મક્કા મસ્જિદ બૉમ્બ બ્લાસ્ટ: "તો પછી મારા ભાઈઓ-બહેનોને કોણે માર્યાં?"

મક્કા મસ્જિદની તસવીર Image copyright Getty Images

"આજે આવેલો ચુકાદો, અમારી અપેક્ષાઓથી તદ્દન વિપરીત છે. મારો ભત્રીજો મૃત્યુ પામ્યો અને મને નથી લાગતું કે ન્યાય થયો છે," આ શબ્દો હતા 58 વર્ષીય મોહમ્મદ સલીમના.

મે 2007માં મક્કા મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા નવ લોકોમાંથી એક તેમના ભત્રીજા શાઇક નયીમ પણ હતા. આ બ્લાસ્ટમાં પ0થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અગિયાર વર્ષ બાદ હૈદરાબાદના નેમપલ્લીમાં આવેલી એડિશનલ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટ નંબર 4માં આ ચુકાદો આવ્યો છે. આ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટ પણ છે.

આ ચુકાદામાં પુરાવાને અભાવે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

નબકુમાર સરકાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, દેવેન્દર ગુપ્તા, લોકેશ શર્મા, ભરત મોહનલાલ રત્નેશ્વર, રાજેન્દર ચૌધરી આ કેસમાં આરોપી હતા.

સલીમ સવારથી ટીવી સામે બેસીને આતુરતાથી ચુકાદાનું પરિણામ સાંભળવાની રાહ જોઈ રહ્યા હતા. સલીમ એક રસોઇયા છે, હૈદરાબાદની તાલાબ કટ્ટાની સાંકડી ગલીઓમાં રહે છે.

Image copyright BBC/Naveenkumar
ફોટો લાઈન કોર્ટની બહારનું દૃશ્ય

નયીમના માતા સલીમના બહેન છે. તેમના દીકરાનું અકાળે મૃત્યુ થયા બાદ તે પથારીવશ થઈ ગયાં છે અને સલીમ જ તેમની સંભાળ લે છે.

સલીમે કહ્યું, "મારા બહેન બોલી કે ચાલી શકતાં નથી. એ માત્ર શ્વાસ લઈ રહ્યાં છે. તેમનાં દીકરાના મૃત્યુએ તેમની તબિયતનો ભોગ લીધો છે. હું મારી પાસે જે છે, તેનાથી તેમની સંભાળ લઉં છું."

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે ચુકાદા માટે સમગ્ર કોર્ટને પોલીસ અને સુરક્ષા કર્મચારીઓથી કિલ્લામાં ફેરવી દેવાઈ હતી.

શું તમે આ વાંચ્યું?

કોર્ટમાં પણ તે દિવસે સુનાવણી માટે નિર્ધારિત થયેલા કેસ સાથે જોડાયેલાં લોકો સિવાય અન્ય લોકો માટે પ્રવેશ ન હતો.

મીડિયાને પણ કોર્ટના સંકુલમાં પ્રવેશવા દેવામાં આવ્યું નહોતું. ચુકાદો આવ્યાંની થોડી જ મિનિટોમાં જ આરોપીઓ કોર્ટનું સંકુલ છોડી ગયા હતા.

Image copyright BBC/Naveenkumar
ફોટો લાઈન અસીમાનંદના વકીલ જે પી શર્મા

અસીમાનંદના બચાવ માટે કેસ લડી રહેલા વકીલ જે પી શર્માએ કહ્યું કે ગઈ સરકાર દ્વારા એક રાજકીય કાવતરામાં એનઆઈએને હાથો બનાવવામાં આવી હતી.

શર્માએ કહ્યું, "આ તે સમયની યુપીએ સરકાર દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલી એક બોગસ વાત છે. કોર્ટે એમ કહ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામે મૂકવામાં આવેલા આરોપોમાંથી કોઈને પણ સાબિત કરી શક્યો નથી. લોકો પર ખોટી રીતે આરોપો મૂકવા ઇચ્છતી કોઈ પણ સરકાર માટે આ એક બોધપાઠ છે."

આ ચુકાદાથી બધા ખુશ ન હતા. કોર્ટમાં એક શખ્સ પૂછી રહ્યો હતો, "તો પછી મારા ભાઈઓ-બહેનોની હત્યા કોણે કરી?"

હૈદરાબાદ પોલીસે મે-2007માં વિસ્ફોટોમાં સંડોવણીની આશંકાએ કેટલાક મુસ્લિમ યુવકોની અટકાયત કરી હતી.

બાદમાં તેમની ધરપકડ કરી તેમને જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા.

જોકે, બાદમાં 2008માં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

Image copyright BBC/Naveenkumar
ફોટો લાઈન ઇમરાન ખાન

33 વર્ષના સૈયદ ઇમરાન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે ઇમરાન 21 વર્ષના હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા.

બીબીસી ન્યૂઝ તેલુગુસાથે વાતચીતમાં ઇમરાન પૂછે છે, "18 મહિના અને 24 દિવસ સુધી મને જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો.

"જેલમાંથી નીકળીને મેં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. હું છૂટી ગયો તોપણ મારી ઉપર લાગેલા 'લેબલ'ને કારણે કોઈ મને નોકરી આપવા તૈયાર નથી.

કોઈ ભૂલ ન કરી હોવા છતાંય મારી જિંદગી વેરવિખેર થઈ ગઈ. તેના માટે કોણ જવાબદાર છે ?"

મોડી સાંજે વધુ એક અણધાર્યો વળાંક આવ્યો. ચુકાદા આપનારા જજ રવિન્દર રેડ્ડીએ તેલંગાણા હાઈ કોર્ટને ફેક્સ દ્વારા રાજીનામું મોકલી આપ્યું હતું.

તેમણે શા માટે રાજીનામું આપ્યું, તે અંગે સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું. આમ છતાંય એવું માનવામાં આવે છે કે, આંતરિક મુદ્દે તેમણે રાજીનામું આપ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ