રાજકોટમાં પણ નવ વર્ષની બાળકી દુષ્કર્મનો શિકાર બની

આરોપી મુરલી ભરવાડ Image copyright BHARGAV PARIKH
ફોટો લાઈન રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મના આરોપી મુરલી ભરવાડ

રાજકોટના શાસ્ત્રીનગરમાં નવ વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા 24 વર્ષીય મુરલી ભરવાડે જ ત્રણથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે બાળકીનાં વિધવા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

ડીસીપી કરણ રાજ વાઘેલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે મોડી રાત્રે મહિલા તેમની દીકરી પર ત્રણ વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરીયાદ લખાવવા આવ્યાં હતાં.

"પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લઈ નવ ટીમ બનાવી આરોપીના મોબાઇલ લોકેશનને ટ્રેસ કર્યું હતું. સવારે તેને રાજકોટ-ગોંડલ હાઇવે પરથી ઝડપી લેવામાં આવ્યો હતો."

બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી, મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

શું તમે આ વાંચ્યું?

બાળકીના શરીરના અંગત ભાગો પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત બાળકીના શરીર પર મારનાં નિશાન પણ જોવાં મળ્યાં છે.

આ પ્રકારની ગુનાઇત માનસિકતા વિશે વાત કરતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણીએ હાલમાં બહાર આવી રહેલા નાની બાળકીઓ સાથેના દુષ્કર્મોના બનાવો પાછળના કારણો બીબીસી સાથેની વાતચીતમાં કહ્યા.

તેમણે કહ્યું, "આ પ્રકારના આરોપીઓ 'ફિઅરફુલ પર્સનાલિટી' એટલે કે અંદરથી ડરપોક હોય તેવું વ્યક્તિત્વ ધરાવે છે."

તેઓ કહે છે "એટલે જ તેઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ તેમનો પ્રતિકાર કરી શક્તા નથી. આ કારણે જ બાળકીઓ ભોગ બની રહી છે."

"આ વ્યક્તિઓના ઉછેરમાં પહેલેથી જ ખામી રહી હોય છે. તેઓ સમાજવિરોધી વર્તન કરે છે."


બોલીવૂડ 'શર્મિંદા'

રાજકોટ અને સૂરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઉપરાંત જમ્મુના કઠુઆમાં બાળકી સાથેના રેપની ઘટના અને યૂપીના ઉન્નાવની ઘટના બાદ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ ફેલાઈ ગયો છે.

આ ઘટનાને લઈને બોલીવૂડ સ્ટાર્સનો પણ ગુસ્સો ચરમ પર પહોંચ્યો છે. આ ઘટના સામે અવાજ ઉઠાવવા બોલીવૂડ સ્ટાર્સ એક કૅમ્પેનમાં જોડાયા છે.

આ કૅમ્પેન અંતર્ગત સ્ટાર્સ હાથમાં 'હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું'નાં લખાણ ધરાવનારું બોર્ડ પકડી ફોટો શેર કરી રહ્યાં છે.


સોનમ કૅમ્પેનમાં સૌથી આગળ

સોનમ કપૂર લગભગ આ કૅમ્પેનમાં સૌથી આગળ રહ્યાં હતાં. તેમણે પોતાનો એક ફોટો ટ્વિટર પર શેર કરી લખ્યું, ''હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું. 8 વર્ષની બાળકી. ગેંગરેપનો શિકાર બની. મંદિરમાં હત્યા કરવામાં આવી.''

સોનમે એક અન્ય ટ્વીટમાં જણાવ્યું કે, ''ફેક નેશનલ્સ અને ફેક હિંદુઓને શરમ આવવી જોઈએ. મને વિશ્વાસ નથી આવતો કે આપણા દેશમાં આવું થઈ રહ્યું છે.''


અન્ય સ્ટાર્સ પણ જોડાયાં

બોલીવૂડના અન્ય સ્ટાર્સમાં કરીના કપૂર, અક્ષય કુમાર, ફરહાન અખ્તર, કોંકણા સેન, જાવેદ અખ્તર, કલ્કિ કોચલિન, મનોજ બાજપેયી, વિશાલ દદલાણી, ગુલ પનાગ અને સ્વરા ભાસ્કર જેવા અનેક લોકો સામેલ થયા.

જાવેદ અખ્તરે કઠુઆ રેપ કેસ અંગે ટ્વીટ કરી જણાવ્યું, ''જે પણ લોકો મહિલાઓનાં હિતમાં અને તેમના માટે ન્યાય માગી રહ્યાં છે તેમણે આ ઘટનાને જાણ્યાં બાદ સ્ટેન્ડ લેવું જોઈએ. બળાત્કારીઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ. ''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો