'ચાઇલ્ડ સેક્સ રેશિયો'નો ચિંતાજનક દર : ગુજરાતને દીકરી કેમ ગમતી નથી?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

''એનુ નામ લક્ષ્મી(બદલાવેલું નામ). ગરીબ પરિવારની દીકરી અને એવા જ ગરીબ પરિવારની વહુ.

એના સાસરીયા પક્ષે પુત્રનો ભયાનક હદે મોહ. પરિવારને પુત્રની એટલી લાલસા કે લક્ષ્મીને જ્યારે પણ, જેટલી વખત પણ ગર્ભ રહ્યો, 'ક્યાંક પુત્રી ના જન્મી જાય' એવી આશંકાએ તેનું ગર્ભ પરીક્ષણ કરાવાયું.

કિસ્મત જાણે લક્ષ્મીનાં સંતાનની વેરી હોય એમ દર વખતે ગર્ભ પરીક્ષણમાં પુત્રી હોવાનું સામે આવ્યું. અને દર વખતે પુત્રમોહમાં અંધ બનેલા પરીવારે લક્ષ્મીનો ગર્ભપાત કરાવી દીધો. એ પણ, લક્ષ્મી પુત્ર ઇચ્છે છે કે પુત્રી એ જાણવાની દરકાર કર્યા વગર જ.

આટલું જ નહીં, સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે લક્ષ્મી સાથે આવું એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત નહીં, નવ-નવ વખત થયું.

પુત્ર મોહની લાલસામાં નવ-નવ વખત લક્ષ્મીનો ગર્ભપાત કરાવવામાં આવ્યો અને એની કિંમત લક્ષ્મીને ચૂકવવી પડી.

લક્ષ્મીએ નવ-નવ વખત પોતાનું સંતાન તો ગુમાવ્યું જ પણ, ગર્ભાશયના કેન્સરે પણ તેને જકડી લીધી.

પરિવાર તો પહેલાંથી જ ગરીબ એટલે લક્ષ્મીની યોગ્ય સારવાર પણ ના થઈ અને આખરે એ બિચારી પુત્ર મોહની લાલસામાં અંધ બનેલા એ પરિવાર, એ સમાજ અને એ દુનિયાને છોડીને જતી રહી.''

બીબીસી સાથેની વાતચીતમાં મહિલાઓ માટે કામ કરતી 'ઓળખ' સંસ્થા સાથે જોડાયેલા ડૉ. અમી યાજ્ઞિકે ગુજરાતમાં ઘટી રહેલી બાળકીઓની સંખ્યા પાછળની પૂર્વભૂમિકા બાંધતો ઉપરોક્ત કિસ્સો જણાવ્યો હતો.


છોકરીઓની ઘટી રહેલી સંખ્યા

Image copyright Getty Images
  • 'ચાઇલ્ડ સેક્સ રેશિયો'નો ચિંતાજનક દર
  • દર 1000 છોકરાઓ સામે માત્ર 845 જ છોકરીઓ
  • બાળકીઓનું પ્રમાણ ઘટવા પાછળનું મુખ્ય કારણ પુત્ર માટેની પ્રબળ લાલસા

'બેટી બચાવો', 'બાલિકા સમૃદ્ધિ યોજના', 'કિશોરી શક્તિ યોજના', 'નારી ગૌરવ નીતિ'.

ગુજરાતમાં બાળકીઓને આવકારવા અને બાળકીઓને વધાવવા માટે સરકારે જે યોજનાઓ બનાવી છે એમાની કેટલીક યોજનાઓના આ નામ છે.

યોજનાઓનો ઉદ્દેશ સ્પષ્ટ છે, પુત્રીઓ માટે સમાજનું વલણ બદલાય, બાળકીઓના જન્મનું પ્રમાણ જળવાય.

જોકે, હકીકત કંઈક અલગ જ છે. નીતિ આયોગે તાજેતરમાં જ 'હેલ્થી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઇન્ડિયા' નામનો એક અહેવાલ પ્રગટ કર્યો છે, જે અનુસાર ગુજરાત માટે ચાઇલ્ડ સેક્સ રેશિયો ચિંતાજનક બન્યો છે. અહેવાલ અનુસાર ગુજરાતમાં દર 1000 છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ માત્ર 854 જ નોંધાયું છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, 'આ આંકડાઓ નિર્દેશ કરે છે કે કઈ રીતે 'સેક્સ-સિલેક્ટિવ અબોર્શન્સ' થકી છોકરીઓના જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે.

'નૅશનલ ફેમિલિ હૅલ્થ સર્વે'ના ગુજરાત અંગેના અહેવાલમાં જણાવાયું છે, 'ગુજરાતમાં પુત્ર માટેની પ્રબળ લાલસા જોવા મળે છે.'

'રાજ્યની કુલ વસ્તીના 15 ટકા પુરુષો અને 12 ટકા મહિલાઓ પુત્રીની સરખામણીએ પુત્ર ઇચ્છે છે. જ્યારે પુત્રની સરખામણીએ પુત્રીની ઇચ્છા રાખતા સ્ત્રીપુરુષો માત્ર 2-3 ટકા જ છે.'

અહેવાલ એવું પણ જણાવે છે કે, 'રાજ્યમાં વધુ બાળકો ઇચ્છતી મહિલાઓની ઇચ્છા તેમના પુત્રોની સંખ્યા પર આધાર રાખે છે.'

'દા.ત. બે બાળકો ધરાવતી મહિલાઓમાંથી બન્ને પુત્ર હોય એવી 92 ટકા મહિલાઓ અને સંતાનમાં માત્ર એક જ પુત્ર ધરાવતા 88 ટકા માતાપિતા વધુ સંતાન નથી ઇચ્છતાં. જ્યારે સંતાનમાં બન્ને પુત્રીઓ ધરાવતા માત્ર 54 ટકા માતાપિતા જ વધુ સંતાન નહોતા ઇચ્છતા.'


જાણો, તમારા જિલ્લામાં કેવું છે સ્ત્રી બાળજન્મનું પ્રમાણ?


છોકરીઓની સંખ્યા ઘટવા પાછળના કારણો

Image copyright Getty Images
  • બાળકીઓની સંખ્યા ઘટવા પાછળ સામાજિક અને આર્થિક કારણ જવાબદાર
  • આર્થિક વિકાસનો ભોગ બાળકીઓને બનવું પડ્યું
  • પુત્રીના લગ્ન વખતે થતો ખર્ચ અને દહેજ મોટી સમસ્યા
  • પિતૃસત્તાક પરિવારની ભાવના પુત્રીના જન્મ વિરુદ્ધ
  • સામાજિક રીતરિવાજ પણ પુત્રી પ્રોત્સાહનની વિરુદ્ધ

'તાતા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સ'માં ઍડવાન્સ સેન્ટર ફૉર વીમન્સ સ્ટડીઝ્ના ફેકલ્ટી પ્રોફેસર વિભૂતિ પટેલ ગુજરાતમાં ઘટી રહેલી બાળકીઓની સંખ્યાના કારણો બે વર્ગમાં વર્ગીકૃત કરે છે. સામાજિક અને આર્થિક.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "સમાજમાં જ્યાં જ્યાં પણ આર્થિક વિકાસ વધ્યો છે ત્યાં ત્યાં બાળકીઓને નુકસાન વેઠવું પડ્યું છે. બાળકીને ભણાવવી પડે અને એ માટે ખર્ચો કરવો પડે."

તેઓ આગળ ઉમેરે છે, "લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે લગ્ન બાદ પુત્રી પારકા ઘરે જતી રહે છે તો એનાં પાછળ કરાયેલા ખર્ચાનું વળતર શું? વળી, પુત્રીના લગ્ન વખતે દહેજ આપવો પડે એ પણ ગરીબ લોકો માટે એક મોટી સમસ્યા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રોફેસર પટેલના મતે, ''આવી જ માનસિક્તાએ 'બાળકીને ભણાવવી એટલે પડોશીના છોડના પાણી પાવું' જેવી કહેવતોને જન્મ આપ્યો. અર્થતંત્રમાં પુત્રીને સ્થાન નથી. પુત્રીનો જન્મ એટલે ભવિષ્યની ગરીબીનો સ્વિકાર કરવો, એવું પણ કેટલાય લોકોનું માનવું છે."

સમાજમાં આજે પણ પુત્રને 'બુઢાપાની લાઠી' માનવામાં આવે છે. જેનાથી વિપરીત પુત્રીના લગ્ન વખતે આપવો પડતો દહેજ પણ ગરીબ લોકો માટે પુત્રના મોહને વધારવાનું કારણ બની જાય છે.


દહેજની સમસ્યા

Image copyright Getty Images
  • પટેલ અને રાજપૂત સમુદાયમાં દહેજની મોટી સમસ્યા
  • પુત્રીના માતા-પિતા માટે દહેજ આર્થિક ફટકા સમાન
  • શૈક્ષણિક અને આર્થિક વિકાસે પણ દહેજને પ્રોત્સાહન આપ્યું
  • ઔદ્યોગિકરણ અને મુક્ત અર્થતંત્રએ આર્થિક અસુરક્ષાની ભાવના વિકસાવી
  • આર્થિક અસુરક્ષાની ભાવનામાં દહેજએ વધારો કર્યો.
  • રાજપૂત અને પાટીદાર સમાજમાં બાળકીઓનું ઘટતું પ્રમાણ ચિંતાજનક
  • બન્ને સમાજમાં બાળકીઓની ગર્ભહત્યાનું મોટું પ્રમાણ

દહેજપ્રથાને કારણે ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા વર્ગોમાં દીકરીના માતાપિતા પર વિપુલ પ્રમાણમાં આર્થિક બોજ આવી જતો હોય છે.

કેટલાય માબાપ વરપક્ષની આર્થિક માગણીઓ પૂરી કરવાના પ્રયાસોમાં સમગ્ર જીવનની બચત ગુમાવી દેતા હોય છે.

લગ્ન વખતે આપવું પડતું દહેજ એ સામાજિક રીતે પુત્રીનું મહત્ત્વ ઘટાડે છે.

માનવ સંઘર્ષને ઉજાગર કરતી વેબસાઇટ countercurrents.org પર માનસ દાસગુપ્તા લખે છે, 'ગુજરાતમાં પટેલ અને રાજપૂત સમુદાયમાં દહેજની મોટી સમસ્યા છે.'

આજ વેબસાઇટ સાથેની વાતચીતમાં 'અમદાવાદ વીમૅન્ઝ ઍક્શન ગ્રુપ' સાથે જોડાયેલાં ઈલા પાઠક જણાવે છે, ''ગુજરાતમાં પરણિત મહિલાઓના શંકાસ્પદ સંજોગોમાં થયેલા 'આપઘાત' એ બાબત તરફ નિર્દેશ કરે છે કે દર વખતે આવી ઘટનાઓ અકસ્માત નથી હોતી.'' શૈક્ષણિક અને આર્થિક વિકાસની આડઅસર રૂપે દહેજને પ્રાધાન્ય મળ્યું હોવાનું પણ પાઠકનું માનવું છે.

પ્રોફેસર પટેલ આ અંગે વાત કરતાં જણાવે છે, 'સમાજમાં પુત્રીના જન્મને આર્થિક અસુરક્ષાની દ્રષ્ટીએ પણ જોવામાં આવે છે. ઔદ્યોગિકરણ અને મુક્તઅર્થતંત્રને કારણે આર્થિક અસુરક્ષાની ભાવના વધી છે. જેની અસર પણ પુત્રીની ઇચ્છા પર પડી રહી છે.'

અહીં એક રસપ્રદ બાબત એ પણ નોંધવી રહી કે દહેજ મામલે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઊલટી ગંગા વહે છે. અહીં વહુને બદલે વરના પરિવારે દહેજ ચૂકવવું પડે છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રો. ગૌરાંગ જાનીએ કહ્યું, "ગુજરાતમાં જેઠવા અને પાટીદાર સમુદાયો દ્વારા દહેજ લેવાની એક લાંબી પરંપરા રહી છે."


ગર્ભપાત : વધી રહેલું સામાજિક દૂષણ

Image copyright Getty Images
  • પાટીદાર સમાજમાં બાળકીની હત્યાનું ચિંતાજનક પ્રમાણ?
  • પ્રિકન્સેપ્શન અને પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ ઍક્ટનો બિનઅસરકારક અમલ
  • આર્થિક વિકાસે ગર્ભપાતને સરળ બનાવ્યો.
  • ગર્ભપાતની ટેક્નોલોજી હાથવગી બની

પ્રોફેસર જાની જણાવે છે, 'ગુજરાતમાં પાટીદાર સમુદાયમાં નવજાત છોકરીઓની હત્યા અને ગર્ભહત્યાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

વળી, પ્રિકન્સૅપ્શન અને પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ (પી.સી.પી.ડી.ટી.) ઍક્ટના બિનઅસરકારક અમલીકરણના કારણે, ગુજરાતમાં સેક્સના રેશિઓમાં ઘટાડો થયો છે.'

બાળકીની ગર્ભમાં જ હત્યા કરી દેવાની આ પરંપરા પરા પાછળ દહેજનો રિવાજ પણ ઘણા અંશે જવાબદાર છે.

વિભૂતિ પટેલ કહે છે, ''આર્થિક વિકાસ અને ટેકનૉલૉજીની ઉપલ્બધીએ ગર્ભપાત પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. વધી રહેલી ટેક્નૉલૉજીને કારણે ગર્ભપાતને હાથવગો બન્યો છે. જેનો ભોગ બાળકીઓને બનવું પડ્યું છે.''

તેઓ ઉમેરે છે, ''આજે અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો મોબાઇલ જેટલાં સરળ અને સસ્તા થઈ ગયા છે અને ગાડીમાં બેઠા બેઠા પણ ગર્ભપરિક્ષણ કરવું શક્ય બન્યું છે. વળી ગર્ભપાત કરતા તબીબો પણ આર્થિક લાલચ રોકી શકતા નથી. બજારની જે સંસ્કૃતિ વિકસી છે તે પણ આ માટે કારણભૂત છે.''

ગુજરાતમાં ખાસ કરીને સરહદ વિસ્તારોમાં આ મોટાપાયે ગર્ભપાતની પ્રવૃતિ ધમધમતી હોવાના કેટલાય મીડિયા રિપોર્ટ્સ છે.

સરહદી વિસ્તારોમાં આવેલાં દવાખાનાઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં લોકો ગર્ભપરીક્ષણ માટે આવતા હોય છે.

મહિસાગર જિલ્લામાં તાજેતરમાં જ રાજસ્થાન પોલીસ પાડેલા દરોડા અને તેમા ઝડપાયેલા ડૉક્ટરો આ વાતની સાક્ષી પૂરે છે.

અહીંના જ એક દવાખાનામાં પોતાની પત્નીનું ગર્ભપરીક્ષણ કરવાનાર એક શખ્સે નામ ના આપવાની શરતે બીબીસીના પ્રતિનિધી દક્ષેશ શાહ સામે આ વાત સ્વિકારી.

વ્યક્તિએ કહ્યું, "મહિસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી હૉસ્પિટલમાં મારા પત્નીનું ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું. ડૉક્ટરે રૂ.5000માં ગર્ભમાં પુત્ર હોવાની વાત જણાવી હતી. જો, પુત્રી હોત તો રૂ.10,000માં માં ગર્ભપાત કરવાની 'ઑફર' પણ અમને અપાઈ હતી."


સામાજિક પ્રયાસ

Image copyright Getty Images
  • સામાજિક મુદ્દે આવી રહી છે જાગૃતિ
  • પાટીદાર સમાજમાં અનેક સરાહનીય પ્રયાસો હાથ ધરાયા

ગુજરાતમાં બાળકીઓનું જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તેને કારણે કેટલીય સમસ્યાઓ સર્જાઈ રહી છે.

લોકોમાં ધીમેધીમે આ વાત સમજાઈ રહી છે અને આ દિશામાં પ્રયાસો પણ શરૂ કરાયા છે.

પાટીદાર સમાજમાં છોકરીઓનું પ્રમાણ ચિંતાજનક હદ્દે ઘટી ગયું છે. ત્યારે, સમાજમાં બાળકીઓ પ્રત્યેનો અભિગમ બદલવા માટે સામાજિક પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.

વર્ષ 2015માં પાટીદાર સમાજની 5000 દીકરીઓને રૂપિયા 2 લાખના બૉન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

જેથી સમાજમાં પુત્રીના જન્મને પ્રોત્સાહન મળે. સમાજ દ્વારા આવા કેટલાય કાર્યક્રમ હાથ ધરાયા છે.

તાજેતરમાં જ સુરતમાં પાટીદાર આગેવાન લવજી ડાલિયાએ પુત્રી જન્મને પ્રોત્સાહન આપવા પાટદાર સમાજમાં જન્મેલી બીજી પુત્રીને રૂપિયા 200 કરોડના 'સુકન્યા બૉન્ડ' એનાયત કર્યા હતા.

આવી જ રીતે રાજપૂત સમાજ દ્વારા પણ પહેલ હાથ ધરાઈ રહી છે.

તાજેતરમાં જ ઉના તાલુકાના મોઠા ગામે આયોજીત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નમાં 'બેટી બચાવો' અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયા હતો.


સરકારી પ્રયાસ

Image copyright Getty Images
  • સરકાર દ્વારા પુત્રી જન્મને લઈને અનેક યોજનાઓ

હાલમાં જ સમગ્ર ગુજરાતમાં 8 માર્ચ 2018ના દિવસે ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.

આ દિવસે જન્મેલી પ્રત્યેક છોકરીઓને સરકાર દ્વારા ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા પુત્રીજન્મને પ્રોત્સાહન મળે એ માટે હાથ ધરાયેલી કેટલીક યોજનાઓના ભાગરૂપે આ પ્રયાસ કરાયો હતો.

ગુજરાત સરકારની વેબસાઇટમાં જણાવાયું છે, 'જાતીય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હકક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્મક ભેદભાવ કરવાની રાજ્યને સત્તા આપી છે.'

વેબસાઇટ પર દાવો પણ કરાયો છે કે 'મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ માટે જાતીય સમાનતા ઊભી કરવાની મહત્વની જવાબદારી નીભાવે છે.'

બેવસાઇટનો એવો પણ દાવો છે કે સ્ત્રી-પુરુષના પ્રમાણમાં રહેલી અસમાનતાને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 'જૅન્ડર ઇક્વાલિટી પોલીસી(GEP)' બનાવાઈ છે. સરકાર દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેનું જાતીય પ્રમાણ દૂર કરવા માટે કેટલીય યોજનાઓ હાથ ધરી છે. જેમ કે,


કુંવરબાઇ મામેરું યોજના : આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને પુત્રીના લગ્‍ન માટે આર્થિક મદદ આપવામાં આવે છે.


સરસ્‍વતી સાધના યોજના : આ યોજનામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની વિદ્યાર્થિનીઓને સાઇકલ, હૉસ્ટેલ અને ભોજનની સુવિધા આપવામાં આવે છે.


સ્‍વંયસિદ્ધા યોજના : ગ્રામીણ મહિલાઓને સમાજના મુખ્યપ્રવાહમાં ભેળવવા, આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા પ્રયાસમગ્ન યોજના. આ અભિયાન અતંર્ગત ૨૦ જિલ્લામાં ૧,૭૬૦ ગામડાંઓમાં ૪૩,૨૦૦ મહિલાઓ સહભાગી બની છે. ૨,૭૦૦થી વધુ સહયોગી તેમને મદદ કરી રહ્યા છે.


કિશોરી શક્‍તિ યોજના : કિશોરીઓને સ્‍વવિકાસની તક પુરી પાડી, કુપોષણમાંથી બહાર કાઢી, જાતીયતાના કારણે ભોગવવી પડતી તકલીફોમાંથી મુક્‍તિ અપાવવાનો ઉદ્દેશ સાથે આ યોજના ધરવામાં આવી છે.

કિશોરીઓ વાંચતા-લખતાં શીખે અને સ્‍વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે તે માટે તેમને સુસજ્જ કરવાનો પ્રયાસ આ યોજના કરે છે. આ ઉપરાંત કિશોરીઓને ઘર-શિષ્ટાચાર તેમ જ વ્‍યવસાયિક તાલીમ આપી આરોગ્‍ય, સ્‍વચ્‍છતા, પોષણ, કુટુંબ કલ્‍યાણ અને બાળકોની સારસંભાળ જેવા મુદ્દે તેમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ પણ આ યોજનાના ભાગરૂપે કરાય છે.


બાલિકા સમૃદ્ધિ યોજના : આ યોજનાનો ઉદ્દેશ દીકરી અને તેની માતા પ્રત્‍યે કુટુંબનો અને સમાજનો દ્રષ્‍ટીકોણ બદલવાનો છે. યોજના અંતર્ગત ૧૫ ઓગસ્‍ટ, વર્ષ ૧૯૯૭ પછી જન્‍મેલી બાળકીના કુટુંબને ૫૦૦ રૂપિયા સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત જ્‍યારે કન્‍યા શિક્ષણ મેળવતી થાય ત્‍યારે તેના ખાતામાં ત્રણ સો રૂપિયા જમા થાય છે.એટલું જ નહીં, આ યોજના હેઠળ કન્‍યાને ૧,૦૦૦ રૂપિયાની સ્‍કોલરશીપ પણ આપવામાં આવે છે.


નારી-ગૌરવ નીતિ : રાજ્‍ય સરકારના વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં મહિલાઓનું ગૌરવ જળવાય તે હેતુથી આ નીતિ ઘડવામાં આવી છે. આ નીતિમાં એક ચોક્કસ કાર્ય યોજના ઘડવામાં આવી છે. આ નીતિ જાહેર અને ખાનગી, એમ બંને ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવી છે. જાતીય સમાનતાના વિવિધ પાસાંના અભ્‍યાસ માટે વિવિધ કાર્ય જુથ રચવામાં આવ્‍યા છે. આ કાર્ય જૂથો વચ્‍ચે સતત વિચારોનું આદાન પ્રદાન થતું રહે છે.


બેટી બચાવો: વર્ષ 2005માં વિશ્વ મહિલા દિવસે 'બેટી બચાવ ઝુંબેશ'નો પ્રારંભ કરવામાં આવ્યો. યોજના અંતર્ગત બાળ લિંગદરમાં થતા ઘટાડાને રોકી, તેમા વૃદ્ધિ લાવવા માટેનો પ્રયાસ.


આખરે ઉકેલ શો?

Image copyright Getty Images

આ બાબતે સામાજિક અને સરકારી સ્તરે કેટલાય પ્રયાસો કરાઈ રહ્યાં છે. પણ શું આ સમસ્યાનો ઉકેલ આટલાથી આવી જાય એમ છે.

જાની આ સંદર્ભમાં કહે છે, "ફક્ત પ્રતિકાત્મક કામગીરી સમાજમાં જાતીય સમાનતા અને સંવેદનશીલતા નહીં લાવી શકે."

મહિલાઓ માટે કામ કરતી સંસ્થા 'ચેતના'ના પ્રોજેક્ટ કૉ-ઑર્ડિનેટર સ્મિતા બાજપાયી જણાવે છે,

"આ મામલે સ્ત્રી અને પુરુષ એમ બન્ને પ્રત્યે સર્વાંગી જાગૃતિની જરૂર છે. બાળકીને ગર્ભમાં હત્યા કરવી એ માનવ હત્યા જેવો જ ગુનો છે એ સમજવું જરૂરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ