ્યા.

કોક્જે છેલ્લા ત્રણ વર્ષથી વીએચપીના ઉપાધ્યક્ષ હતા. તેમને ઇંદોરનાં સાંસદ અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજના અંગત માનવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વીએચપીમાં અધ્યક્ષના નામ માટે સહમતિ ના સધાતા ચૂંટણીનો રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો.

અહીં એ વાત પણ નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રવીણ તોગડિયાએ આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

સંગઠન પરથી તોગડિયાની પકડ નબળી પડવાનું પાછળ એમના દ્વારા કરાઈ રહેલી સંઘ અને મોદીની ટીકાને મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો