બીજા ક્યા કેસમાં હિન્દુ સંગઠનો પર મૂકવામાં આવ્યા હતા આરોપ?

હૈદરાબાદની મક્કા મસ્જિદ Image copyright Noah Seelam/AFP/GETTY IMAGES

હૈદરાબાદની એક નીચલી અદાલતે 11 વર્ષ પહેલાંના મક્કા મસ્જિદ બોમ્બ વિસ્ફોટ કેસના તમામ આરોપીઓને સોમવારે છોડી મૂક્યા હતા.

હૈદરાબાદ શહેરના ચાર મિનાર વિસ્તારમાંની મસ્જિદના વઝુખાનામાં 2007ની 18, મેએ આ વિસ્ફોટ થયા હતા. તેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 58 લોકો ઘાયલ થયાં હતાં.

પ્રારંભે આ વિસ્ફોટ બદલ ઉગ્રવાદી સંગઠન હરકત ઉલ જમાત-એ-ઇસ્લામી (હુજી) સામે શંકાની આંગળી ચીંધવામાં આવી હતી.

જોકે, ત્રણ વર્ષ પછી પોલીસે આ વિસ્ફોટ બદલ 'અભિનવ ભારત' નામના સંગઠન સાથે જોડાયેલા સ્વામી અસીમાનંદની ધરપકડ કરી હતી.

સ્વામી અસીમાનંદ ઉપરાંત અભિનવ ભારત સાથે જોડાયેલા લોકેશ શર્મા, દેવેન્દ્ર ગુપ્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને પણ આરોપી બનાવવામાં આવ્યાં હતાં.

આ બધાને હાલ તો પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યાં છે, પરંતુ કટ્ટર જમણેરી સંગઠનો પર આતંક ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેવો એક માત્ર કિસ્સો મક્કા મસ્જિદ વિસ્ફોટનો જ નથી.


અજમેર શરીફ વિસ્ફોટ

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ પરિસરમાં પડેલી એક મોટરસાયકલમાં 2007ની 11 ઓક્ટોબરે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો.

તેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.

વિસ્ફોટના ત્રણ વર્ષ બાદ રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી શાંતિ ધારીવાલે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સરકાર આ વિસ્ફોટ બાબતે જાણતી હતી.

તેમ છતાં બીજેપી સરકારે આંખમિચામણા કર્યાં હતાં, કારણ કે તેમાં આરએસએસના લોકો કથિત રીતે સામેલ હતા.

2017ની આઠમી માર્ચે સ્પેશ્યલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટે મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ અને પાંચ અન્ય આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા.

જોકે, 2007માં મૃત્યુ પામેલા આરએસએસના પ્રચારક સુનીલ જોશી ઉપરાંત દેવેન્દ્ર ગુપ્તા અને ભાવેશ પટેલને અજમેર વિસ્ફોટ માટે દોષી ઠરાવ્યા હતા.


સુનીલ જોશીની હત્યા

Image copyright S. NIYAZI

આરએસએસના પ્રચારક સુનીલ જોશીની મધ્ય પ્રદેશના દેવાસમાં 2007ની 29 ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી.

સુનીલ જોશીની હત્યાનો કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો, જેથી દેશમાંના કથિત ભગવા આતંકવાદના આરોપોની તપાસ થઈ શકે.

આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, ઉપરાંત હર્ષદ સોલંકી, રામચરણ પટેલ, વાસુદેવ પરમાર, આનંદરાજ કટારિયા, લોકેશ શર્મા, રાજેન્દ્ર ચૌધરી અને જિતેન્દ્ર શર્માને આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ તમામ સામે હત્યા, સાક્ષીઓને છૂપાવવા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સુનીલ જોશી હત્યા કેસમાં પ્રજ્ઞા સિંહ સહિતનાં આઠ આરોપીઓને 2017ના ફેબ્રુઆરીમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ ચુકાદો દેવાસમાં એડીજે રાજીવ કુમાર આપ્ટેએ આપ્યો હતો.

સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ

Image copyright PTI
ફોટો લાઈન સ્વામી અસીમાનંદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ ટ્રેનમાં 2007ની 18 ફેબ્રુઆરીએ હરિયાણાના પાણીપત નજીક વિસ્ફોટ થયો હતો.

તેમાં 68 લોકો મૃત્યુ પામ્યા હતા અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં 16 બાળકો તથા રેલવેના ચાર કર્મચારીઓનો સમાવેશ થતો હતો.

મૃતકો પૈકીના મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા.

આ કેસની તપાસ 2010ની 26 જુલાઈએ એનઆઈએને સોંપવામાં આવી ત્યારે તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે તેમની પાસે સ્વામી અસીમાનંદ વિરુદ્ધ સજ્જડ પુરાવા છે અને આ વિસ્ફોટનું કાવતરું તેમણે ઘડ્યું હતું.


'બોમ્બનો બદલો બોમ્બથી'

Image copyright Getty Images

તપાસ એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે સ્વામી અસીમાનંદ ગુજરાતના અક્ષરધામ, જમ્મુના રઘુનાથ મંદિર અને વારાણસીના સંકટમોચન મંદિર પરના ઈસ્લામી આતંકવાદી હુમલાથી દુઃખી હતી અને 'બોમ્બનો બદલો બોમ્બથી' લેવા ઇચ્છતા હતા.

આ વિસ્ફોટો સંબંધે આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારને પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પહેલી ચાર્જશીટમાં નાબા કુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદક, સુનીલ જોશી, રામચંદ્ર કાલસંગ્રા, સંદીપ ડાંગે અને લોકેશ શર્માનાં નામ પણ હતાં.

આ લોકો પર સાથે મળીને દેશી બોમ્બ તૈયાર કરવાનો આરોપ હતો.

સીબીઆઈએ ઉત્તરાખંડના હરિદ્વારમાંથી સ્વામી અસીમાનંદની ધરપકડ કરી હતી અને તેમના કબૂલાતનામાને આધારે જ તેમની સામે કેસ બનાવવામાં આવ્યો હતો.

એ પછી સ્વામી અસીમાનંદે એવું કહીને ફેરવી તોળ્યું હતું કે તેમને આપવામાં આવેલા ત્રાસને કારણે તેમણે એ કબૂલાત કરી હતી.

આ કેસની તપાસ ધીમી-ધીમે આગળ વધી, કારણ કે એનઆઈએ આ વિસ્ફોટના 13 પાકિસ્તાની સાક્ષીઓની રાહ જોઈ રહી છે.


માલેગાંવ વિસ્ફોટ

Image copyright Reuters

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 2006ની આઠમી સપ્ટેમ્બરે શુક્રવારની નમાજ પછી થયેલા કેટલાક વિસ્ફોટમાં 37 લોકો મૃત્યુ પામ્યા હતા.

મુંબઈ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી(એટીએસ)એ આ વિસ્ફોટની તપાસ કરી હતી અને સાત લોકો સામે કેસ નોંધ્યો હતો.

તેમાં બે પાકિસ્તાની નાગરિકોનાં નામ પણ હતાં. જોકે, એનઆઈએની ચાર્જશીટમાં એટીએસ તથા સીબીઆઈના દાવા ખોટા સાબિત થયા હતા.

એનઆઈએની પોતાની તપાસના તારણ અનુસાર, આ કેસમાં લોકેશ શર્મા, ધન સિંહ, મનોહર સિંહ અને રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

રમજાન મહિનામાં થયેલા આ વિસ્ફોટની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડીએ કરી હતી.

તે મુજબ, આ વિસ્ફોટમાં એક મોટરસાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ મોટરસાયકલ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે રજિસ્ટર્ડ થયેલી હોવાનું પછી બહાર આવ્યું હતું.


જમણેરી સંસ્થા પર આરોપ

Image copyright PTI
ફોટો લાઈન કર્નલ શ્રીકાંત પુરોહિત

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, અભિનવ ભારત સંસ્થાએ માલેગાંવ વિસ્ફોટ કરાવ્યો હતો. આ કેસના આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિત અભિનવ ભારત સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કર્નલ પુરોહિત સહિત સાત લોકો આરોપી હતા. આ કેસની તપાસ બાદમાં એનઆઈએને સોંપવામાં આવી હતી.

એનઆઈએએ પણ જણાવ્યું હતું કે કર્નલ પુરોહિતે ગુપ્ત બેઠકોમાં ભાગ લીધો હતો અને બ્લાસ્ટ્સ માટે વિસ્ફોટક સામગ્રી એકઠી કરવા સહમત થયા હતા.

જોકે, પોતે રાજકારણનો શિકાર બન્યા હોવાનો દાવો કર્નલ પુરોહિત રજૂ કરતા રહ્યા હતા.

2016ની 13 મેએ એનઆઈએએ નવી ચાર્જશીટ દાખલ કરી હતી.

તેમાં રમેશ શિવાજી ઉપાધ્યાય, સમીર શરદ કુલકર્ણી, અજય રાહિરકર, રાકેશ ધાવડે, જગદીશ મ્હાત્રે, કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત, સુધાકર દ્વિવેદી ઉર્ફે સ્વામી દયાનંદ પાંડે, સુધાકર ચતુર્વેદી, રામચંદ્ર કાલસાંગરા અને સંદીપ ડાંગે વિરુદ્ધ પુરતા પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

એ ઉપરાંત સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, શિવનારાયણ કાલસાંગરા, શ્યામ ભવરલાલ સાહૂ, પ્રવીણ ટક્કલકી, લોકેશ શર્મા અને ધાનસિંહ ચૌહાણ સામે કેસ ચલાવવા લાયક પુરાવા ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.


સાધ્વી જામીન પર મુક્ત

Image copyright PTI
ફોટો લાઈન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર

મુંબઈ હાઈ કોર્ટે 2017ના એપ્રિલમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર મુક્ત કર્યાં હતાં, પણ કર્નલ પુરોહિતને જામીન પર મુક્ત કરવામાં આવ્યા ન હતા.

2017ના ઓગસ્ટમાં કર્નલ પુરોહિત નવ વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યા હતા, પણ તેઓ જેલમાંથી નીકળ્યા ત્યારે સૈન્યનાં ત્રણ વાહનો તેમને લેવા માટે આવ્યાં હોવાની ચર્ચા વધુ થઈ હતી.

માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કર્નલ પુરોહિત પર મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદા (મકોકા) હેઠળ મૂકવામાં આવેલા આરોપો 2017ના ડિસેમ્બરમાં હટાવી લેવામાં આવ્યા હતા.

આ બન્ને પર હાલ યુએપીએ અને આઈપીસીની વિવિધ કલમો અનુસાર કેસ ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ