Top News: વર્ષ 2017માં ગુજરાતમાં 492 બાળકીઓ પર બળાત્કાર

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

'ગુજરાત સમાચાર'ના એક અહેવાલમાં ગૃહવિભાગને ટાંકીને જણાવાયું છે કે વર્ષ 2017માં ગુજરાતમાં 492 બાળકીઓ બળાત્કારનો ભોગ બની હતી.

બળાત્કારના આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે લેવાયા છે.

અહેવાલ અનુસાર વર્ષ 2017માં 2514 બાળકોના અપહરણના કિસ્સા નોંધાયા હતા. એટલે કે રાજ્યમાં દર મહિને 200 બાળકોના અપહરણની ઘટના બની હતી.

અહેવાલમાં ગુજરાત પોલીસને ટાંકીને એવું પણ જણાવાયું છે કે રાજ્યમાં એક વર્ષમાં 44 બાળકોની હત્યા કરી દેવાઈ હતી.


બ્યુરોક્રેટ્સનો મોદીને ખુલ્લો પત્ર, ''ડાર્કેસ્ટ અવર'માં સરકાર નિષ્ફળ'

Image copyright Getty Images

એનડીટીવીના એક રિપોર્ટમાં જણાવાયું છે કે દેશના 49 નિવૃત બ્યુરોક્રેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે. 'કઠુઆ અને ઉન્નાવની દુઃખદ ઘટના દર્શાવે છે કે સરકાર પોતાની મૂળભૂત જવાદારીઓને નિભાવવામાં નિષ્ફળ રહી છે.'

પત્રમાં એવું પણ કહેવાયું કે, 'આ આપણા સમયનો સૌથી કાળો વખત(ડાર્કેસ્ટ અવર)' છે. અને તેને પહોંચી વળવા માટે સરકાર અને રાજકીય પક્ષોના પ્રયાસો બહુ જ મર્યાદિત અને નબળા છે.

પત્રમાં માગ કરવામાં આવી છે કે વડાપ્રધાન કઠુઆ અને ઉન્નાવના પીડિત પરિવારોની માફી માગે અને મામલાની ફાસ્ટ ટ્રેક તપાસ કરાવે.

આ સાથે જ બ્યુરોક્રેટ્સ દ્વારા આ પત્રમાં એવી પણ ભલામણ કરાઈ છે કે વડાપ્રધાન નફરત ફેલાવતા ભાષણો આપનારા અને ગુનેગાર લોકોને સરકારમાંથી હટાવે.


ગુજરાતમાં ખુલશે 253 ઇંગ્લિશ સ્કૂલ

Image copyright Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની 253 સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે.

ગુજરાતીઓમાં અંગ્રેજી ભાષાના નબળા સ્તરને સુધારવાનાના પ્રયાસના ભાગરૂપે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે રાજ્યના દરેક તાલુકામાં એક અંગ્રેજી માધ્યમની સરકારી શાળા ખોલવામાં આવશે.

જેના ભાગરૂપે અમદાવાદમાં જ આવતા વર્ષે અંગ્રેજી માધ્યમની 10 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે.


કઠુઆ કેસની આજથી સુનાવણી

Image copyright Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કઠુઆ બળાત્કાર અને હત્યાના કેસમાં આઠ આરોપી વિરુદ્ધ આજથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

કઠુઆ ચીફ મેજિસ્ટ્રેટની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, જેમા સાત લોકો વિરુદ્ધ આ મામલે આરોપ લગાવાયા છે.

જ્યારે સગીર આરોપીની સુનાવણી જુવેનાઇલ ઍક્ટ અંતર્ગત ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાથ ધરાશે.

આ મામલે જમ્મુ અને કાશ્મીરની સરકારે બે ખાસ સરકારી વકીલની નિમણૂક કરી છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે હિંદુ-મુસ્લિમને સાંકળતા આ કેસમાં 'નિષ્પક્ષતા' જળવાઈ રહે છે માટે બન્ને સરકારી વકીલ તરીકે શીખ સમુદાયની વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો