મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપ્યા બાદ જજનું રાજીનામું

જજ રવિંદર રેડ્ડી Image copyright HTTP://ECOURTS.GOV.IN

લગભગ 11 વર્ષ બાદ હૈદરાબાદમાં આવેલી મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં તમામ દસ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસનો ચુકાદો સંભળાવનારા જજ રવિંદર રેડ્ડીએ ચુકાદા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને રાજીનામું મોકલી આપ્યું છે.

આ વિશે વધુ માહિતી આપતાં બીબીસી તેલુગુ સેવાનાં પત્રકાર દીપ્તિ બથિનિએ કહ્યું કે રેડ્ડીએ પોતાનું રાજીનામું હાઈ કોર્ટને મોકલી આપ્યું છે. રાજીનામાના કારણો હજી જાણી શકાયા નથી.

નિર્દોષ સાબિત થયેલા આરોપીઓમાં સ્વામી અસીમાનંદનો પણ સમાવેશ થાય છે.

18 મે, 2007 શુક્રવારના રોજ થયેલા બ્લાસ્ટમાં નવ લોકો મૃત્યુ પામ્યા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા.

ત્યારબાદ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ફાયરિગમાં વધુ 5 લોકોનાં મૃત્યું થયાં હતાં.

આ કેસમાં આજે NIAની સ્પેશિયલ કોર્ટે તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે આરોપી સામે ગુનાહિત કૃત્ય કર્યું હોવાના કોઈ પૂરાવા નથી. તપાસ કરી રહેલી એજન્સી તેમને ગુનેગાર સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે.


આ કેસમાં કોણ હતા આરોપી?

Image copyright Getty Images

આ કેસમાં શરૂઆતની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો.

સીબીઆઈએ આ મામલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. એપ્રિલ 2011માં આ કેસ NIAએ પોતાના હસ્તક લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

આ કેસમાં અભિનવ ભારત સંગઠન સાથે જોડાયેલા લોકો આરોપી હતા.

જેમાં સ્વામી અસિમાનંદ, દેવેન્દર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણ દાસ મહારાજ, મોહનલાલ રાતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

Image copyright GETTY IMAGES

રામચંદ્ર અને સંદિપ ડાંગે હજી આ કેસમાં ફરાર છે. આ કેસમાં મહત્ત્વના ગણતા સુનિલ જોશીને આ કેસની તપાસ ચાલતી હતી ત્યારે જ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ કેસમાં કુલ 226 સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં જ્યારે 411 જેટલા દસ્તાવેજો પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.


18 મે 2017ના રોજ મક્કા મસ્જિદમાં શું થયું હતું?

શુક્રવારની નમાજ વખતે જ હૈદરાબાદની મક્કા મસ્જિદમાં પાઇપ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટ સેલ ફોન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

જે બાદ પોલીસને બીજા બે જીવતા IED બોમ્બ મળી આવ્યા હતા જેમને નિષ્ક્રીય કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે લગભગ 10,000થી પણ વધારે લોકો તે સમયે આ મસ્જિદમાં હતા.

આ બોમ્બને વજનદાર માર્બલની નીચે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેની ખૂબ ભયાનક અસર ના થઈ અને ઘણા લોકોના જીવ બચાવી શકાયા.

ત્યારબાદ શહેરમાં ફાટી નીકળેલા તોફાનમાં ટોળાને કાબૂ કરવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું જેમાં વધુ પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા